Columns

નારીને પુરૂષ સમોવડી બનાવવાની દોડમાં આપણા પરિવારો સંકોચાઈ રહ્યા છે

જૂના જમાનામાં કોઇ પણ કન્યા લગ્ન કરીને સાસરે આવતી ત્યારે વડીલો તરફથી તેને આશીર્વાદ આપવામાં આવતા હતા: ‘અષ્ટ પુત્રવતી ભવ:’ કોઇ પણ સ્ત્રી ઓછામાં ઓછા આઠ પુત્રોની માતા બને તેવી અપેક્ષા તેની પાસે રાખવામાં આવતી હતી. આજના જમાનામાં લગ્ન કરીને સાસરે આવતી કન્યાનો કોઇ વડીલ જો આવા આશીર્વાદ આપે તો તે બેભાન બનીને ઢળી જ પડે. હજી ૫૦ વર્ષ અગાઉનો આપણા પરિવારોનો ઇતિહાસ તપાસીએ તો ખ્યાલ આવશે કે આપણા સમાજમાં કોઇ પણ પરિવારમાં સાત-આઠ ભાઇઓ અને ત્રણ-ચાર બહેનો હોવા એ તદ્દન સામાન્ય બાબત હતી.

૫૦ વર્ષમાં એવું તે શું બન્યું કે જેને કારણે માબાપોને ત્રણ સંતાનોનો ઉછેર કરવાનું પોસાતું નથી, જેને કારણે આપણા સમાજે પહેલાં તો ‘અમે બે, અમારાં બે’ સૂત્રને અપનાવી લીધું અને હવે આપણો સમાજ ‘અમે બે, અમારું એક’ સૂત્ર તરફ આગળ વધી રહ્યો છે? કોઇ પણ સમાજશાસ્ત્રી માટે આ ગહન સંશોધનનો વિષય બની રહેવો જોઇએ. આજે આપણા સમાજમાં એવાં યુગલો જોવા મળે છે, જેઓ સંતાનપ્રાપ્તિ માટે માનતાઓ માને છે, ઊંટવૈદોને શરણે જાય છે અને આકરામાં આકરું તપ કરવા પણ તૈયાર થઇ જાય છે.

બીજી બાજુ એવાં યુગલો પણ છે જેઓ લગ્નાનાં પાંચ-પાંચ વર્ષ વીત્યાં છતાં પતિ-પત્નીમાં કોઇ પણ ખામી ન હોય તો પણ સ્વેચ્છાએ જ સંતાનવિહોણાં રહે છે. આવાં યુગલો બાળકો પેદા કરવાથી દૂર રહે છે, તેની પાછળ ક્યાં કારણો ભાગ ભજવતાં હોય છે? ફિટનેસ એક્સપર્ટ તરીકે પોતાની કારકિર્દી ધરાવતી આરતી આહુજા નામની મહિલા કહે છે કે”આજે બાળકનો ઉછેર કરવામાં અનેક લાગણીની સમસ્યાઓ પેદા થાય છે. ગર્ભમાં બાળકને ધારણ કરવાની અને પ્રસૂતિની પીડા તો હોય જ છે; પણ તે ઉપરાંત બાળકને તે ઘોડિયાંમાં હોય ત્યારથી લઇ લગ્ન કરીને ઠરીઠામ થાય ત્યાં સુધીની કઠોર જહેમત પણ હોય છે.

બાળક પેદા થાય તે પછી તમે તમારી પોતાની જિંદગી જીવી જ શકતા નથી. જો ભૂલેચૂકે હું સગર્ભા થઇ ગઇ તો પણ હું ગર્ભપાત કરાવવાનું જ પસંદ કરીશ.’ પોતાની વ્યાવસાયિક કારકિર્દી ધરાવતી આધુનિક મહિલાના બાળકને જન્મ આપવા બાબતના આ વિચારો સાંભળીને કદાચ તમે ચોંકી ગયા હશો પણ આજે નોકરી કરતી અને પોતાની સ્વતંત્ર આવક ધરાવતી લાખો મહિલાઓ લગભગ આવા જ વિચારો ધરાવે છે.

