Top News

More Posts

   The Latest

Most Popular

શું તમે સસ્તા સોનાની લાલચમાં છો? સાવધાન!

તાંદલજામાં PCB-SOGના સંયુક્ત દરોડા: કર્ણાટકની મહિલાને ‘સસ્તું સોનું’ આપવાના નામે છેતરી હતી.
​ભેજાબાજોએ વિશ્વાસઘાત કરવા માટે EDના અધિકારીનો વેશ ધારણ કર્યો હતો.

વડોદરા ::શહેરના તાંદલજા વિસ્તારમાં એક મોટી કાર્યવાહીમાં, PCB, SOG અને જેપી પોલીસ સ્ટેશનની ટીમે સંયુક્ત ઓપરેશન પાર પાડીને એક આંતરરાજ્ય ઠગ ટોળકીનો પર્દાફાશ કર્યો છે. આ ગેંગ ED ના અધિકારી બનીને લોકોને સસ્તા સોનાની લાલચ આપીને ઠગાઈ આચરતી હતી.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ ટોળકીએ કર્ણાટકની એક મહિલાને પોતાનો શિકાર બનાવી હતી. ભેજાબાજોએ મહિલાને સસ્તું સોનું આપવાની લાલચ આપીને વિશ્વાસમાં લીધી હતી. જોકે, ડીલ દરમિયાન આ ઠગ ટોળકીના સભ્યોએ પોતે EDના અધિકારી હોવાનો ઢોંગ કર્યો હતો અને મહિલા સાથે વિશ્વાસઘાત કરીને ઠગાઈ આચરી હતી. આ ઘટનાની ફરિયાદ મળતાની સાથે જ પોલીસે તપાસનો દોર શરૂ કર્યો હતો. તાંદલજા વિસ્તારમાં આવેલા આરોપીઓના ઠેકાણા પર દરોડા પાડતા, પોલીસ ટીમને ચોંકાવનારો જથ્થો મળી આવ્યો છે. સ્થળ પરથી આશરે દોઢ કરોડ રૂપિયાની કિંમતની નકલી ભારતીય ચલણી નોટો મળી આવી છે.

આ ઉપરાંત, આશરે ત્રણ કિલોગ્રામ જેટલા વજનના નકલી સોનાના બિસ્કિટ પણ પોલીસે જપ્ત કર્યા છે. પોલીસે નકલી નોટો અને સોનાના બિસ્કિટ સહિતનો મુદ્દામાલ કબજે કરી લીધો છે.
સંયુક્ત દરોડામાં ઝડપાયેલી આ ઠગ ટોળકીના સભ્યોની પૂછપરછ શરૂ કરી દેવામાં આવી છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે, આ ગેંગે અત્યાર સુધીમાં કેટલા લોકોને શિકાર બનાવ્યા છે અને તેમની મોડસ ઓપરેન્ડી શું હતી.

આ ઉપરાંત, પકડાયેલા આરોપીઓના તાર અન્ય કોઈ રાજ્ય કે મોટા રેકેટ સાથે જોડાયેલા છે કે કેમ, તે અંગે પણ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે. વડોદરા પોલીસના આ સફળ ઓપરેશને શહેરમાં સસ્તા સોનાની લાલચ આપીને થતી ઠગાઈના એક મોટા નેટવર્કને તોડી પાડ્યું છે.

To Top