Columns

યુદ્ધની એક વરસની ફળશ્રુતિ: બધું તુટી પડયું પણ અહંકાર ન તૂટયો

યુક્રેન પરના રશિયન આક્રમણ અથવા યુદ્ધને આ 24 ફેબ્રુઆરીએ એક વરસ થઇ જશે. મોદી સરકારે દેશની પ્રજાના હિતને લક્ષમાં રાખી, રશિયાનું તેલ ખરીદવાનું મુનાસીબ માન્યું. એક વડાપ્રધાન તરીકે અનેક બાબતોનું ધ્યાન રાખવાનું હોય છે. પરંતુ યુદ્ધને એમણે નૈતિક સમર્થન આપ્યું નથી. એક જાહેર પ્રસંગે વ્લાદીમીર પુતીન સ્ટેજ પર હાજર હતા ત્યારે જ મોદી સાહેબે એમને સલાહની ભાષામાં ચેતવણી આપી દીધી હતી કે આજે યુદ્ધનો જમાનો રહ્યો નથી. આ ખૂબ સાચી વાત છે. માહિતી આદાન-પ્રદાનના ઝડપી યુગમાં યુદ્ધખોર જલ્દી બદના થઇ જાય છે ને લોકો પોતપોતાની સરકારોને ફરજ પાડે છે કે જુઠા અને અત્યાચારી લોકોને સાથ ન આપવો.

ઘણા લોકો યુદ્ધ ટકાવી રાખવા બદલ અને રશિયાનો સામનો કરવા બદલ યુક્રેનના પ્રમુખ વ્લાદીમીર ઝેલેન્સકીને ગુનેગાર ઠેરવે છે. તેઓ દલીલ કરે છે કે ઝેલેન્સકીએ નાટો સાથે જોડાવાના અભરખા રાખવા જોઈતાં ન હતાં. તો શું યુક્રેન એ કોઇ સ્વતંત્ર દેશ નથી? શું તેને સ્વતંત્ર રીતે વિચારવાનો અને સ્વતંત્ર રહેવાનો અધિકાર નથી? ઘણા કહે છે કે ગઇ વીસમી સદીના મહામાનવ મહાત્મા ગાંધી હતા, પરંતુ ટાઈમ સાપ્તાહિકે આઇનસ્ટાઇનને વીસમી સદીના નંબર વન મહાપુરુષ જાહેર કર્યા અને ગાંધીજીને બીજો ક્રમ આપ્યો. વાસ્તવમાં ગાંધીજીને કોઇ ક્રમ ન મળે. જો એવું હોત તો એમને નોબેલ પારિતોષિક મળ્યું જ હોત, પણ યુરોપીઓનો ગાંધીની અસલિયત જાણતા હતા.

તેઓએ ગાંધીને રોકયા હતા અને બાદમાં નહેરુના શાસને ગાંધી વિશેની ખોટી વિગતોનો એટલો પ્રચાર કર્યો કે ગાંધી ન હતા એવા મહાન બની ગયા અને પશ્ચિમની પ્રજાએ જે રીતે ભારતમાં જન્મેલા અમુક પાખંડી ગુરૂઓને પણ ગુરુ માની લીધા હતા. તેમ ગાંધીને મહાત્મા માની લીધા. આપણે લખાણમાં થોડું ડાયવર્ઝન કર્યું. આ લખનારના મતે ગઇ સદીમાં. વીસમી સદીમાં કોઇ શાંત ચાહક મહાન માણસ કોઇ એબ વગરનો દયાવાન શાસક થઇ ગયો તો તે મિખાઈલ ગોર્બાચેવ હતા. એમણે એક ક્રુર, તાનાશાહ સામ્યવાદી પકડમાંથી સંઘના ઘટક દેશો અને તેની પ્રજાને મુકત કરી હતી, જેથી તેઓ ભય વગર, લોકશાહી રાજવ્યવસ્થામાં જીવી શકે.