આપણા પરિવારો સંકોચાઇ રહ્યા છે, તેનો સીધો સંબંધ સમાજમાં સ્ત્રીઓના બદલાયેલા દરજ્જા સાથે છે. અગાઉ આપણા સમાજમાં સ્ત્રીને એક ગૃહિણી અને માતા તરીકે જ જોવામાં આવતી હતી. સ્ત્રીના જીવનમાં જો કોઇ મહત્ત્વાકાંક્ષા હોય તો તે એટલી જ હતી કે પોતે પોતાના પતિની સેવા કરે, ઘરનું સારી રીતે સંચાલન કરે અને બાળકોનો તંદુરસ્ત ઉછેર કરીને તેમને સંસ્કારી નાગરિક બનાવે. આ કારણે સ્ત્રી પોતાની બધી જ શક્તિ ગૃહસંભાળમાં અને બાળઉછેરમાં કેન્દ્રિત કરતી હતી.

આજના જમાનામાં સ્ત્રીની અગ્રિમતાઓ બદલાઇ ગઇ છે. તે પુરૂષોની સાથે સ્પર્ધામાં ઉતરી છે. હવે તેની શક્તિ નોકરી કરવામાં, પૈસા રળવામાં, કારકિર્દી ઘડવામાં અને બહારની દુનિયામાં સંબંધો વિકસાવવામાં જ ખર્ચાઇ જાય છે. આ કારણે બાળકને જન્મ આપવા માટે અને તેનો ઉછેર કરવા માટે તેની પાસે ઉર્જા જ બાકી રહેતી નથી. વળી સ્ત્રીને પણ બાહ્ય જીવનની ઝાકઝમાળ જેવી કે પાર્ટીઓમાં ફરવું, પિકનિક ઉપર જવું, નવા નવા મિત્રો બનાવવા, તેમની સાથે હરવુંફરવું અને હોટેલોમાં ખાવું વિગેરે ગમવા લાગે છે. તેની સામે તેને બાળકોનો ઉછેર કરવાની અને ઘરનું ધ્યાન રાખવાની પ્રવૃત્તિ તદ્દન શુષ્ક અને રસહીન જણાય છે. આ કારણે તે બાળકોને ધિક્કારવા લાગે છે.

જોકે કોઇ પણ સ્ત્રી બાળકને જન્મ આપવાના વિચારથી દૂર રહેવાનો ગમે તેટલો પ્રયત્ન કરે તો પણ એક સ્ત્રી તરીકે તેને માતા બનવાની ઊંડે ઊંડે ઝંખના હોય જ છે. આ કારણે જ પણ કારકિર્દીમાં ગળાડૂબ રહેનારી કેટલીક સ્ત્રીઓ પણ છેવટે એક બાળકને તો જન્મ આપે જ છે. આ રીતે ‘અમે બે, અમારું એક’ નો સિલસિલો ચાલુ થાય છે. કોઇ પણ પરિવારમાં માત્ર એક જ બાળક હોય તેને કારણે ભવિષ્યમાં તે બાળકને અને તેનાં સંતાનોને કેટલા પ્રશ્નો નડશે તેનો વિચાર આવાં માતાપિતાઓ ભાગ્યે જ કરતાં હોય છે.

પહેલી વાત તો એ કે આવા પરિવારમાં પેદા થયેલાં બાળકને ક્યારેય ભાઇ કે બહેનની કંપની મળતી નથી. તેણે આખી જિંદગી પોતાના સગા ભાઇ કે બહેનની હૂંફ વિના જ વિતાવવાની રહે છે. આ બાળક જેટલું જીવે તેટલું તો તેનાં માબાપ જીવવાના નથી તે નક્કી હોય છે. માતાપિતાના અવસાન પછી આ બાળકની દુનિયામાં કોઇ સાથે લોહીની સગાઇ રહેતી નથી. આ સ્વાર્થી સંસારમાં જ્યારે કોઇ આપત્તિ આવી ચડે ત્યારે લોહીની સગાઇ જ કામ આવતી હોય છે.

