નવસારી, ઘેજ, બીલીમોરા : નવસારી જિલ્લામાં બીજા દિવસે સાર્વત્રિક વરસાદ યથાવત રહેતા ખેરગામમાં સાડા આઠ ઇંચ, વાંસદામાં આઠ ઇંચ અને ચીખલીમાં સાડા પાંચ ઇંચ વરસાદ નોંધાયો હતો. તો બીજી તરફ નવસારી જિલ્લાની નદીઓમાં ઘોડાપુર આવતા જિલ્લા તંત્ર સતર્ક થઇ નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કર્યા હતા. જોકે નદીઓના જળ સ્તર ન વધતા પૂરની આફતથી બચી ગયા હતા. પરંતુ જિલ્લાની નદીઓમાં ઘોડાપુર આવતા અને ડેમો ઓવરફ્લો થતા જિલ્લાના 64 રસ્તાઓ તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવ્યા હતા. ચીખલી તાલુકામાં અને ગણદેવી તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. તેમજ નવસારી તાલુકામાં અને જલાલપોર તાલુકામાં વરસાદી ઝાપટાઓ પડ્યા હતા.
ખેરગામ તાલુકામાં આજે બપોરે 12 થી 2 વાગ્યા દરમિયાન 68 મી.મી. (2.8 ઇંચ) અને 2 થી 4 વાગ્યા દરમિયાન 52 મી.મી. (2.1 ઇંચ) વરસાદ નોંધાયો હતો. જેથી 4 કલાકમાં 120 મી.મી. (5 ઇંચ) વરસાદ ખાબક્યો હતો. બીજી તરફ ચીખલી તાલુકામાં આજે બપોરે 2 થી 4 વાગ્યા દરમિયાન 80 મી.મી. (3.3 ઇંચ) વરસાદ ખાબક્યો હતો. ગત શનિવારે સાંજે 6 વાગ્યેથી રવિવારે સાંજે 6 વાગ્યે સુધી 24 કલાકમાં, ખેરગામ તાલુકામાં 209 મી.મી. (8.7 ઇંચ), વાંસદા તાલુકામાં 197 મી.મી. (8.2 ઇંચ), ચીખલી તાલુકામાં 142 મી.મી. (5.9 ઇંચ), ગણદેવી તાલુકામાં 68મી.મી (2.8 ઇંચ), નવસારી તાલુકામાં 40મી.મી (1.6 ઇંચ) અને જલાલપોર તાલુકામાં 23 મી.મી. (0.9 ઇંચ) નોંધાયો હતો.
બીજી તરફ ઉપરવાસમાં પણ ધોધમાર વરસાદથી નવસારી જિલ્લાની અંબિકા નદી, પૂર્ણા નદી અને કાવેરી નદીમાં ઘોડાપુર આવ્યું હતું. ગત શનિવારે બપોર બાદ અંબિકા નદી, પૂર્ણા નદી અને કાવેરી નદીના જળ સ્તરમાં વધારો થવા લાગ્યો હતો. જેમાં પૂર્ણા નદી ગત શનિવારે રાત્રે 10 વાગ્યે સુધીમાં 18.50 ફૂટે પહોંચી જતા નવસારી જિલ્લા તંત્રએ સતર્ક થઇ નવસારી શહેરના અને પૂર્ણા નદીની આજુબાજુના ગામોમાં એલર્ટ જાહેર કરી સલામત સ્થળે ખસી જવા માટે જણાવ્યું હતું. પરંતુ પૂર્ણા નદીની સપાટી રવિવારે વહેલી સવારે 4 વાગ્યે સુધી 19 ફૂટે વહી રહી હતી. જોકે ત્યાર બાદ પૂર્ણા નદીના જળ સ્તરમાં ઘટાડો થતા 18 ફૂટે આવી પહોંચી હતી. અને રવિવારે સાંજે 6 વાગ્યે સુધી પૂર્ણા નદી 18 ફૂટે જ વહી રહી હતી.