સંઘમાં અફઘાનિસ્તાનની માફક જબરદસ્તીથી ઘૂસાડવામાં આવેલા રાષ્ટ્રોને એમણે મુકત કર્યા. 1991-92ની સાલમાં એ સામ્યવાદ નામનો અસમાજવાદી તોતિંગ આડંબર ગોર્બાચેવે જાતે જ તોડી પાડયો, તેમાંનો એક દેશ યુક્રન છે. સંઘ અગાઉના ઇતિહાસમાં યુક્રેન એ રશિયા અલગ અલગ દેશો હતા. બન્નેની ભાષા અને રીતભાતો, રિવાજો જૂદાં જૂદાં છે. પરંતુ 7-8 દશકના રશિયાનોના સામ્યવાદિઓના આધિપત્યને કારણે યુક્રેનમાં રશિયન બોલનારા લોકો રશિયા નજીકની સરહદો પરના વિસ્તારમાં વધી ગયા હતા.

ગોર્બાચેવે તો જુનું યુક્રેન જેવું હતું તેવું પાછું વાળી દીધું. એમણે ચેચન્યા, દાધેસ્તાન, આર્મેનિયા, બોલારૂસ વગેરે પ્રદેશોને મુકત કર્યા અને નવા 15 દેશો અસ્તિત્વમાં આવ્યા. પરંતુ પુતીન સાહેબને યુક્રેન અલગ થયું તે રૂચતું ન હતું. સોવિયેત સંઘ ત્યારે અસ્તિત્વમાં હતો જયારે પુતીન KGBના એક જાસૂસ હતા. એ દિવસોમાં દુનિયા પર ફેલાઈ જવાની સોવિયેત સંઘની મંશાઓ અને ઇરાદાઓની ખૂબ ટીકા પણ થતી અને તેમાંથી જ અમેરિકા અને સંઘ વચ્ચે શિત યુદ્ધ જામ્યું હતું. પુતીન માનતા કે સોવિયેત સંઘ અને રશિયાના એ ગૌરવવંતા દિવસો હતા. જગત રશિયાની આણ માનતું હતું. વાસ્તવિકતા એ હતી કે રાશિયાની પ્રજા કે લશ્કરને ખાવાના સાંસા પડી રહ્યા હતા.

જેમ દરેક જગ્યાએ નાના કે મોટાં સ્વરૂપમાં સમુહખેતી અને સમુહ ઉદ્યોગો (કહો કે સરકારી નિગમો) નિષ્ફળ જાય છે તેમ રશિયન સમુહખેતી અને ઉદ્યોગો નિષ્ફળ નિવડયાં હતાં. સહિયારા ભેંસમાં કીડાં પડી ગયાં હતાં અને રશિયન સૈનિકોને પગાર મળતો બંધ થઇ ગયો હતો. હોય તો આપે ને? અમુક સૈનિકો પગારના અભાવમાં આખેને આખી રણગાડીઓ, બેટલ ટેન્કને દોડાવીને ભંગારવાડે લઇ જઇને વેચી આવતા. રણગાડીઓની સંખ્યાનો કોઇ પાકો હિસાબ ન હતો. અનેક ટેન્કો તો હમણાં સુધી અફઘાનિસ્તાનમાં પડી પડી કાટ ખાઈ રહી હતી. રશિયન મહિલાઓ આજીવિકા કમાવવા દેહ વિક્રય કરવા લાગી અને વિદેશોમાં જઇને એ પ્રવૃતિ ફેલાવી. જેનો આજે પણ કયાંક કયાંક વારસો ચાલી રહ્યો છે.

