uncategorized

સાળંગપુરનું કષ્ટભંજન હનુમાન મંદિર

સંત, શૂરા અને દાતારની ધરતી તરીકે ગુજરાત-સૌરાષ્ટ્ર ખૂબ વિખ્યાત છે. અહીં ડાકોર, સોમનાથ અને દ્વારિકા જેવા પૌરાણિક ધર્મસ્થાનો છે. મીરાં, નરસિંહ, શેઠ સગાળશા જેવા સંતોની જન્મભૂમિ અને કર્મભૂમિ રહી છે. જલારામબાપા, આપાગીગા, દાનબાપુ અને બજરંગદાસ બાપાની જગ્યાઓએ બારેમાસ સદાવ્રત ચાલી રહ્યાં છે. એવી જ એક જગ્યા બોટાદ પાસેના સાળંગપુર ખાતે આવી છે. અહીં સ્વામીનારાયણ સંપ્રદાય દ્વારા પ્રસ્થાપિત હનુમાનજીની પ્રતિમા સાળંગપુરના શ્રી કષ્ટભંજન હનુમાનજી તરીકે વિખ્યાત બની છે. ભૂત-પ્રેત જેવી નકારાત્મક શક્તિઓને દૂર કરવા લોકો અહીં દર્શને આવે છે. બારે મહિના ચાલુ રહેતો યાત્રાળુઓનો ધસારો મંગળવારે અને શનિવારે વધુ હોય છે. દર પૂનમે સાળંગપુર હનુમાનજીના દર્શને આવવા માટે સુરત, બરોડા અને અમદાવાદથી ખાસ સ્પેશ્યલ બસો દોડતી હોય છે. એવું મનાય છે કે સાળંગપુર હનુમાનજીના દર્શને આવતા લોકોની મનોકામના અવશ્ય પૂરી થતી હોય છે. વિશ્વના સૌથી સમૃદ્ધ અને ચમત્કારિક મનાતા સાળંગપુર હનુમાન મંદિરે દર્શને આવતા શ્રધ્ધાળુઓ માટે અહીં રહેવાની અને જમવાની સગવડો ખૂબ જ સરાહનીય છે.

આશરે 175 વર્ષ પ્રાચીન આ મંદિરનો ઈતિહાસ કંઈક આવો છે…. સદ્દગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી એક સમયે બોટાદ પધારેલા ત્યારે બાજુના ગામ સાળંગપુરથી દરબાર વાઘાખાચર તેમના દર્શનાર્થે બોટાદ આવેલ. સ્વામીજીએ બધું કુશળ મંગળ તો છે ને? એવો સ્વાભાવિક સવાલ પૂછતા વાઘાખાચરના મુખ પર ચિંતાની રેખાઓ વર્તાતા સ્વામીજીએ ચિંતાનું કારણ પૂછયું તો વાઘાખાચરે કહ્યું કે : ‘‘સ્વામીજી, છેલ્લાં ત્રણેક વર્ષથી દુકાળ પડે છે અને ગામલોકોની આર્થિક પરિસ્થિતિ નબળી થઈ છે. સાધુ-સંતો ગામમાં પધારે છે પણ રાત રોકાતા નથી એટલે સત્સંગનોય દુકાળ અનુભવીએ છીએ. સાળંગપુરની દશાની વાતો જાણી દુ:ખી થયેલા દયાળુ આ સંતે સાળંગપુરમાં મંદિર બનાવવાની વાત કરી.

અંતે ગોપાળાનંદજીએ જાતે એક હનુમાનજીનું ચિત્ર બનાવ્યું અને શિલ્પકાર કાનજી મિસ્ત્રીએ ચિત્ર મુજબની મૂર્તિ અને મંદિર તૈયાર થઈ જતા સંવત 1905ના આસો વદ પાંચમના દિવસે શાસ્ત્રોક્ત વિધિ-વિધાનુસાર મંદિરમાં કષ્ટભંજન હનુમાનની મૂર્તિની પ્રતિષ્ઠા કરી હનુમાનજી મહારાજને મૂર્તિમાં પ્રવેશ કરવાનું આહવાન કરવામાં આવ્યું. એવું કહેવાય છે કે મહાબલી હનુમાનજીએ મૂર્તિમાં પ્રવેશ કર્યો અને મૂર્તિમાં રીતસરની ધ્રુજારી આવી અને મૂર્તિ કાંપવા લાગી. સ્વામીજીએ પ્રાણપ્રતિષ્ઠા પછી કહ્યું કે અહીં કોઈ પણ દીન-દુ:ખિયાઓ દર્શને આવશે તો દાદા તેનું કષ્ટ જરૂર દૂર કરશે. આજે લાખો શ્રધ્ધાળુઓ સાળંગપુર ખાતે અવાર-નવાર દર્શને આવે છે. કહેવાય છે કે શ્રધ્ધાની વાત આવે ત્યારે પુરાવાની જરૂર નથી હોતી. છતાં હજારો ભક્તોના મુખે પુરાવા મળ્યાની વાતો સાંભળવા મળે છે. નિયમિત રીતે સાળંગપુર દર્શને આવતા ભક્તોની સંખ્યા મોટી જોવા મળે છે.

