Latest News

More Posts

બોલિવુડના સુપરસ્ટાર સલમાન ખાન ફરી એકવાર પોતાના નવા લુકને કારણે ચર્ચાના કેન્દ્રમાં આવ્યા છે. તાજેતરમાં ફિલ્મ લગાનની 25મી વર્ષગાંઠ નિમિત્તે આયોજિત એક ભવ્ય સમારોહમાં સલમાન ખાનની એન્ટ્રીએ હાજર મહેમાનો અને ચાહકોનું ધ્યાન પોતાની તરફ ખેંચી લીધું હતું. ખાસ વાત એ હતી કે આ ઇવેન્ટમાં સલમાન ખાન અને આમિર ખાન લાંબા સમય બાદ એક જ ફ્રેમમાં જોવા મળ્યા, પરંતુ સૌથી વધુ ચર્ચા સલમાનના નવા અને બદલાયેલા લુકની થઈ રહી છે. ઇવેન્ટ દરમિયાન સલમાન ખાન બઝ-કટ હેરસ્ટાઇલ અને હળવી દાઢી સાથે જોવા મળ્યા હતા. તેમનો આ અવતાર પહેલા કરતાં વધુ ફિટ, એગ્રેસિવ અને યુવાન લાગતા હતા. સોશિયલ મીડિયા પર તસવીરો અને વીડિયો વાયરલ થતાં જ ચાહકોએ તેમના નવા લુકની સરખામણી ફિલ્મ તેરે નામના લોકપ્રિય પાત્ર ‘રાધે’ સાથે કરવાનું શરૂ કરી દીધું. ઘણા ફેન્સે લખ્યું કે સલમાનનો આ અંદાજ વર્ષો જૂની યાદો તાજી કરાવી રહ્યો છે.

કાર્યક્રમમાં હાજર અનેક સેલિબ્રિટીઓ પણ સલમાનના ટ્રાન્સફોર્મેશનથી પ્રભાવિત જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં આમિર ખાન સલમાનને નિહાળતા જોવા મળ્યા, જેને લઈને ચાહકોએ મજેદાર ટિપ્પણીઓ કરી. કેટલાક યુઝર્સે લખ્યું કે સલમાનની ફિટનેસ અને પર્સનાલિટીએ આમિર ખાનને પણ આશ્ચર્યચકિત કરી દીધા. અન્ય એક વીડિયોમાં કરીના કપૂર ખાન પણ સલમાનના નવા લુકને જોઈને આશ્ચર્ય વ્યક્ત કરતી નજરે પડી હતી. સલમાનના આ મેકઓવર પાછળનું કારણ શું છે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી, પરંતુ ચાહકો માની રહ્યા છે કે આ લુક તેમની આગામી ફિલ્મ SVC63 માટે હોઈ શકે છે. આ ફિલ્મનું નિર્દેશન રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા દિગ્દર્શક વામશી પૈડીપલ્લી કરી રહ્યા છે. હાલ ફિલ્મનું સત્તાવાર ટાઇટલ જાહેર કરવામાં આવ્યું નથી, તેથી તેને અત્યારે SVC63 તરીકે ઓળખવામાં આવી રહી છે.

આ પ્રોજેક્ટની જાહેરાત આ વર્ષના માર્ચ મહિનામાં કરવામાં આવી હતી અને ત્યારથી જ ફિલ્મને લઈને ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ફિલ્મનું નિર્માણ વેંકટેશ્વર ક્રિએશન્સ બેનર હેઠળ થઈ રહ્યું છે અને આ બેનરની 63મી ફિલ્મ હોવાથી તેને આ કામચલાઉ નામ આપવામાં આવ્યું છે. ફિલ્મની સૌથી મોટી ખાસિયત એ છે કે તેમાં દક્ષિણ ભારતીય સિનેમાની જાણીતી અભિનેત્રી નયનતારા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ પહેલીવાર હશે જ્યારે સલમાન ખાન અને નયનતારા મોટા પડદા પર સાથે કામ કરતા જોવા મળશે. બંને સ્ટાર્સની જોડી પહેલેથી જ ચર્ચામાં છે અને ચાહકો આ નવી ઓન-સ્ક્રીન કેમિસ્ટ્રી જોવા આતુર છે.

સોશિયલ મીડિયા પર સલમાનના નવા લુકને જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. એક યુઝરે લખ્યું, સલમાન અને આમિર એક જ ફ્રેમમાં જોવા મળ્યા એ જ મોટી વાત હતી, પરંતુ સલમાનનો આ નવો અવતાર તો બધાનું ધ્યાન ખેંચી ગયો. અન્ય એક ચાહકે લખ્યું, “જો આ SVC63 માટેનો લુક છે, તો ફિલ્મ બોક્સ ઓફિસ પર ધમાકો મચાવશે.” સલમાન ખાન છેલ્લા કેટલાક સમયથી પોતાની ફિટનેસ અને લુક પર ખાસ ધ્યાન આપી રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે. નવા પ્રોજેક્ટને લઈને તેમની તૈયારી પણ જોરશોરથી ચાલી રહી હોવાનું માનવામાં આવે છે. જોકે, સલમાનના આ મેકઓવર પાછળ ખરેખર ફિલ્મનો ભાગ છે કે પછી કોઈ અન્ય સરપ્રાઈઝ છુપાયેલું છે, તે તો આગામી દિવસોમાં જ સ્પષ્ટ થશે. એક વાત ચોક્કસ છે કે ભાઈજાનનો આ નવો અવતાર સોશિયલ મીડિયા પર છવાઈ ગયો છે અને ચાહકોમાં તેમની આગામી ફિલ્મ અંગેની ઉત્સુકતા અનેકગણી વધી ગઈ છે.

To Top