Latest News

More Posts






વડોદરા મહાનગરપાલિકા ભાજપના એક નેતાના ઇશારે તુલસીધામ ચાર રસ્તાથી માંજલપુર નાકા સુધી પેવર બ્લોક નાખવાની કામગીરી અચાનક બંધ કરી દેવાતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન દિવાળી ટાણે વડોદરાના મહેમાન બની રહ્યા છે, ત્યારે શહેરને ચોખ્ખું અને સુંદર બનાવવાની કોશિશ પાલિકા દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા તુલસીધામ ચાર રસ્તાથી માંજલપુર નાકા સુધીના ગૌરવ પથ પર પેવર બ્લોક નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેના ભાગરૂપે તુલસીધામ ચાર રસ્તાથી જ્યુપિટર તરફના ગૌરવ પથ પર પેવર બ્લોકની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. પણ તુલસીધામ ચાર રસ્તાથી માંજલપુર નાકા સુધીની કામગીરી પર નેતાના ઇશારે રોક લગાવી દેવામાં આવી છે. જેના કારણે લોકોમાં પણ રોષ જોવા મળી ગયો છે. આ કામગીરી કોના કહેવાથી બંધ કરવામાં આવી છે તે અંગે પણ પાલિકાના અધિકારીઓ કઈ બોલવા તૈયાર નથી .પાલિકાએ આ કામગીરી કોન્ટ્રાક્ટરને આપી હતી અને કોન્ટ્રાક્ટરે તે પેવર બ્લોક નાખવા રોડ ખોદી નાખ્યો છે. પેવર બ્લોક સાથે અન્ય મટીરીયલ પણ નાખી દેવામાં આવ્યું છે. પણ આ કામગીરી અચાનક બંધ થઈ જતા લોકોના ઘર પાસે ખાડા જોવા મળી રહ્યા છે અને દિવાળી સમયે ઘરના આંગણે રેતી અને પેવર બ્લોક પડી રહ્યા છે . જેના કારણે લોકોમાં ભારે ઉશ્કેરાટ છે.
પરંતુ આ વિસ્તારના એક નેતાએ રોડ પહોળો કરવાની માંગ સાથે આ કામગીરી અટકાવી છે તેવી ચર્ચા છે અને પાલિકા પણ આ નેતાને વશ થઈ કામગીરી રોકી રાખી છે. પણ પાલિકા અને નેતા લોકોને થતી હેરાનગતિ દેખાતી નથી. પક્ષની આડ માં નેતાઓ પોતાનું ધાર્યું કરાવી લે છે. શહેરમાં જ્યાં રોડ નાના છે સાંકડા છે તે કેમ દેખાતા નથી? આજે માંજલપુર વિસ્તાર વડોદરામાં શહેરમાં બીજા નંબરે આવતો હોય પરંતુ વિકાસની દ્રષ્ટિએ આ વિસ્તાર પછાત જ છે તેમ લોકોનું કહેવું છે.

To Top