Madhya Gujarat

વિદ્યાધામોની મિલકતો પર ભૂમાફિયાનો ડોળો!

વિદ્યાનગરના સીવીએમનો પ્લોટ સ્ટોન પરિવારે પચાવી પાડવા કોશીષ કરી
આણંદ : વિદ્યાધામ વિદ્યાનગરમાં શિક્ષણનો યજ્ઞ ચલાવતા ચારુતર વિદ્યામંડળના ખાલી પ્લોટ પર સ્ટોન પરિવારે દાવો કરતા વિવાદ સર્જાયો હતો. આ વિવાદ વચ્ચે સ્ટોન પરિવારના કેટલાક સભ્યોએ પ્લોટનમાં ઘુસવા કોશીષ કરી હતી. આ સમયે સાઇટ સુપરવાઇઝર દ્વારા અટકાવતા તેમને ધક્કો મારી પાડી દઇ ધમકી આપતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. આ અંગે પોલીસે વિજય જાદવ સામે ગુનો નોંધ્યો હતો.

વિદ્યાનગરની રાણક હોસ્ટેલ પાસે સીવીએમના વર્ષો જૂના ક્વાર્ટ્સ આવેલા હતા. જે ટેમ્પરરી ક્વાર્ટ્સ  તરીકે ઓળખાતાં હતાં. આ ક્વાર્ટ્સ જૂના અને જર્જરિત થતાં તેને 2020માં ઉતારી લેવામાં આવ્યાં હતાં. જોકે હોસ્ટેલની વિદ્યાર્થિનીઓની સગવડતા અને સવલત માટે નવી હોસ્ટેલ બનાવવાની કામગીરી ચાલુ હોવાથી આ ક્વાર્ટ્સમાં ત્રણ રૂમ રાખી હતી, જેમાં બાંધકામનો સામાન પડી રહેતો હતો. બીજી તરફ અહીં છેલ્લા કેટલાક સમયથી સ્ટોન પરિવાર દ્વારા રસ્તા પર જ વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાતું હતું.

જેના કારણે ટ્રાફિક જામ થતો હતો અને નગરજનોને હાલાકી પડતી હતી. આથી, સ્ટોન પરિવારને પાંચેક વર્ષથી કામચલાઉ ધોરણે 8થી 10 દિવસ માટે ઉપયોગ કરવાની સીવીએમ દ્વારા હંગામી ધોરણે પરવાનગી આપવામાં આવી હતી. જોકે, આ જગ્યાને લઇ વિવાદ ઉભો થયો છે. સ્ટોન પરિવાર દ્વારા રેકર્ડ દસ્તાવેજી પુરાવા અને સ્થળ સ્થિતિ વિરૂદ્ધ હકિકતો ઉભી કરી સિવિલ કોર્ટમાં દાવો દાખલ કર્યો છે. જેના પગલે કોર્ટ કમિશનર મારફતે પંચનામું કરવાનો આદેશ કરવામાં આવ્યો હતો.

સીવીએમના સિવિલ ઓવરસીઅર નીતિન નરહરિભાઈ પટેલે પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, પંચનામામાં સ્ટોન પરિવારે તેમનો ખોટો કબજો બતાવવાના ખોટા ઇરાદે 25મી મે,2022ના રોજ રાત્રિના 9-30થી 10 વાગ્યાના સુમારે વિજય ચંદુ જાદવ અને દિલેશ ચંદુ જાદવ (રહે.પ્લોટ નં.715, ખોડિયાર નિવાસ, મહાદેવ એરિયા, વિદ્યાનગર) તથા બીજા અન્ય 10થી 12 ઇસમોએ 25મીની મોડી રાત્રે મિલકતમાં ગેરકાયદેસર પ્રવેશ કરી માલસામાન મુકવાનો પ્રયત્ન કર્યો હતો. જેથી સાઇટ સુપરવાઇઝર અને સિક્યુરિટીના સુપરવાઇઝરે અટકાવ્યાં હતાં. આથી, વિજય જાદવે ધમકાવતા જણાવ્યું હતું કે, સ્ટોન પરિવાર ટ્રસ્ટનો ટ્રસ્ટી છું. જેથી મારે સદરહુ ઓરડીઓમાં અમારે માલ સામાન મુકવાનો છે, જેથી સાઇટ સુપરવાઇઝરે તેમને તેમ ન કરવાનું અને ટ્રસ્ટની લેખિત પરવાનગી લઇ આવવા જણાવતા વિજય જાદવ વધુ ઉશ્કેરાઈ ગયેલા અને સાઇટ સુપરવાઇઝરને અભદ્ર ભાષામાં વાત કરીને મારી નાખવાની ધમકી આપી હતી. આ ઉપરાંત સાઇટ સુપરવાઇઝર પ્રિતેશકુમાર પટેલને જોરથી ધક્કો મારી ત્યાંથી દુર ભાગી જવા જણાવ્યું હતું. આખરે આ અંગે વિજય જાદવ (રહે.વિદ્યાનગર) સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધ્યો હતો.

