Comments

‘નથી ઇશ્વર, નથી સાક્ષાત્કાર, બધું અહીંનું અહીં જ માનવશરીરમાં ઘટે છે’

આજથી 121 વર્ષ પહેલાં 16 વર્ષનો એક વિદ્યાર્થી ઘર-પરિવાર છોડી દક્ષિણ ભારતના અરુણાચલ નામના નિર્જન પર્વત પર પહોંચ્યો. શિવપર્વત તરીકે ઓળખાતા ડુંગર ઉપર વેંકટરામન નામે મદુરાઈનો બાળક લગભગ મૂર્છિત અવસ્થામાં અઢી-ત્રણ વર્ષ સુધી ધ્યાનસ્થ રહેતાં તેનું શરીર ક્ષીણ થઈ ગયું હતું. જંગલના જીવજંતુએ માથાના બરછટ વાળમાં ઘરો માંડી દીધેલો. તેમ હાડ-માંસ ચૂસતા જીવાણુઓએ પણ જમાવડો કરેલ.

માનવશરીરની તદ્ન સહજ અવસ્થામાં સદા મૌન રહેનાર બાળકની ડુંગરોનાં ગોવાળો થોડી કાળજી લેતા, પરંતુ ડુંગરનાં હિંસક પ્રાણીઓને બાળક પાસે શાંત ભાવે બેઠેલાં જોઈ વટેમાર્ગુઓને પણ સુખદ આશ્ચર્ય થતું. કયારેક કોઈ ફળ-કપડાં લઈને આવતું. નિર્જન સ્થળે બેઠેલા બાળકથી કોઈ પરિચિત નહોતું, પણ કિશોર અવસ્થાનું રમણીય સ્વરૂપ નીરખતા આમ લોકો તેને ‘રમણ’નામે જાણવા લાગ્યા. તેમ તેના મૌન પ્રભાવથી મનની શાંતિ પામતા મુલાકાતીઓએ પછીથી તેને મહર્ષિ (જ્ઞાની) નામ આપ્યું. વર્ષ 1896 થી 54 વર્ષ સુધી અરુણાચલના ડુંગરોના બે કિલોમીટરના વિસ્તારથી કદી બહાર ન જનાર રમણ મહર્ષિ માટે તેમની મૌનશક્તિનો પ્રવાહ ઉપદેશનું સર્વોચ્ચ પ્રભાવશાળી માધ્યમ રહ્યું.

વિશ્વમાં એકમાત્ર શુદ્ધ ચેતનાનું જ અસ્તિત્વ છે અને એ જ માત્ર સત્ય છે તેવા મત ધરાવતા શ્રી રમણ મહર્ષિના મૌન પ્રભાવથી આકર્ષાઈને વર્ષ 1925થી ભકતોની મુલાકાત વધવા લાગી. ભાવિકોને તેઓ વકતવ્ય તો નહોતા જ આપતા પણ પાછલી અવસ્થામાં મુલાકાતીઓના સ્નેહ ભાવે કયારેક પ્રશ્નોના જવાબ આપતા. દક્ષિણ ભારતમાં પ્રચલિત તામિલ, તેલુગુ અને મલયાલમ ભાષામાં અપાતા જવાબોનું તે સમયે ડિજિટલ રેકોર્ડિંગ શક્ય નહોતું બન્યું. પણ નોંધ રૂપે સચવાયેલ વાતોને પછીથી રમણ આશ્રમના પુસ્તકાલય વિભાગના નિવાસી ભક્ત ડેવિડ ગોડમેને Be As You Are નામના મથાળેથી સંકલિત કર્યા.

