Charchapatra

ખેતીની ઉપેક્ષા

ઔદ્યોગિકીકરણ અને આર્થિક વિકાસના ખ્યાલોથી પ્રભાવિત ગુજરાતની વેપારી પ્રજા તથા સરકાર ખેતીના ક્ષેત્ર પર ઉપેક્ષા સેવે છે. ગુજરાતમાં પચાસ લાખ ખેડૂતનાં પરિવારોમાં ત્રણ કરોડ લોકોનો જીવનનિર્વાહ થાય છે, જેમની આર્થિક સ્થિતિ મોટે ભાગે નબળી છે. અહીંના ઉદ્યોગ અને બજાર તથા રોજગારી, આવકનો આધાર ખેતી છે. આમ છતાં અહીં ખેતીની સમસ્યા ચર્ચાતી નથી. ખેતીની જમીનોનું બિનખેતીમાં થતું રૂપાંતર, સિંચાઈની વ્યવસ્થા, ખેત પેદાશોનાં ખરીદ, વેચાણ, પાક વીમા સહિતના મુદ્દાઓ પર વિશેષ ધ્યાન આપવાની જરૂરત છે.

હવે તો ગ્લોબલ વોર્મીંગ હાનિ પહોંચાડે છે, માવઠાંને કારણે પાક બગડે છે. પ્રજાના પૈસે સરકાર પાક વીમાના પ્રીમિયમ પેટે હજારો કરોડ રૂપિયા વીમા કંપનીને ચૂકવે છે, તેમાંથી નફાખોર વીમા કંપની નજીવી રકમ જ ચૂકવે છે. પશુપાલકોની સમસ્યા પણ ચિંતાજનક છે. પશુઓ સાથે રહેવાને શહેરમાં મકાન મળતું નથી, તેથી શહેર કે ગામ બહાર દૂર રહેવું પડે છે, જેથી બાળકોના ભણતરની, યુવાનોના રોજગારની અને રખડતાં ઢોરની સમસ્યાઓ સર્જાય છે. ફળદ્રુપ જમીનો ઉદ્યોગપતિઓ, કોર્પોરેટ કંપની કબજે કરે છે. નર્મદા બંધ અને ચેકડેમો આશીર્વાદરૂપ છે. નહેરની સિંચાઈ યોજના જરૂરી છે. ખેતીની પાયાની જરૂરિયાત પાણી છે.

ગુજરાતમાં ખેતીની પ્રદેશગત ભિન્નતા છે, મધ્ય ગુજરાતમાં તમાકુનો રોકડિયો પાક સારી આવક આપે છે, ઉત્તર ગુજરાતમાં જીરુ, ઈસબગુલની કમાણી થાય છે. જૂનાગઢ, અમરેલીમાં મગફળી ઊગે છે, પણ નફો તો તેલની મિલવાળા લઈ જાય છે. જુદા જુદા વિસ્તારોની સમસ્યાઓ પણ જુદી જુદી છે, સૌરાષ્ટ્ર, ડાંગ, ચરોતરના વિસ્તારો ભિન્ન ભિન્ન સમસ્યા ધરાવે છે. ગુજરાત સરકારે આ માટે વર્ગીકરણ કરીને આયોજન કરવાનો વૈજ્ઞાનિક અભિગમ અપનાવવો રહ્યો, શહેરીકરણ અને મનોરંજન પરથી આ અગત્યની હકીકત ધ્યાને લેવાની આવશ્યક્તા છે. ખેતીની ઉપેક્ષાને કારણે હવે ગુજરાતના ઉચ્ચ મધ્યમ વર્ગને ખેતીમાંથી રસ જવા લાગ્યો છે અને પોતાનાં સંતાનોને ખેતીમાં રાખવા માંગતાં નથી.

ખેતરો ઉધાર ખેડવા, કોન્ટ્રાક્ટ ખેતી તરફ ખેડૂતો વળી રહ્યા છે. સહકારી આગેવાનોને આઘા કરી રાજનેતાઓ સહકારી ક્ષેત્ર પર ચડી બેઠા છે, કોર્પોરેટ હિતો સચવાય છે. કૃષિ પેદાશોના ખરીદ વેચાણની વ્યવસ્થાઓમાં સ્થાપિત હિતોનું પ્રભુત્વ જામી રહ્યું છે. બદહાલ અને કરજદાર ખેડૂતોના આપઘાતના કિસ્સાઓ વધતા જાય છે. ખેડૂત જગતનો તાત કહેવાય છે, ‘ઉત્તમ ખેતી, મધ્યમ વેપાર’ની માન્યતા ઘસાતી જાય છે. ખેડૂત અને ખેતીની ઉપેક્ષા દુર્ભાગ્યપૂર્ણ જ કહેવાય.
સુરત     – યૂસુફ એમ. ગુજરાતી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top