Latest News

More Posts

કંપનીમાં એમોનિયાનું પેકિંગ ફાટવાથી ઘટના બની :

આસપાસના ગ્રામજનો તેમજ કંપનીના કામદારો પણ દોડી આવ્યા :

( પ્રતિનિધિ )વડોદરા,તા.4

નંદેસરી ઔદ્યોગિક વસાહતમાં ફરી એકવાર ગેસ લીકેજ થતા ગ્રામજનો તેમજ કામદારોના જીવ તાળવે ચોંટયા છે. ઔદ્યોગિક વસાહતમાં આવેલી સુજાગ ફાઈન કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં એમોનિયા ગેસ લીકેજની ઘટના બની હતી. ગેસની દુર્ગંધ આસપાસના વિસ્તારમાં ફેલાતા ગ્રામજનો ઘરની બહાર દોડી આવ્યા હતા કંપનીમાં સેફ્ટીના અભાવે આ ઘટના ઘટી હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે ગ્રામજનો તંત્ર ઉપર આકરા પ્રહારો કર્યા હતા.

વડોદરા શહેર જીવતા બોમ્બ ઉપર છે. હાલમાં જ રિફાઇનરીમાં એક બાદ એક બે બ્લાસ્ટ થયા બાદ આગની ઘટના બની હતી. જેમાં બે કામદારોના મોત થયા છે. જોકે હાલ આ ઘટનાની તપાસ ચાલી રહી છે, તેવામાં બુધવારે આશરે પાંચ થી સાડા પાંચ વાગ્યાની આસપાસ નંદેસરી ઔદ્યોગિક વસાહત જીઆઇડીસીમાં આવેલી સુજાગ ફાઈન કેમિકલ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ગેસ લીકેજની ઘટના બની હતી. એમોનિયા જેવો કોઈ પદાર્થ હવામાં ભળી જતા કંપનીના કામદારો સહિત આસપાસના લોકોને પણ શ્વાસ લેવામાં મુશ્કેલી પડી હતી. જેથી આસપાસના વિસ્તારોમાં રહેતા લોકો ઘરમાંથી બહાર તેમજ કંપનીઓમાં કામ કરતા કામદારો પણ કંપનીની બહાર દોડી આવ્યા હતા.

આ મામલે વધુ માહિતી આપતા એક ગ્રામજને જણાવ્યું હતું કે, નંદેસરી ઔદ્યોગિક વસાહતમાં સાડા પાંચ વાગ્યાની આસપાસ સુજાગ ફાઈન કેમિકલ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં એમોનિયા જેવો કંઈક ગેસ નીકળ્યો. જેની અંદર જાણ કરી તો પેકિંગ ફાટી ગયું અને આ પેકિંગ ફાટવાથી બજારમાં અને આજુબાજુની કંપનીઓમાં ભાગદોડ મચી ગઈ હતી. એમાં સ્થાનિક તંત્ર પોલીસ પ્રશાસન પહોંચી ગયા હતા અને એને અત્યારે જ બધાને જાણ કરી છે કે, કઈ કંટ્રોલ કરો. જેથી કંપનીના માણસો દ્વારા થોડું થોડું કંટ્રોલ કરવામાં આવ્યો હતો પણ મેનેજમેન્ટ કંટ્રોલ કરે કેમકે, એની બાજુમાં કંપનીઓ ,બાજુમાં સ્કૂલ છે સ્કૂલ છૂટી અને આ એમોનિયા લીકેજ થયો, શ્વાસ લેવા તો ન હતો એવી અહીંયા પરિસ્થિતિ હતી. પોલ્યુશન વિભાગના અધિકારીઓ અને એસોસિએશનના અધિકારીઓને કહેવા માંગુ છું કે આ નંદેસરી જીઆઇડીસીમાં વારંવાર આવી ઘટનાઓ બની રહી છે. એને કોઈ પણ અંશે કંટ્રોલ કરવામાં આવે નહીં તો આ નંદેસરી જીઆઇડીસીમાં એક દિવસ બહુ મોટો બ્લાસ્ટ થશે અને બહુ મોટી હાનિ પહોંચશે, તેથી આ તંત્ર વહેલામાં વહેલું જાગે. તમામ યુનિટો જે લોકો ખતરનાક પ્રોડક્ટ બનાવે છે. એની પર એક્શન લઈ અને તેની પર તાત્કાલિક નિયંત્રણ કરવામાં આવે તેવી મારી વિનંતી છે.

To Top