‘આત્માનુભવ’તે જ જ્ઞાનની ઉપાધિ જાણનાર શ્રી રમણ ભકતોને કહેતા, તમારું વર્તમાન જ્ઞાન તમારા અહંકારને કારણે છે. તમે આત્મ સાક્ષાત્કાર કરો છો, તેમાં કંઇ નવું મેળવવાનું નથી, કઇ દૂર રહેલ તત્ત્વને પ્રાપ્ત કરવાનું નથી, પ્રશ્ન નહીં પરંતુ પ્રશ્નના કારણ પ્રત્યે સજાગ રહેવાનું ઇચ્છતા શ્રી રમણ જણાવતા કે જાગ્રત, સુષુપ્ત કે સ્વપ્ન જેવી અવસ્થા માણસના અહમનું નિસ્યંદન છે. ચલચિત્રના પડદા ઉપર બધું આવનજાવન માત્ર છે. પંડિતાઇ ન જાણનાર શ્રી રમણ પણ રોજબરોજના જીવનના પ્રસંગો ટાંકી કહેતા, ‘લાલ રંગના ચશ્મામાંથી સૂર્ય લાલ દેખાય છે, તેમ માણસ માયામય પ્રતિભાસિક જગતમાં રહેવા ટેવાયો છે. આથી માનવ ઊર્જાને, આત્મા અથવા સચ્ચિદાનંદ નામથી ઓળખતો થયો છે.’

તેઓ એમ કહેતા કે ગાઢ નિદ્રામાં તો માણસ પાસે કશું હોતું જ નથી, શરીર પણ નથી હોતું. પણ આવા સમયે માણસ દુ:ખના બદલે સંપૂર્ણ સુખ અનુભવે છે. પ્રાણીમાત્રનું શરીર ગાઢ નિદ્રા જ ઇચ્છે છે ત્યારે એ સમજવું કે આનંદ પ્રાણીમાત્રનો આંતરિક સ્વભાવ છે. જે બહારથી શોધવાની વસ્તુ જ નથી. એક સાધકે શ્રી રમણને પ્રશ્ન પૂછ્યો, ‘મારા દેહને મુક્તિ ક્યારે મળશે?’ થોડા વિચલિત ભાવે પ્રત્યુત્તર આપતાં કહ્યું, આ પ્રશ્ન જ સ્વીકાર્ય નથી, કારણ કોઇ બંધન નથી. આથી કોઇ મુક્તિ પણ નથી. હું શરીર છું તેવા ખોટા ખ્યાલો જ બધા ઉપદ્રવનું કારણ છે. સાક્ષાત્કાર જેવું કંઇ નથી, માત્ર આવરણ ભંગ છે. પોતાની મૂળ અવસ્થામાં રહીએ. બસ, એટલી સાદી વાત છે.

શ્રી રામકૃષ્ણ પરમહંસને પણ એક જિજ્ઞાસુએ પૂછેલું, બાબાજી મારામાં ઇશ્વર પ્રત્યે ક્યારે ભાવ પ્રગટ થશે. ત્યારે જવાબ આપતાં રામકૃષ્ણે કહેલું, ‘તમે રાત્રે સૂવા જાવ છો ત્યારે પરિવારના સભ્યોને કહો છો કે મને પેશાબ આવે ત્યારે જગાડજો…’ મા પ્રત્યેનો ભાવ શરીરનો ધર્મ છે. પાણીને હલાવ હલાવ ન કરો તો આપમેળે કચરો છૂટો પડી જાય છે. આ જ ભાવને વ્યક્ત કરતા રમણ મહર્ષિ કહે છે મુક્તિ આત્માની સહજ અવસ્થા છે. લોકો અહમનો નિષેધ કરતા નથી. આથી શાસ્ત્રો માયા અથવા લીલા કે અવતારની વાત કરે છે. આ તો આશ્રમમાં બેસી આશ્રમ શોધવાની વાત છે. અજ્ઞાન જેવી કંઇ ચીજ નથી. આ જાણવું તે જ તમામ આધ્યાત્મિક ઉપદેશનું આખરી લક્ષ છે.

