Dakshin Gujarat

નવસારીમાં 25થી વધુ પશુઓમાં લમ્પી વાયરસના લક્ષણો દેખાતાં તંત્ર દોડતું થયું

નવસારી: રાજ્યના કેટલાક ભાગોમાં પશુઓમાં એકાએક જોવા મળેલો લમ્પી વાયરસ (Lumpy Virus) હવે અન્ય ભાગોમાં પણ ફેલાય રહ્યો છે. નવસારીમાં (Navasari) પણ લમ્પી વાયરસનો પગપસારો થઇ ચૂક્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં લગભગ 25 જેટલા પશુઓમાં (Animals) લમ્પી વાયરસના લક્ષણો જોવા મળતાં તંત્ર સતર્ક બની દોડતું થયું છે.

  • વાયરસના કારણે પશુપાલન સાથે સંકળાયેલા માલધારી સમાજ સહિત અન્ય જ્ઞાતિના પશુપાલકોમાં ચિંતાનો માહોલ
  • વહીવટી તંત્રએ હંગામી ધોરણે પાંજરાપોળ ઉભી કરી અસરગ્રસ્ત પશુઓની સારવાર શરૂ કરી

પશુઓમાં લમ્પી વાયરસને વધુ ફેલાતો અટકાવવા નવસારી-વિજલપોર પાલિકા દ્વારા વાયરસથી અસરગ્રસ્ત થયેલા પશુઓને અલગ કરી, ઇટાળવા ખાતે આવેલી પાલિકાની જગ્યામાં હાલમાં હંગામી ધોરણે પાંજરાપોળ ઉભી કરી અસરગ્રસ્ત પશુઓની સારવાર શરૂ કરવામાં આવી રહી છે. નવસારીમાં લમ્પી વાયરસનો પગપસારો થતાં પશુપાલકોને હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે. લમ્પી વાયરસનો ચેપ વધુ ફેલાવાની શક્યતા હાલમાં સેવાઈ રહી છે.

રાજ્યમાં અચાનક માથું ઉંચકનારા લમ્પી વાયરસનો ભોગ બનેલા અનેક ગાયોના મૃત્યુ થયા છે. ત્યારે નવસારી-વિજલપોર પાલિકા વિસ્તારમાં પણ લમ્પી વાયરસના લક્ષણો ધરાવતી ગાયો સહિતના પશુઓ જોવા મળતાં સ્થાનિક તંત્રએ આ વાયરસને વધુ પ્રસરતો અટકાવવા પગલાં ભરવાનું શરૂ કર્યું છે.

પશુઓને ઈટાળવા પાંજરાપોળ ખાતે ખસેડાયા
મળતી માહિતી મુજબ, હાલમાં શહેરમાં 25 થી વધુ પશુઓમાં લમ્પી વાયરસના લક્ષણો જોવા મળ્યા છે. જેને પગલે નવસારી-વિજલપોર પાલિકા દ્વારા ઇટાળવા ખાતે હંગામી પાંજરાપોળ ઉભી કરી, ત્યાં ચેપગ્રસ્ત પશુઓને ખસેડી, તેમની સારવાર કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ શહેરમાં અન્ય સ્વસ્થ પશુઓમાં આ વાયરસનો ચેપ ન ફેલાય તે માટે સ્થાનિક તંત્ર દ્વારા આગમચેતીના પગલાં લેવાનું શરૂ કરાયું છે.

પશુપાલકોમાં ચિંતાનો માહોલ
નવસારી-વિજલપોર પાલિકા વિસ્તારમાં પશુઓ વિશેષ કરીને ગાયોમાં લમ્પી વાયરસના લક્ષણો જોવા મળતાં પશુપાલન સાથે સંકળાયેલા માલધારી સમાજ સહિત અન્ય જ્ઞાતિના પશુપાલકોમાં ચિંતાનો માહોલ ઉભો થયો છે. જો લમ્પી વાયરસના વધુ પડતા ફેલાવા સાથે રોગ વધુ વકરે તો અનેક ગાયોને તેનો ચેપ લાગવાની અને તેને પગલે મોતને ભેટવાની આશંકા રહી છે.

જેને પગલે સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા ગાયો સહિતના પશુઓમાં લમ્પી વાયરસના ચેપને વધુ પ્રસરતો અટકાવવા આગમચેતીના પગલાં લેવા સાથે અસરગ્રસ્ત પશુઓની સારવાર પણ શરૂ કરવામાં આવી છે. જે તબેલાઓમાં લમ્પી વાયરસના લક્ષણો ધરાવતા પશુઓ હોય તેવા ચેપગ્રસ્ત પશુઓને તબેલામાંથી દુર કરી ચેપગ્રસ્ત પશુઓને રાખવા અને તેમની સારવાર માટે હંગામી ધોરણે બનાવેલા પાંજરાપોળમાં ખસેડાયા છે.

Most Popular

To Top