આજે યાત્રાધામ બની ગયેલા સાળંગપુર ખાતે દૂરથી આવતા શ્રધ્ધાળુઓ માટે અહીં નિ:શુલ્ક જમવાની વ્યવસ્થા છે. રહેવા માટે વિશાળ ધર્મશાળા છે જેમાં 180 જેટલા AC રૂમ અને 350 જેટલા નોન AC રૂમની વ્યવસ્થા છે જેનું ટોકન કહી શકાય તેટલું રૂા. 200 થી 1200 સુધીનું ભાડું છે. અહીં નિ:શુલ્ક રસોડામાં રોજ 4000 થી 5000 શ્રધ્ધાળુઓ ભોજન-પ્રસાદનો લાભ લે છે. મંગળવારે, શનિવારે, દર પૂનમે કે તહેવારોના દિવસોમાં આ સંખ્યા ત્રણ-ચાર ગણી થઈ જતી હોય છે. શ્રધ્ધાળુઓની વધુ સગવડતા જળવાઈ રહે તે માટે અહીં નવું ભોજનાલય બની રહ્યું છે. 7 વીંઘા જમીનમાં આ નૂતન ભોજનાલય અંદાજે 40 કરોડના ખર્ચે બની રહ્યું છે.

ભોજનાલય બિલ્ડીંગનું બાંધકામ અંદાજે 2 લાખ 30 હજાર sq ft.નું થશે. મંદિર પરિસરમાંથી સીધા ભોજનાલયમાં પ્રવેશી શકાય એટલું નજીક આ ભોજનાલય 250 કોલમ ઉપર ઊભું કરાશે. ઈન્ડો-રોમન સ્થાપત્ય સ્ટાઈલથી બનેલી ડિઝાઈન દ્વારા બનનાર આ ભવ્ય ભોજનાલયમાં વધુ ભીડ ના થાય એટલે અંદર પ્રવેશવાના પગથિયાંની પહોળાઈ 75 ફૂટ જેટલી હશે. વૃદ્ધો અને દિવ્યાંગો માટે બે એસ્કેલેટરની પણ વ્યવસ્થા કરાશે. વિશેષ પ્રકારની કેવિટી વોલને કારણે ગમે તેવી ગરમીમાં પણ ભોજનાલયનું તાપમાન ઠંડું રહેશે. જનરલ ડાઈનીંગ હોલ 110 ફૂટ બાય 278 ફૂટનો હશે જેમાં એક સાથે 4000 થી વધુ માણસો ભોજન લઈ શક્શે. એ સિવાય પણ VIP અને VVIP એમ અન્ય ત્રણ ડાઈનીંગ હોલ પણ હશે. આ ભોજનાલયના અપરગ્રાઉન્ડમાં 85 રૂમ બનાવવામાં આવશે તો ગ્રાઉન્ડ ફ્લોર પર વિશાળ પાર્કિંગની સગવડ હશે. અહીંનું રસોડું 60 બાય 100 ફૂટનું હશે. રસોડા અને ડાઈનીંગ હોલ વચ્ચે 15 ફૂટની જગ્યા રખાશે જેથી કોઈ સંજોગામાં અકસ્માત થાય તો તેની અસર ડાઈનીંગ હોલમાં ના થાય. અત્યારે આ બની રહેલા ભોજનાલયનું કામ પૂર જોશમાં ચાલી રહ્યું છે. 160 થી વધુ કારીગરો પાળી મુજબ દિવસના 20-20 કલાક કામ કરી રહ્યા છે. અહીંનું ભોજનાલય 2017 થી હાઈટેક ટેકનોલોજીથી કાર્યરત છે. જે ગેસ-અગ્નિ કે ઈલેક્ટ્રિસિટી વગર ચાલે છે. મતલબ ઓઈલ બેઝ્ડ રસોઈ તૈયાર થાય છે. એમાં ઓઈલને ખાસ ટેમ્પરેચર સુધી ગરમ કરી રસોઈના ધાતુના બે પડવાળા વાસણોમાંથી પસાર કરી વાસણોને ગરમ કરી રસોઈ તૈયાર કરાય છે. આવતી દિવાળીના તહેવારો પહેલાં આ ભોજનાલય કાર્યરત થઈ જશે એવી ધારણા છે.