તિરૂવરણામલયના આશ્રમમાં શ્રી રમણ પાસે એકત્ર થતો સમુદાય સૌનીબાબા પાસે કલાકો સુધી બેસી પોતાના મનનાં પ્રશ્નોના આપ સમાધાન મેળવતો. ‘પોતાના સ્વરૂપની ખોજ કરતાં રહેશો તો અંતમાં ખબર પડશે કે મન જેવી કોઇ વસ્તુ જ નથી. મન એ વિચારોનો સમૂહ માત્ર છે. માનવ અહંકારનું કારણ શરીર છે અને અહંકાર કયારેય પોતાના મૃત્યુની સહમતિ આપતો નથી.’ આ જ વાતને રામકૃષ્ણ પરમહંસ એમ જણાવી કહેતા કે ઇંટ-પથ્થરના બાંધકામમાં ચુનો જે કામ કરે છે તે શરીરને સ્વરૂપથી પકડી રાખવાનું કામ અહમ ભાવ કરે છે. અહમ વિખેરાય એટલે આપમેળે ઝાડ ઉપરની (પરજીવી) વેલ સુકાઈ જાય છે. જગતરૂપી મકાન વિખેરાઈ જશે.

આવી સરળ વાતને અટપટી બનાવી ટી.વી.ના પડદે ધંધાર્થી ધર્મ ઉપદેશકો આજકાલ જ્ઞાતિનાં સંગઠનોથી વિકાસ, તાવીજ અને પ્રસાદથી મુક્તિ, ગુરુભક્તિથી આશીર્વાદ અને પોતાના ધર્મ-સંપ્રદાય સાથે જોડાએલાં લોકોની સંખ્યાબળે રૂપિયા-પૈસા જોખવામાં પડયા છે ત્યારે જોઇ શકાય કે સમાજનું જ્ઞાન પોતાના જીવન આધારિત બની બેઠું છે. આ વિચારના લેખક તરીકે હું રમણ આશ્રમમાં રહી બેંગ્લોર પરત આવ્યો અને વિશ્વેસરૈયા સાયન્સ મ્યુઝિયમમાં મુલાકાતે ગયો ત્યારે પ્રદર્શનમાં મૂકેલ બરફનું માણસ આકારે બાવલું જોવા મળ્યું.

તેના નીચે લખ્યું હતું ઊર્જાનું સ્થાયી સ્વરૂપ હવામાંનો ભેજ (H20 ગેસ) છે. તે ઠંડો થતાં અને તેના પર ગુરુત્વાકર્ષણબળ અસર કરતાં વરાળમાં, તે પછી પાણીમાં (H20 લિકવીડ) અને આ પાણી શૂન્ય ડીગ્રીથી નીચેના અંકે પહોંચતાં તે બરફ (H20 સોલિડ) સ્વરૂપે રૂપાંતરિત થાય છે. આ ઘન આકારમાંથી ઉષ્ણતામાન, ગુરુત્વાકર્ષણબળ અને એરડસ્ટ નીકળી જતાં તે આપોઆપ ઊર્જામાં રૂપાંતરિત થાય છે. એક કાચની પટીમાં જ બનતી અને મટી જતી ઘટના જ પૃથ્વીના પર્યાવરણમાં માનવ આસપાસ ઘટે છે.ઊર્જામાંથી દેહનું નિર્માણ થાય છે અને આપમેળે વ્યક્તિનો અહમ નિર્બળ થતાં શરીરના કોષો રાસાયણિક પધ્ધતિએ સમાપ્ત થઇ જાય છે ને ફરી ઊર્જામાં વિલીન થાય છે. આવી સાદી વાતને ગૂંચવીને અધ્યાત્મવાદ તરીકે પ્રચલિત કરનાર સાધુ સંતો વ્યવસાય કરી લે છે તે ઠીક છે, પણ વાચક તરીકે શ્રી રામકૃષ્ણ અને રમણ જેવા સાચુકલા માણસની વાત સમજી જાણીએ કે ધર્મ એટલે મનનું વિજ્ઞાન અને ભગવાન એટલે અરીસો.
ડો.નાનક ભટ્ટ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top