આ એકલું બાળક જો દીકરો હોય તો તે પરણે તે પછી તેનાં સંતાનોની કેવી દશા થાય છે? આ સંતાનો કોઇને કાકા કહી શકતાં નથી અને તેમનાં કોઇ ફોઇબા પણ હોતા નથી. આ સંતાનોનાં નામ પાડવા માટે ભાડૂતી ફોઇબા લાવવા પડે છે. પરિવારનું એકમાત્ર બાળક જો દીકરી હોય તો લગ્ન પછી તેનાં સંતાનો માસી અને મામાના સુખથી વંચિત રહી જાય છે. અને જો પોતાના પરિવારમાં એકમાત્ર સંતાન તરીકે જન્મ ધારણ કરનારા સ્ત્રી-પુરૂષ આપસમાં લગ્ન કરે તો તેમનાં બાળકો કાકા-કાકી, મામા-મામી, ફઇ-ફૂઆ, માસા-માસી, પિતરાઇ ભાઇ-બહેનો વિગેરેના સુખથી પણ વંચિત રહી જાય છે.

જેમ જેમ આપણા જીવનમાં યાંત્રિકતા અને ભૌતિકતા વધતી જાય છે, તેમ તેમ એકલતાની પણ સમસ્યા વધતી જાય છે. એકલતામાં સહારો આપવા માટે જો અંગત કહી શકાય તેવા પરિવારજનો ન હોય તો માણસ હતાશા અને ડિપ્રેશનનો શિકાર બની જાય છે. આજે માનસિક રોગો વધવાનું કારણ તૂટી રહેલી સમાજવ્યવસ્થા પણ છે. આ તૂટી રહેલી સમાજવ્યવસ્થાનો સંબંધ સમાજમાં નારીની બદલાયેલી ભૂમિકા છે. સ્ત્રી સિમેન્ટની જેમ આખા પરિવારને એક તાંતણે બાંધી રાખવાનું કામ કરતી હતી. હવે સ્ત્રીને બચ્ચાંઓ પેદા કરવામાં, તેમનો ઉછેર કરવામાં અને ઘરનું ધ્યાન રાખવામાં પોતાની શક્તિનો વ્યય થતો લાગે છે, જેને કારણે પરિવારો સંકોચાઇ રહ્યા છે અને ભાંગી પણ રહ્યા છે.

૫૦ વર્ષ અગાઉ આપણા સમાજમાં સંયુક્ત પરિવારની પ્રથા અસ્તિત્ત્વમાં હતી. તેને કારણે બાળકોનો ઉછેર કરવાનું કામ ખૂબ જ આસાન બની જતું હતું. સંયુક્ત પરિવારમાં ત્રણ-ચાર સ્ત્રીઓ હોય તો તેમાંની એક બાળકોની કાળજી રાખે, એક રસોડું સંભાળે અને એક મહેમાનોને સંભાળે એમ કામો વહેંચાઇ જતાં હતાં. આ કારણે બાળકો સમૂહમાં ક્યારે મોટાં થઇ જતાં હતાં તેનો પણ ખ્યાલ આવતો નહોતો. આજે એક જ સ્ત્રી ઉપર બાળકોનો ઉછેર કરવાનો, રસોઇ કરવાનો, ઘરની સંભાળ રાખવાનો, નોકરી કરવાનો અને પૈસા કમાવાનો બોજો આવી જાય છે. તેને કારણે તે એટલી બધી તો ખેંચાઇ જાય છે કે એક ઉપર બીજું બાળક પેદા કરવાની કલ્પના પણ કરતી નથી.

અહીં જે પરિસ્થિતિનું વર્ણન કરવામાં આવ્યું છે, તેમાંથી બુદ્ધિજીવી ગણાતો શહેરી મધ્યમવર્ગ જ પસાર થઇ રહ્યો છે. જે ગરીબો શહેરની ઝૂંપડપટ્ટીમાં રહે છે તેઓ માટે અને ગામડાંના ખેડૂતો માટે તો જેટલાં વધુ સંતાનો, એટલા વધુ કામ કરનારા માણસો, એવી પરિસ્થિતિ હોવાથી તેઓ વધુ ને વધુ બચ્ચાંઓ પેદા કરી રહ્યા છે અને દેશની વસતિ વધારી રહ્યા છે. આ રીતે દેશની વસતિ વધી રહી છે પણ ગુણવત્તા ઘટી રહી છે. ગુણવત્તા ઘટે તો વિકાસ ઉપર અસર પડ્યા વિના રહે જ નહીં.

Most Popular

To Top