પુતીન રશિયાની જુની ગ્લોરી, કીર્તિ ફરીથી હાંસલ કરવાના વિચારો વડે પહેલેથી જ પીડાતા રહ્યા છે. અનેક શબ્દો અને શહેનશાહો એવા ખ્યાલોથી પીડાતા હોય છે કે જેટલી ઝાઝી જમીન, દેશ એટલો વધુ મહાન. વાસ્તવમાં દેશ મોટો થવાથી નહીં પણ વધુ સુખી થવાથી વધુ મહાન બને. પુતીન ચાલી ગયેલી કીર્તિ પરત આણવાના વળગણથી પીડાતા હતા અને એમને એમ જ હતું કે યુક્રેન એ કોઇ જૂદો પ્રદેશ નથી પણ રશિયાનો જ એક ભાગ છે. એ અભરખાની પુરવણી કરવા એમણે યુક્રેનનો એક હિસ્સો હતો તે ક્રિમિયા રાજયને બળજબરીથી રશિયા સાથે 1914માં જોડી દીધો. ત્યાર બાદ પશ્ચિમ રશિયાની સરહદ સાથે જોડાયેલા યુક્રેનના અમુક પ્રદેશો પર નજર બગાડી. ત્યાંના રશિયન ભાષીઓને બળવાખોરો તરીકે તૈયાર કર્યા. અવારનવાર હુમલા ચાલુ કર્યા, જેમાં મેલેશિયન એરલાઈન્સનું એક પેસેન્જર વિમાન તોડી પાડયું. આ ભૂલને કારણે 250 થી વધુ નિર્દોષ પેસેન્જરો માર્યા ગયા.

યુક્રેનની સત્તા અને પહોંચ મર્યાદિત. રશિયાની આવી ઘોંસ સામે રક્ષણ મેળવવા વ્લાદીમીર ઝેલેન્સકીએ યુક્રેનને નાટો દેશોના સભ્ય બનાવવાની પેરવી આરંભી. જેથી પુતીન હુમલો કરે તો નાટો દેશો યુક્રેનની પડખે આવીને ઊભા રહે. ઝેલેન્સ્કી અગાઉ યુક્રેનનો જે પ્રમુખ હતો એ રશિયાનું પ્યાદું હતો પણ પ્રજાએ એને હરાવીને, ત્યાર સુધી સ્ટેજ પર કોમેડીનો શો કરતા હતા તેવા પ્રમાણમાં સરેરાશથી નીચી ઊંચાઈ ધરાવતી ઝેલેન્સકીને પ્રમુખ તરીકે પસંદ કર્યાં. ઝેલેન્સકીએ નાટો સાથે જોડાવાની હિલચાલ શરૂ કરી અનેક ધમકીઓ બાદ આક્રમણ પણ કર્યું.

એ જાણીતી વાત છે કે 2-5 દિવસમાં આખા યુક્રેન પર કબજો ઠોકી બેસાડશે એવો સુંદર વહેમ પુતીનના મગજમાં હતો પણ થયું સાવ ઊલટું. કયારેય યુદ્ધ નહીં લડેલા એક કોમેડિયનનો આત્મવિશ્વાસ, નીડરતા અને જુસ્સો પુતીન અને રશિયાને ભારે પડી ગયો. હમણાં એક વરસ પુરું થશે ત્યારે રશિયાએ મોટી ખુંવારી, મોટી નાલેશી વ્હોરી લીધી છે અને તો પણ યુદ્ધ કઇ દિશામાં જશે તે ચોક્કસપણે કહી શકાય તેમ નથી. ઘણા એવી દલીલ કરે છે કે ઝેલેન્સકીએ યુક્રેનને રશિયા સાથે જોડી દેવાની જરૂર હતી. આ દલીલનો બીજો અર્થ એવો પણ નીકળે કે ભારતે જમ્મુ અને કાશ્મીર પાકિસ્તાનને સોંપી દેવું જોઇએ.