આ સિવાય અંબિકા નદીના જળ સ્તરમાં વધારો થવા લાગતા અંબિકા નદી રવિવારે સવારે 10 વાગ્યે સુધી 24.60 ફૂટે આવી પહોંચી હતી. જોકે ત્યારબાદ અંબિકા નદીના જળ સ્તરમાં ઘટાડો થવા લાગતા રવિવારે સાંજે 6 વાગ્યે સુધીમાં 22.96 ફૂટે વહી રહી હતી.
તેમજ ગત શનિવારે સાંજે કાવેરી નદીના જળ સ્તરમાં વધારો થતા 15.50 ફૂટે પહોંચી ગઈ હતી. જોકે ત્યારબાદ કાવેરી નદીના જળ સ્તરમાં ઘટાડો થતા રવિવારે સવારે 6 વાગ્યે સુધી 14 ફૂટે વહી રહી હતી. પરંતુ સવારે 6 થી 8 વાગ્યા દરમિયાન કાવેરી નદીના જળ સ્તરમાં 2 ફૂટનો વધારો થતા 16 ફૂટે પહોંચી ગઈ હતી. ત્યારબાદ ફરી કાવેરી નદીના જળ સ્તરમાં ઘટાડો થતા બપોરે 2 વાગ્યે સુધીમાં 13 ફૂટે વહી રહી હતી. પરંતુ ત્યારબાદ ફરીથી કાવેરી નદીના જળ સ્તરમાં વધારો થતા સાંજે 6 વાગ્યે સુધીમાં 16 ફૂટે આવી પહોંચી છે. એક તરફ નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદ તો બીજી તરફ ઉપરવાસમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો હોવાથી નવસારી જિલ્લાની અંબિકા, પૂર્ણા અને કાવેરી નદીમાં ઘોડાપુર આવ્યું હતું. જોકે તમામ નદીઓએ ભયજનક સપાટી ન વટાવતા પૂરની આફતથી બચી ગયા હતા. જોકે હજી પણ નવસારી જિલ્લામાં પૂર આવવાની સંભાવના વર્તાઈ રહી છે.
જિલ્લાના 64 રસ્તા ઓવરટોપીંગના કારણે અવરોધાયા
નવસારી જિલ્લાની નદીઓમાં ઘોડાપુર આવવાથી તેમજ ડેમો ઓવરફ્લો થવાથી ભારે પાણીના પ્રવાહને કારણે 64 રસ્તા ઓવરટોપીંગના કારણે અવરોધાયા છે. જેમાં નવસારી તાલુકાના 9 રસ્તાઓ, જલાલપોર તાલુકાના 1 રસ્તો, ગણદેવી તાલુકાના 17 રસ્તાઓ, ચીખલી તાલુકાના 15 રસ્તાઓ, ખેરગામ તાલુકાના 3 રસ્તાઓ અને વાંસદા તાલુકાના 19 રસ્તાઓ મળી જિલ્લાના કુલ 64 રસ્તાઓ બંધ કર્યા છે. આ રસ્તાઓના કારણે વાહન વ્યવહારને અસર ન પહોચે તે માટે વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવા નવસારી જિલ્લા તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે. તથા પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
ચીખલી તાલુકામાં પાણી ફરી વળતા ૨૦ માર્ગો બંધ કરાયા
ઘેજ : ચીખલી પંથકમાં બપોરે બે કલાકમાં જ ત્રણ ઇંચથી વધુ વરસાદ ખાબકતા બારે મેઘ ખાંગા જેવી સ્થિતિ સર્જાવા પામી હતી. જ્યારે ચોવીસ કલાકમાં ૫.૬૮ ઇંચ વરસાદ વરસતા અંબિકા, ખરેરા, કાવેરી સહિતની લોકમાતાઓમાં ઘોડાપૂરની સ્થિતિ યથાવત રહી હતી. તાલુકામાં પાણી ફરી વળતા ૨૦ માર્ગો બંધ કરાયા હતા, જ્યારે સમરોલીમાં એક ઘરની દીવાલ ધરાશાયી થઈ હતી.