વિશ્વના સૌથી ધનવાન ગણાતા આ હનુમાન મંદિરમાં કષ્ટભંજન હનુમાનના સુવર્ણના અને હીરા-માણેક જડિત વસ્ત્રો ખૂબ કિંમતી છે. તહેવારોમાં પરિધાન કરાવાતા આ વસ્ત્રોમાં એક 8 કિલો સોનામાંથી બનેલ છે. જે 22 જેટલા ડિઝાઈનર આર્ટિસ્ટો સાથે 100 જેટલા સોનીઓએ 1 વર્ષની મહેનતે તૈયાર કરેલ છે. આ કોલમમાં વિશાળ પ્રતિમાઓ અંગે અનેક વાર લખાયું છે. એના અનુસંધાને સાળંગપુરમાં બની રહેલી વિશાળ હનુમાન પ્રતિમા અંગે પણ જોડીએ થોડું સાંધણ…. સાળંગપુર કષ્ટભંજન હનુમાન મંદિર પરિસરમાં આગામી ઓકટોબર સુધીમાં 54 ફૂટ ઊંચી પંચધાતુની હનુમાન પ્રતિમા પ્રસ્થાપિત થશે. 7 કિ.મી. દૂરથી દૃશ્યમાન થનાર આ પ્રતિમાના પ્રોજેક્ટ માટે 1,35,000 sq ft. જગ્યા ફાળવવામાં આવી છે. જેમાં મૂર્તિ પ્રસ્થાપન સિવાય 62,000 sq ft.માં બે ગાર્ડન બની રહ્યા છે.

લાઈટ, સાઉન્ડ સાથે ઉછળતા ફાઉન્ટનનો રોમાંચ અહીં જોવા મળશે. વચ્ચે 17 ફૂટ ઊંચા તૈયાર થનાર બેઝ પર 54 ફૂટની 30,000 કિ.ગ્રા.ના વજનની પ્રતિમા પ્રસ્થાપિત કરાશે. તૈયાર થનાર આ બેઝની દીવાલો પર હનુમાન પરાક્રમની ચિત્રાવલી મ્યુરલ દ્વારા અંકિત કરાશે. ઉપરાંત સાળંગપુર ધામનો ઈતિહાસ પણ સચિત્ર અંકિત કરાશે. શ્રીયંત્રની આકૃતિમાં આ બેઝ તૈયાર કરાશે. 5000 વર્ષ સુધી અડીખમ રહે તે માટે પંચધાતુની 7.00 MM થીકનેસ સાથે અંદર મજબૂત સ્ટીલ સ્ટ્રકચર બનાવાશે. મૂળ રાજસ્થાનના મૂર્તિકાર નરેશ કુમાવત હરિયાણાના માનેસર ખાતે આ મૂર્તિ તૈયાર કરી રહ્યા છે. આ વિશાળ હનુમાન પ્રતિમાની ગદા 27 ફૂટ લાંબી અને 8.5 ફૂટ પહોળી હશે તો ડોકના આભૂષણ 24 ફૂટ લાંબા અને 10 ફૂટ પહોળા હશે. નૂતન બનનારા ભોજનાલય અને સૂચિત આ વિશાળ પ્રતિમા પ્રસ્થાપિત થયા પછી અહીં આવનાર શ્રધ્ધાળુઓની સંખ્યા વધી જશે. મનોરંજનને પણ ધ્યાનમાં રાખી એમ્ફિથિયેટર, ગાર્ડન, મ્યુઝિયમ અને સ્ટોલ્સ ઉપલબ્ધ કરાવાશે જેથી નવા યંગ જનરેશનને એ આકર્ષણ દ્વારા ધર્મ તરફની રૂચિ કેળવવાનો આ એક સરાહનીય પ્રયાસ હશે.

Most Popular

To Top