બીજાઓ માટે બોલવું સહેલું છે. વાસ્તવમાં આજે યુક્રેન ટકી રહ્યું છે અને મહાસત્તા હોવાનો રશિયાનો વહેમ તૂટી પડયો છે તે નાટો દેશો છે તો યુક્રેન ટકી ગયું છે. કાલે યુક્રેનને કબજે કરીને પછી પોલેન્ડ પર પુતીન દાવો માંડશે તો? લિથુઆનિયા પર માંડે તો? ફીનલેન્ડ અને સ્વીડન તો નાટોના મેમ્બરો બનવાની તૈયારીમાં છે. ઝેલેન્સકીને નાટો દેશોએ જોઈએ એટલી મદદ કરી નથી. જર્મની અને ફ્રાન્સ કયારેક નિર્ણય લઇ શકતાં નથી. ભારતને રશિયન ઓઇલ ખરીદવાની ના પાડતા હતા પણ ખૂદ અમુક નાટો દેશોએ (જેમ કે જર્મની) ખરીદી ચાલુ રાખી હતી.

નાટોએ આ બાબતમાં ભારતની ટીકા કરી ત્યારે વિદેશ મંત્રી એસ. જયશંકરે બરાબર નિશાન પર વાગે એવો જવાબ આપ્યો હતો કે, ‘યુરોપ પોતાની સમસ્યાઓને દુનિયાની સમસ્યા ગણવાનો આગ્રહ રાખે છે. પરંતુ ભારત જેવી દેશની કે એશિયન રાષ્ટ્રોની સમસ્યાઓને કે મુસીબતોને યુરોપે કયારે પોતાની સમસ્યાઓ તરીકે સ્વીકારી નથી.’ બીજા અર્થમાં જયશંકરે કહી દીધું કે તમારી તકલીફોને નાહક અમારી ગણીને અમારે અમારા પગ પર શા માટે પથ્થર પછાડવો જોઈએય યુક્રેન-રશિયા યુદ્ધ દરેકને પોતપોતાની ઓકાતનો પરિચય આપ્યો છે.

યુદ્ધ શરૂ થયા અગાઉ જો બાયડન રોજની એક ધમકી આપતા કે રશિયાએ હૂમલો કર્યો તો તુરંત અને કઠોર જવાબ આપવામાં આવશે. રશિયાને આખા વરસમાં એવો જવાબ કયારેય મળ્યો નથી. એક લશ્કરી જહાજ ડૂબાડી દીધું અને એક બ્રીજ તોડી પાડ્યો (જે થોડા દિવસોમાં રિપેર થઇ ગયો) તે સિવાય યુક્રેન કે નાટો તરફથી રશિયાને પોતાની ભૂમિ પર કશું સહન કરવું પડયું નથી. જે કર્યું તે યુક્રેનની ભૂમિ પર જઇને કર્યું. દોઢ લાખ જેટલા રશિયન સૈનિકો અને ડઝનોબંધ જનરલો માર્યા ગયા. સાધન સરંજામની મોટી ખુંવારી થઇ.

ટીનેજરો સહિતના યુવાને ફરજિયાત, ખાસ ટ્રેનિંગ વગર લડવા મોકલવા પડયાં.અમુક મહત્વનાં શહેરો પાટનગર નજીક પહોંચીને પાછી પાની કરવી પડી, રશિયાના અર્થતંત્રને મોટો ફટકો પડયો, સામી બાજુ આખુ યુક્રેન બેહાલ બની ગયું તે આ યુદ્ધની ફલશ્રુતિ પાકિસ્તાન-ભારતની ટક્કર બાદ જગતમાં આ બીજી વખત પુરવાર થયું કે આજકાલ અણુશાસ્ત્રની ધમકી આપવી સહેલી છે પણ વારવાનું આસાન નથી. છતાં પુતીન આજકાલ અણુશાસ્ત્રનું બટન ધરાવતી સૂટકેસ સાથે રાખીને ફરતા જોવા મળે છે. તે કુતુહલની સાથે ચિંતાનો વિષય પણ છે.

