SURAT

રોજ નવા ફતવા બહાર પાડનાર કલેકટર પાસે રેમડેસિવિર ઘટી ગયાં, 50 ટકા દર્દીઓને જ ઇન્જેક્શનની ફાળવણી

સુરતઃ (Surat) સુરતમાં રેમડેસિવિર ઈન્જેકશનના વિતરણના મામલે અત્યાર સુધી નિષ્ફળ રહેલા કલેકટરે આજથી માત્ર હોસ્પિ.ની માંગ પ્રમાણે જ ઈન્જેકશનની ફાળવણી શરૂ પરંતુ રોજ નવા ફતવા બહાર પાડનાર કલેકટર (Collector) આજે હોસ્પિ.ને પણ પુરતા ઈન્જેકશન આપી શક્યાં નહોતાં. સુરતની 132 હોસ્પિટલ દ્વારા 2338 રેમડેસિવિર ઈન્જેકશનની માંગણી કરવામાં આવી હતી પરંતુ કલેકટરના તંત્રએ માત્ર 1299 જ ઈન્જેકશન (Injection) આપ્યાં હતાં. ઓછા ઈન્જેકશન માટે પૂરતો જથ્થો નહીં હોવાનું બહાનું કાઢવામાં આવ્યું હતું પરંતુ જો ઈન્જેકશનના અભાવે કોઈનું મોત થાય તો તેની જવાબદારી કોની રહેશે?

શહેરની ખાનગી હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓ માટે રેમડેસિવિર ઇન્જેક્શનની ફાળવણી બાબતે કલેક્ટર દ્વારા રોજ લેવાતા નવા નિર્ણયોથી દર્દીના સંબંધીઓની હાલાકી વધી રહી છે. રેમડેસિવિર ઈન્જેકશનના વિતરણ માટે પહેલે દિવસથી જ કોઈ ફુલપ્રુફ વ્યવસ્થા ગોઠવવામાં આવી નથી. પહેલા દર્દીના સંબંધી તેમજ હોસ્પિ.ના સ્ટાફ માટે એક જ લાઈન કરવામાં આવી હતી. જેને કારણે લાંબી લાઈનો થઈ જતાં કોરોના વકરી જાય તેવી સ્થિતિ થઈ હતી. બે-ચાર દિવસ આ માથાકૂટ ચાલ્યા બાદ કલેકટરના તંત્રએ હોસ્પિ.ના સ્ટાફ અને દર્દીના સંબંધી માટે અલગ લાઈનો કરી અને હવે એવો નવો ફતવો બહાર પાડ્યો કે હવે માત્ર હોસ્પિ.ના સ્ટાફે જ ઈન્જેકશન લેવા માટે આવવું.

આજથી કલેક્ટરે ફરજીયાત હોસ્પિટલો દ્વારા સવારે મેઈલ કરીને ઇન્જેક્શનની માંગણી કરવા સૂચના આપવામાં આવી હતી. જેને પગલે આજે શહેરની કુલ 132 હોસ્પિટલો દ્વારા તેમના ત્યાં દાખલ દર્દીઓ માટે 2338 ઇન્જેક્શન માંગણી કરી હતી. પરંતુ ઇન્જેક્શનની અછતને કારણે કલેક્ટર દ્વારા આજે માંગણીની સામે માત્ર 50 ટકા એટલે કે 1299 ઇન્જેક્શનની ફાળવણી કરવામાં આવી હતી. ખાનગી હોસ્પિટલોએ વેન્ટિલેટર પર હોય તેવા 49 અને બાયપેપ ઉપર હોય તેવા 126 દર્દીઓ માટે માંગણી કરતા તમામને ઇન્જેક્શન ફાળવી દેવાયા છે. પરંતુ આ સિવાય ઓક્સિજન ઉપર હોય તેવા 1577 પૈકી 1122 દર્દીને જ ઇન્જેક્શન ફાળવાયા છે. જ્યારે કો-મોર્બિડ દર્દીઓની 307 ઇન્જેક્શનની ફાળવણી સામે એક પણ ઇન્જેક્શન ફાળવાયું નહોતું.

એક બાજુ હોસ્પિટલો પાસે સ્ટાફ નથી, બીજી બાજું પુરતા ઇન્જેક્શન નથી
કલેક્ટર દ્વારા હોસ્પિટલોના માણસોને જ ઇન્જેક્શન આપવાની વાતથી દર્દીના સંબંધીઓને ઘણી રાહત થઈ છે. આજે નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીના સંબંધીઓની ભીડ દેખાઈ નહોતી. કેટલાક છુટાછવાયા લોકો ઇન્જેક્શન માટે આવતા હતા. જેનું કારણ હજી પણ કેટલીક હોસ્પિટલો તેમને ત્યાં માણસો નહીં હોવાથી દર્દીના સંબંધીને ધક્કે ચઢાવે છે.

હોસ્પિ. દ્વારા થયેલી રેમડેસિવિરની માંગણી અને ફાળવણી

દર્દી માંગણી ફાળવણી

  • વેન્ટિલેટર 49 49
  • બાયપેપ 126 126
  • ઓક્સિજન 1577 1122
  • કો-મોર્બિડ 307 00
  • અન્ય 279 02
  • કુલ 2338 1299

Most Popular

To Top