Top News

More Posts

   The Latest

Most Popular

વડા પ્રધાન નરેન્દ્ર મોદી હમણાં રશિયાના પ્રવાસે હતા. રશિયાનો સર્વોચ્ચ એવોર્ડ વડા પ્રધાનને એનાયત કરવામાં આવ્યો, જે આપણા દેશ માટે ગૌરવશાળી ઘટના ગણાય અને એવોર્ડ સ્વીકારતા વડા પ્રધાને પણ સ્વાભાવિક રીતે જ કહ્યું કે, આ મારું સન્માન નહીં, પણ મારા દેશનું સન્માન છે. રશિયા યુક્રેન યુદ્ધના સંદર્ભે વડા પ્રધાને રાષ્ટ્રપતિને જે વાત કહી તે ધ્યાનાર્હ છે. વડા પ્રધાને કહ્યું કે, યુદ્ધ એ કોઈ પણ સમસ્યાનું સમાધાન નથી. ટેબલ પર બેસી સમાધાનના રસ્તા ખોળવા જોઈએ. વડા પ્રધાને યુદ્ધમાં હોમાઈ રહેલાં બાળકો અને નિર્દોષ પ્રજાજનો માટે અનુકંપા અને સંવેદના પ્રગટ કરી.

અહીં સુધીની વડા પ્રધાનની ભૂમિકા સરાહનીય ગણાય. બીજા દેશમાં મરી રહેલાં નાગરિકો પ્રત્યે દર્શાવવામાં આવતી અનુકંપા અને સંવેદના બરાબર છે પણ જ્યારે પોતાના જ દેશનાં નિર્દોષ નાગરિકો બેમોત મરી રહ્યાં હોય છે ત્યારે એ સંવેદના કેમ બુઠ્ઠી થઈ જાય છે?  ભારતનો જ એક ભાગ એવા મણિપુર છેલ્લા દોઢ વર્ષથી સળગી રહ્યું છે, ત્યાં કેટલીય સ્ત્રીઓ પર બળાત્કાર થયાં, સ્ત્રીઓની નગ્ન પરેડ કરવામાં આવી. કેટલાંય નાગરિકોએ જીવ ગુમાવ્યાં. કેટલાંય લોકો બેઘર થયાં, હજારો લોકો રાહત કેમ્પમાં દિવસો કાઢી રહ્યાં છે ત્યારે આપણા સંવેદનશીલ વડા પ્રધાનને પૂછવાનું મન થાય કે સાહેબ, એક આંટો મણિપુરમાં મારવાનો પણ સમય તમારી પાસે નથી.!? 

કોઈના લગ્નમાં હાજરી આપવાનો સમય છે, તમને પ્રિય એવા વિદેશ પ્રવાસો કરવાનો સમય છે. ખેલાડીઓ જીતીને આવે એને બિરદાવવાનો સમય છે,  પણ દેશનો એક ભાગ અને એક ખૂણો મણિપુર સળગી રહ્યું છે એને ઠારવાનો સમય તમારી પાસે નથી. જેને પપ્પુ કે બાળક બુદ્ધિ ઠેરવવામાં કોઈ કચાશ  બાકી નથી રાખી એવા રાહુલ ગાંધી અત્યાર સુધીમાં ત્રણ વખત મણિપુરની મુલાકાત લઈ ચૂક્યા છે અને તમારી પાસે એક મુલાકાત કરવાનો સમય નથી. આમ તો જે રાજ્યમાં તમારી સરકાર હોય ત્યાં ડબલ એન્જિનની સરકારના ધમાકા બોલાવો છો, તો મણિપુરમાં પણ તમારી જ ડબલ એન્જિન સરકાર છે, તો ત્યાં કેમ સુરસુરિયું થઈ જાય છે?  આ કેવા પ્રકારની સંવેદનશીલતા? આ કેવા પ્રકારની દોંગાઈ? બીજા દેશમાં કોઈ ઘટના બને તો મુખર બની સંવેદના પ્રગટ કરવાની અને પોતાના જ દેશમાં બનતી ઘટનાઓને નજરઅંદાજ કરવાની? સંવેદનહીન બની જવાનું?
સુરત     – પ્રેમ સુમેસરા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

To Top