ચીખલી તાલુકામાં મેઘરાજાએ આક્રમક બેટિંગ કરતા રિવરફ્રન્ટ સ્થિત તડકેશ્વર મહાદેવજીનું મંદિર જળમગ્ન થયું હતું. ગોલવાડ અને તલાવચોરાનો લો-લેવલ પુલ પૂરના પાણીમાં અદ્રશ્ય થયા હતા. ખરેરા નદી પણ ગાંડીતુર બનતા આમધરા-મોગરાવાડીનો કોઝવે ગરકાવ થતા લોકોનો સીધો સંપર્ક તૂટ્યો હતો. ફડવેલ ગામે નાવણી નદીનો કોઝ-વે દોણજામાં નાની ખાડી પરનો કોઝ-વે તથા સારવણી ગામે ગીતાવણી નદી પરનો ચેકડેમ પુરના પાણીમાં ગરકાવ થતા લોકો સંપર્ક વિહોણા થયા હતા. ફડવેલ-લીમઝર મુખ્ય જિલ્લા માર્ગ પરનો વાહન વ્યવહાર બંધ થઈ ગયો હતો. તાલુકામાં નાના મોટા ૨૭ માર્ગો પર પાણી ભરાવાના કારણે વાહન વ્યવહાર બંધ રહ્યો હતો.
આ સાથે સિઝનનો ૬૮.૬૪ ઇંચ વરસાદ નોંધાયો હતો.
માર્ગો પરથી નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા
ચીખલીમાં બપોરે બે કલાકમાં ૮૦ મીમી વરસાદ ખાબકતા માર્ગો પરથી નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા અને સમરોલીમાં બીલીમોરા રોડ તથા થાલામાં બગલાદેવ મંદિરની આગળ વાંસદા રોડ પર,થાલા અને સમરોલીમાં હાઇવેના સર્વિસ રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાની નોબત આવી હતી. સમરોલીમાં રણછોડજી ભગવાનના મંદિર પાસે મયુરભાઈ પાંચાલના ઘરની દીવાલ ધસી પડી હતી.
ચીખલી તાલુકામાં બંધ થયેલા માર્ગો
હરણગામ-દોણજા રોડ,પીપલગભણ-આમધરા મોગરાવાડી રોડ, તલાવચોરા-બારોલીયા-મોટા ફળીયા-તલાવચોરા-સોલધરા રોડ, તલાવચોરા-ડેન્સા ફળીયા-તેજલાવ રોડ, સોલધરા નાયકી વાડ રોડ, સાદકપોર ગોલવાડ-તલાવચોરા રોડ, રૂમલા-નડગધરી રોડ, દોણજા-નાની ખાડી રોડ, વેલણપુર એપ્રોચ રોડ, ફડવેલ ગામતળ-આંબાબારી રોડ, કણભઇ-પીપલા ફળીયા રોડ, ગોડથલ મહાદેવ મંદિર ફળીયા રોડ, માંડવખડક-કોલચીવાડ ફળીયા, માંડવખડક-ચિતપાતલ રોડ, ટાંકલ હનુમાન ફળીયા રોડ, ચરી પ્રાયમરી સ્કૂલથી ઉખડ ફળીયા-ગોરગામ રોડ, ધેજ વાંઝરી ફળીયા ચરી ખુશાલ ફળીયા રોડ, ધેજ વાંઝરી ફળિયાથી ઝાડી ફળીયા ખેરગામ જોઇનિંગ રોડ, ચરી પ્રાયમરી સ્કૂલથી ઉખડ ફળીયા ગોરગામ રોડ, પીપલગભણ-આમધરા-મોગરાવાડી રોડ, ફડવેલ-લીમઝર રોડનો સમાવેશ થાય છે.
