Top News

More Posts

   The Latest

Most Popular

મુંબઈના પવઈમાં બાળકોને સ્ટુડિયોમાં હોસ્ટેજ બનાવવાના કેસમાં નવો ચોંકાવનારો ખુલાસો થયો છે. આરોપી રોહિત આર્યનો એક અભિનેત્રીને પણ કિડનેપ કરવાનો પ્લાન હતો. ખુદ અભિનેત્રીએ વોટ્સએપ ચેટ શેર કરીને આ તમામ વાતનો ખુલાસો કર્યો છે.

મુંબઈના પવઈ વિસ્તારમાં બાળકોને ગોંધી રાખવાની ઘટનાએ આખા દેશમાં ખળભળાટ મચાવી દીધો હતો. ગઈ કાલે તા. 30 ઓક્ટોબર ગુરુવારે બપોરે આરએ સ્ટુડિયોમાં રોહિત આર્ય નામના વ્યક્તિએ 17 બાળકો, બે મહિલાઓ અને એક વૃદ્ધ પુરુષને બંધક બનાવી લીધા હતા.

કલાકો સુધી બાળકોને બંધક રાખ્યા હતા. જાણ થતા પોલીસ દોડી ગઈ હતી. કલાકો સુધી પોલીસ કાર્યવાહી ચાલી હતી. અંતે રોહિત આર્ય પોલીસ એન્કાઉન્ટરમાં માર્યો ગયો. હવે આ કેસમાં એક નવો ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે.

મરાઠી અભિનેત્રી સાથે રોહિતની વાતચીતનો ખુલાસો
જાણીતી મરાઠી અભિનેત્રી રુચિતા જાધવે ખુલાસો કર્યો છે કે રોહિત આર્યએ થોડા અઠવાડિયા પહેલા તેને ફિલ્મ પ્રોજેક્ટના બહાને સંપર્ક કર્યો હતો. તેણીએ સોશિયલ મીડિયા પર વોટ્સએપ ચેટ્સના સ્ક્રીનશોટ શેર કર્યા છે અને લખ્યું કે “મને તે દિવસ વિશે વિચારીને પણ ધ્રુજારી આવે છે.”


રુચિતાએ જણાવ્યું હતું કે તા. 4 ઓક્ટોબરે રોહિતનો મેસેજ આવ્યો હતો. જેમાં તેણે પોતાને ફિલ્મમેકર તરીકે રજૂ કર્યો અને કહ્યું કે તે હોસ્ટેજ સિચ્યુએશન પર આધારિત ફિલ્મ બનાવી રહ્યો છે.

રોહિતે અભિનેત્રીને તા.27 થી 29 ઓક્ટોબર વચ્ચે મળવા કહ્યું હતું અને તા. 28 ઓક્ટોબરે પવઈમાં મીટિંગ નક્કી થઈ હતી. તા. 27 તારીખે તેણે સ્ટુડિયોનું સ્થાન પણ મોકલ્યું પરંતુ કુટુંબના કારણોસર રુચિતાએ મીટિંગ રદ કરી દીધી હતી.

પછી તા. 31 ઓક્ટોબરે જ્યારે તેણે ટીવી પર સમાચાર જોયા કે રોહિત એ જ વ્યક્તિ હતો જેણે પવઈમાં લોકોને બંધક બનાવ્યા હતા. ત્યારે તેણી હચમચી ગઈ. તેણીએ લખ્યું “ભગવાનનો આભાર કે એ દિવસે હું ગઈ નહીં. નહીંતર હું પણ એ ઘટનાનો ભાગ બની હોત.”

રોહિત આર્યએ મહારાષ્ટ્ર સરકાર માટે પ્રોજેક્ટ બનાવ્યો હતો
માહિતી મુજબ રોહિત આર્ય અગાઉ ફિલ્મમેકર હતો અને તેણે મહારાષ્ટ્ર સરકાર પર તેમના પ્રોજેક્ટ “લેટ્સ ચેન્જ” નો વિચાર ચોરવાનો આરોપ મૂક્યો હતો. તેણે દાવો કર્યો હતો કે સરકારએ તેના વિચાર અને સ્ક્રિપ્ટનો ઉપયોગ કરીને “માઝી શાલા, સુંદર શાલા” નામનો પ્રોજેક્ટ બનાવ્યો પણ તેને કોઈ ક્રેડિટ કે રૂપિયા ચૂકવ્યા નહોતા.

તેના કહેવા પ્રમાણે તેણે એક મહિના સુધી ઉપવાસ કર્યો અને તત્કાલીન શિક્ષણ મંત્રી દીપક કેસરકર વિરુદ્ધ ન્યાયની માંગ કરી હતી. પરંતુ તપાસ લંબાતી રહી અને અંતે તેણે માનસિક સંતુલન ગુમાવ્યું હતું.

રોહિત પોલીસ એન્કાઉન્ટરમાં માર્યો ગયો
પવઈમાં બનેલી ઘટનામાં મુંબઈ પોલીસે અને ક્વિક રિસ્પોન્સ ટીમે (QRT) લગભગ બે કલાક સુધી ચર્ચા કર્યા પછી આખરે બધા લોકોને સુરક્ષિત રીતે બચાવ્યા પરંતુ રોહિત આર્ય એન્કાઉન્ટરમાં માર્યો ગયો.

To Top