Latest News

More Posts

ઉત્સવનું અને આનંદ ઉલ્લાસ તથા દીપકનું પર્વ એટલે દિવાળી પણ કયાં આજની દિવાળી અને કયાં પહેલાંની દિવાળી. પહેલાં તો દિવાળીના નાસ્તા પણ બેનો સાથે મળીને બનાવતી કારણ કે ત્યારે તૈયાર નાસ્તા મળતા પણ નહોતા અને તૈયાર નાસ્તા લાવવાનો રિવાજ પણ નહોતો અને મહોલ્લામાં હોય કે સોસાયટીમાં હોય, બધા સાથે મળીને દિવાળીની તૈયારીમાં લાગી જતા. કાંઇક નવી વસ્તુ ખરીદી હોય તો તે બધાને બતાવવાનો જે ઉમંગ હતો તે તો કાંઇક ઓર જ હતો.

વળી ઘરના આંગણા સવારમાં વાળીને બાળા વડે રંગોળી પુરાતી અને સાંજે મીંડાંવાળા સાથિયા પુરાય અને એમાં રંગ પૂરતા તો અડધી રાત થતી. ત્યાર બાદ બધાના સાથિયા જોવા નીકળવું અને જો કોઇનો રંગ પૂરવાનો અધૂરો હોય તો ત્યાં બેસીને તેને મદદ કરવાની પણ એક ભાવના હતી. ફટાકડામાં પણ વડીલો મદદરૂપ થતા અને કાળજીપૂર્વક બાળકોને ફટાકાડા ફોડાવતાં. મને લાગે છે કે ધીમે ધીમે આ પ્રથા પણ લુપ્ત થઇ જશે કારણ કે હવે તો વેકેશન પડે એટલે બધાં ઘરે તાળાં મારીને બહાર ફરવા નીકળી પડે છે. આગળના સમયમાં દિવાળીનો કેવો માહોલ જોવા મળશે એ ભગવાન જાણે.
સુરત     – શીલા ભટ્ટ આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

પ્રશંસા વિના ચેન કયાં?
‘ગુજરાતમિત્ર’માં હંમેશાં સુંદર ચર્ચાપત્રો હોય છે. પરંતુ તા. 27-10-24ને રવિવારના રોજ જે ચાર ચર્ચાપત્ર પ્રસિદ્ધ થયાં છે તે બધાં હૃદયસ્પર્શી અને પ્રસંગોપાત અનુકરણીય પણ છે. પહેલું ચર્ચાપત્ર ‘ઘરનાં છોકરાં ઘંટી ચાટે’ પોતાનાં કર્મચારીઓને અવગણીને દાન આપનાર દાનવીરોની મનનીય વાત કરી છે. માણસે છેવાડાના માણસને અવગણવો જોઇએ નહીં અને દાનવીર તરીકેની પ્રસિદ્ધિથી દૂર રહેવું જોઈએ. બીજું ચર્ચાપત્ર વિરલ વ્યાસે જણાવ્યું  કે ભિન્ન ભિન્ન લોકો ભિન્ન ભિન્ન પ્રકારની ચા પીએ છે. એમને સમજાતું નથી કે ચા છે કે કોઇ બીજું પીણું છે.

ત્રીજા ચર્ચાપત્રમાં દિવાળીના તહેવારમાં જે માળિયાઓ સાફ કરીએ છીએ એનો કચરો ખુલ્લા રસ્તા પર ફેંકવામાં આવે છે. લોકોને હેરાન કરવાની શું જરૂર છે. કચરો કયાં ફેંકવો તે માટે કલાસ ચલાવવાનો વ્યંગ કર્યો છે. આ માટે લેખકને અભિનંદન. યોગેશભાઈ જોષીએ ધાર્મિક ગ્રંથો પર હાથ મૂકીને લેવાતા સોગંદમાં કેટલી સચ્ચાઈ છે તેવો પ્રશ્ન કર્યો છે. આ બાબતમાં આ તમામ ચર્ચાપત્રીઓને હું અભિનંદન પાઠવું છું. સમાજને એક સારો સંદેશો પહોંચાડે છે તો ‘ગુજરાતમિત્ર’ને પણ હૃદયપૂર્વક અભિનંદન.
સુરત     – રેખા ન. પટેલ આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

To Top