ગણદેવી તાલુકામાં 2 મકાનને નુકસાન, માછીમાર યુવાન પાણીમાં લાપત્તા થયો
બીલીમોરા : બીલીમોરામાં પડી રહેલા ભારે વરસાદથી ગણદેવી બીલીમોરામાં જ્યાં જુઓ ત્યાં પાણી પાણી થઈ ગયું છે. રવિવારે 24 કલાકમાં 67 એમએમ (2.68) ઇંચ વરસાદ પડવા સાથે તાલુકાનો કુલ 60.72 ઇંચ વરસાદ નોંધાયો છે. વરસાદને કારણે તાલુકામાં 2 મકાનોને ભારે નુકસાન પહોચવા સાથે નાદરખામાં મચ્છીમારી કરવા ગયેલો યુવાન પાણીમાં લાપત્તા થયો છે.
રવિવારે ભારે વરસાદથી ગણદેવીના અજરાઈ હાથિયાવાડી ફળિયામાં કિશોર હસમુખભાઈ પટેલનું મકાન તૂટી પડ્યું હતું. પોસરી ભૂલ્યા ફળિયામાં રહેતા મગનભાઈ લલ્લુભાઇ પટેલના મકાનની છતના દાંડા અને નળિયા તૂટી પડ્યા હતા. નાદરખા વચલા ફળિયામાં રહેતા અમિત લલ્લુભાઈ પટેલ (45) મચ્છીમારી કરવા જતા પાણીમાં ડૂબી જતા લાપતા થયો છે. ગણદેવી તાલુકાના 17 માર્ગોને બંધ કરાયા હતા. ઉપરવાસના વરસાદથી ગણદેવી તાલુકામાંથી પસાર થતી અંબિકા અને કાવેરી નદીની સપાટીમા ખાસ્સો વધારો થયો હતો. ગણદેવી અને બીલીમોરામાં મોસમનો 60.72 ઇંચ વરસાદ નોંધાયો છે.
કાવેરી નદી પાસે પાર્ક કરેલી ટ્રક ડૂબી ગઈ
બીલીમોરા : સ્મશાન ભૂમિ નજીક જતા રસ્તા ઉપર કાવેરી નદી પાસે પાર્ક કરેલી ટ્રક નદીમાં પાણી અચાનક વધી જતા અડધી ટ્રક ડૂબી ગઈ હતી. કહેવાય છે કે ટ્રકમાં રેતી ભરવા માટે અહીં મૂકી જવાય હતી. મજૂરો રેતી ભરીને જતા રહ્યા હતા. ચાલક ટ્રક કાઢે તે પહેલા તો નદીના પાણીનું લેવલ એકદમ વધી જતા ટ્રક નદીમાં ફસાઈ ગઈ છે. ટ્રકમાં રેતી ભરેલી હતી એટલે વજનને કારણે નદીના પાણીમાં ટકી રહી છે, નહીં તો પાણીના વહેણમાં ટ્રક ખેંચાઈ જતે.
વાંસદામાં 3.૯૮ ઇંચ વરસાદથી અનેક પુલ, કોઝવે પાણીમાં ગરકાવ
વાંસદા : વાંસદા તાલુકા સહિત ઉપરવાસમાં સતત વરસાદમાં પગલે વાંસદાની કાવેરો, કાવેરી અને અંબિકા નદીઓ ગાંડીતુર બની હતી. ત્યારે ૪ ઇંચ વરસાદ નોંધાતા અનેક ગ્રામ વિસ્તારના રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યા હતા. વાંસદામાં ચંપાવાડી ખાતે આવેલા રાજ રાજેશ્વર મહાદેવ મંદિરમાં કાવેરી નદીના પાણી ભરાઈ જવા પામ્યા હતા, સરાથી પદમ ડુંગરી ઇકો ટુરીઝમ તરફ જતો રસ્તો અંબિકા નદીમાં ગરકાવ થયો હતો. વાંસદાથી વણારસીનો કોઝવે પાણીમાં સમાઇ ગયો હતો.