મોગરની વ્રજભુમી સ્કૂલનો કબજો લેવા ટોળું ધસી આવ્યું
આણંદ : આણંદ નજીકના મોગર ગામે આવેલી વ્રજભુમી ઇન્ટરનેશનલ સ્કુલમાં સોમવારની બપોરે ચારેક કારમાં દસથી વીસ વ્યક્તિ ધસી આવ્યા હતા અને સિક્યુરીટીના માણસોને ધમકાવી બેરીકેટ તોડી કેમ્પસ ઇન્ચાર્જને ધમકી આપી હતી. આણંદના મોગર ગામે આવેલી વ્રજભુમી ઇન્ટરનેશનલ સ્કૂલના કેમ્પસ ઇન્ચાર્જ તરીકે અશ્વીન નારણદાસ બજાણીયા ફરજ બજાવે છે. આ શાળા વ્રજભૂમી ફાઉન્ડેશન દ્વારા સંચાલિત હતી. જોકે, આ શાળાની મિલકત વેચવા બાબતે ડખ્ખો ઉભો થયો છે.

જેમાં વ્રજભુમી સ્કૂલમાં 23મી મેના રોજ બપોરે ત્રણેક કારમાં દસથી વીસ વ્યક્તિ ધસી આવ્યાં હતાં. આ શખસોએ વ્રજભુમી સ્કૂલ કેમ્પસમાં પ્રવેશ કરી એક જુથ થઇ ટ્રસ્ટનો જબરજસ્તીથી વહીવટ – કબજો લેવા કોશિષ કરી હતી. આ ઉપરાંત ટ્રસ્ટનું વહીવટી સાહિત્ય સાથોસાથ ટ્રસ્ટની માલિકીની મિલકતનો કબજો પડાવી લેવા માટે જબજસ્તી કરી હતી. જોકે, ફરજ પરના સિક્યુરીટીના માણસોએ તેમને રોકતા તેમનું રજીસ્ટર પણ છીનવી લઇ સ્કૂલના બેરીકેટ તોડી નુકશાન કર્યું હતું. આ ઉપરાંત સિક્યુરીટીના માણસોને ધમકાવી અપશબ્દ બોલી મારમારી ધમકી આપી હતી.

આ અંગે કેમ્પસ ઇન્ચાર્જ અશ્વીન બજાણીયાએ વાસદ પોલીસ મથકે મિનાક્ષીબહેન આસીત વિજાપુરા, આસીત કનૈયાલાલ વિજાપુરા (રહે. શિવશક્તિ, રાજકોટ), કિશોર છગન આંદીપુરા (રહે. ગોંડલ), અરવિંદ અમરસિંહ, હિરેન ભીખુ ઘેટીયા, વંદનાબહેન દેવનભાઈ તથા અજાણ્યા આશરે 10 જેટલા શખસો સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી. જે. પરમારને સોંપવામાં આવી છે. જેઓએ નિવેદન સહિતની કાર્યવાહી હાથ ધરી છે. બાદમાં ધરપકડ માટે ચક્રોગતિમાન કરાશે.

Most Popular

To Top