સ્વદેશ વાપસી પર પ્રતિબંધને કારણે માઇકલ સ્લેટરે વડાપ્રધાન સ્કોટ મોરિસનની ઝાટકણી કાઢી

નવી દિલ્હી : ક્રિકેટરમાંથી કોમેન્ટેટર (COMMENTATOR) બનેલા માઇકલ સ્લેટરે ભારતમાંથી ઓસ્ટ્રેલિયનોની ઘરવાપસીને પ્રતિબંધિક કરવા બદલ પોતાના દેશના વડાપ્રધાન (PM) સ્કોટ મોરિસનની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢીને આ ટ્રાવેલ બેનને અપમાનજનક ગણાવ્યું હતું ઓસ્ટ્રેલિયાએ ભારતમાં કોવિડ-19ના પ્રકોપને કારણે અહીંથી કોમર્શિયલ ફ્લાઇટ (FLIGHT) પર પ્રતિબંધ મુક્યો છે અને તેના કારણે આઇપીએલમાં ભાગ લેતા ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ, સપોર્ટ સ્ટાફ અને કોમેન્ટેટર્સની સમસ્યા વધી ગઇ છે.

સ્લેટરે ટ્વિટ કર્યું હતું કે જો અમારી સરકારને ઓસ્ટ્રેલિયન નાગરિકો (AUSTRALIAN CITIZEN)ની સુરક્ષાની પરવા હોય તો તે અમને સ્વદેશ પરત ફરવાની મંજૂરી આપશે. હાલની સ્થિતિ અમારા માટે અપમાનજનક છે અને કોઇપણ અણધારી ઘટના માટે વડાપ્રધાન તમે જ જવાબદાર ગણાશો. અમારી સાથે આવું વર્તન કરવાની તમે હિંમત કેવી રીતે કરી. તમે ક્વોરેન્ટીન સિસ્ટમને કેવી રીતે ગોઠવો છો. મને આઇપીએલમાં કામ કરવા માટે સરકારે જ મંજૂરી આપી હતી અને હવે સરકાર જ અવગણના કરી રહી છે. એવું માનવામાં આવે છે કે સ્લેટર આઇપીએલના બાયોબબલમાંથી બહાર નીકળીને માલદીવ ફરવા ગયો છે અને ત્યાંથી તે ઓસ્ટ્રેલિયા પરત ફરવાનો પ્રયાસ કરી રહ્યો છે.

ભારતથી આવતી ફ્લાઇટને ઓસ્ટ્રલિયાએ સસ્પેન્ડ કરી દીધા પછી આઇપીએલમાં રમી રહેલા ઓસ્ટ્રેલિયન ખેલાડીઓને ઘરવાપસી બાબતે થોડી આશંકા હશે પણ દિલ્હી કેપિટલ્સના મુખ્ય કોચ અને માજી ઓસ્ટ્રેલિયન કેપ્ટન રિકી પોન્ટીંગનું કહેવું છે કે કોવિડ-19 રોગચાળાને કારણે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના બાયો સિક્યોર માહોલ બહાર જે સ્થિતિ છે તેની સામે અમારી ઘરવાપસી એ નાનો મુદ્દો છે. આ તરફ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર્સ એસોસિએશન (CA)એ એવું નિવેદન કર્યું છે કે આઇપીએલ પછી ઓસ્ટ્રેલિયન ખેલાડીઓની ઘરવાપસી માટે સ્પેશિયલ ફ્લાઇટ અંગેની વિચારણા ચાલું છે. જો કે ઓસ્ટ્રેલિયાના રમત મંત્રી રિચર્ડ કોલબેકે એવું સ્પષ્ટ કરી દીધું હતું કે સરકારે હજુ સુધી આ પ્રકારના કોઇ નિર્ણયને મંજૂરી નથી આપી.

Related Posts