નાસીપાસ થયેલા પુતીન કંઇ પણ કરી શકે છે. જે કંઇ કરશે તેનાં પરિણામો બીજાઓ માટે તો સારાં નહીં જ હોય, પુતીન અને રશિયા માટે પણ ખૂબ વરવાં હશે. ઝેલેન્સકી વીરગતિ પામશે. તો પણ દુનિયાનો વીર ગણાશે. પુતીનની ગણતરી કાયર હીટલરની માફક થશે. રશિયા પાસે દુનિયાની બીજા ક્રમની સૈન્ય શક્તિ છે છતાં આજે પુતીનને સમજાતું નથી કે શું કરૂં તો જીત મળે? જયારે અમુક કમિટેડ લોકો મરણની પરવા કર્યા વગર, સાચાં કારણોસર મરી ફીટવા તૈયાર થાય તો તે જીતતાં પણ હોય છે અને મરણ પામે તો શહીદ તરીકે અમર બની જાય. અત્યારે યુદ્ધ પુતીન માટે ઘોંસમાં પડયું છે, યુક્રેન કે ઝેલેન્સકી માટે એ તો હારીને કે શહીદ બનીને પણ જીતી જશે.

જો કે યુક્રેનનું એવું ગજું પણ નથી અથવા લશ્કરી સામર્થ્ય નથી કે રશિયા સામે જીતી જાય. રશિયાને હંફાવી શકશે, મીણ કહેવડાવશે પણ હરાવી નહીં શકે. પશ્ચિમના દેશો યુક્રેનને વધુ શસ્ત્રો, વધુ આધુનિક શસ્ત્રો પૂરાં પાડીને યુદ્ધને લંબાવી શકશે. એ પ્રક્રિયામાં રશિયા ખાલી થતું જશે, લંબાવી શકશે. એ પ્રક્રિયામાં રશિયા ખાલી થતું જશે, પણ પશ્ચિમના રાષ્ટ્રોએ ધાર્યું હતું એટલી બેહાલી રશિયન અર્થતંત્રની થઇ નથી. છતાં યુદ્ધ લાંબુ ચાલે એ પ્રજાના હિતમાં નથી. નેતાઓએ મળીને પુતીનને સમજાવાની વધુ જરૂર છે. પરંતુ પશ્ચિમના દેશો ટાઢા પાણીએ ખસ કાઢવા માગે છે. રશિયાને અધમુઉં કરી નાખો જેથી હવે પછીના 7-8-10 વર્ષમાં ઊભું ન થઇ શકે.

પરંતુ રશિયન પ્રજા આ યુદ્ધની તરફેણમાં નથી તે ખ્યાલમાં રાખી નેતાઓએ શાંતિ માટેના પ્રયત્નો કરવા જોઈએ. કહે છે કે અમેરિકાએ કોઈને પૂછયા વગર યુક્રેનની 20 ટકા જમીન રાખી લઇ, સમાધાન સ્વીકારી લેવાની પુતીનને ઓફર કરી હતી. આવી દાદાગીરી ભરેલી ઓફર ઝેલેન્સકીને માન્ય નથી અને દુનિયામાં પણ તેની ખૂબ ટીકા થઇ. હાલમાં આ યુદ્ધથી કોઈને ફાયદો થઇ રહ્યો નથી.આ એક ઝીરો-સમ ગેમ પુરવાર થઇ રહી છે.

જેમાં શૂન્યમાં શૂન્ય ઉમેરાય કે ઘટાડાય શૂન્યની શૂન્ય જ રહે છે. રશિયાએ અમુક પ્રદેશોને ખેદાન મેદાન કરીને, લોહીના દરિયાઓ વહેવડાવીને કબજો મેળવ્યો છે, પરંતુ એ પ્રકારનો ધરાર કબજો કયારેય કોઇ પ્રજાને સુખી નહીં થવા દે. હવે જો રશિયાને અટકાવવું હોય તો યુક્રેને રશિયનોને મારી ભગાડવા પડે અને રશિયાની ભૂમિ પર ખુંવારી સર્જવી પડે. લાગે છે કે પુતીન વાળવાથી નહીં વળે, પણ હારવાથી વળશે.

Most Popular

To Top