SURAT

જુના વિદ્યાર્થીઓનો શિક્ષણ સંસ્થા સાથેનો તંતુ જીવંત રાખતા એલમનાઇ એસોિશએશન્સ

જયારે નાના હતા ત્યારે સ્કૂલના નામે ડરાવવામાં આવતા પણ એ જ સ્કૂલ જયારે છોડવાની થતી ત્યારે ફ્રી પીરીયડની મસ્તી, ટીચરના હાથનો માર, જોર-જોરમાં ગાયેલી પ્રાર્થના, આવી કંઈક કેટલીયે યાદોના મોજા મનમાં ફરી વળે. સમય આવ્યે સ્કૂલ કોલેજ છોડવી પડતી હોય છે, પણ આપણી અંદરથી સ્કૂલ કોલેજની એ યાદો નથી નીકળતી, ને આવામાં અચાનક ખબર પડે કે જુના ક્લાસ મેટ્સ ફરીથી એ જ જગ્યાએ મળી રહ્યા છે તો? આ સાંભળીને જ ચહેરા પર અનેરી ચમક આવી જાય. ભુતપૂર્વ વિધ્યાર્થીઓની આ ઈચ્છા પૂરી થાય એ માટે શહેરની શિક્ષણ સંસ્થાઓમાં ભુતપૂર્વ વિદ્યાર્થી મંડળો દ્વારા આવા રિયુનિયન પ્રોગ્રામ યોજવામાં આવે છે. જ્યાં વિદ્યાર્થીઓ ફરીથી તે સંસ્થામાં મળે છે અને પોતાની જૂની યાદોને વાગોળે છે. આ દરેક એસોસિયેશન પોતાની રીતે સંસ્થા અને તેના વિદ્યાર્થીઓના હિતમાં કાર્ય કરતું હોય છે. જેમાં સુરતમાં કાર્યરત સંસ્થાઓ વિષે આજે સીટી પલ્સમાં આપણે જાણીએ કે જેમાં તેમના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ કઈ રીતે યોગદાન આપી રહ્યા છે અને કેવી કેવી પ્રવૃત્તિઓ કરી રહ્યા છે.

જુના સમયને યાદ કરવા સાથે વિદ્યાર્થીઓને મદદ કરવાની કોશિશ: ભદ્રેશ શાહ
શહેરના જાણીતા એન્જિનિયર, બિલ્ડર ભદ્રેશ શાહે તેમના સાથીઓ સાથે મળી 2007-08માં SVNITના ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળનું ગઠન કર્યું હતું. તેઓ SVNITAA Alumni Association ના સ્થાપક સભ્ય અને પ્રેસિડન્ટ હતા, સાથે જ શ્રી મહાવીર જૈન વિદ્યાલયના Alumni ફૅડરેશનના પણ પ્રમુખ હતા. તેઓ પોતાના જુના દિવસોને યાદ કરતા જણાવે છે કે ‘’કોલેજ છોડ્યાના 20 વર્ષ સુધી વિદ્યાર્થીઓ કારકિર્દી બનાવવામાં વ્યસ્ત હોય છે પણ એક સમય બાદ ફરી તેમના જુના મિત્રો અને સંસ્થા યાદ આવે છે અને આ માટે SVNITમાં દર વર્ષે રીયુનિયન યોજવામાં આવે છે જેમાં કંપનીના મૅનેજર, પ્રોફેસર, CEOના પદ પર પહોંચેલા વિદ્યાર્થીઓ જયારે પોતાના જુના મિત્રોને મળે છે ત્યારે ઉંમર, માન, મોભો ભૂલીને એક બીજાની મજાક ઉડાડવી, એજ જુના નામથી બોલાવી પોતાની જૂની યાદોને વાગોળે છે અને તેઓ ફરી જીવનમાં 20 વર્ષના થઇ ગયા હોય તેવું અનુભવે છે… ભદ્રેશ શાહ આગળ જણાવે છે કે Alumni Association દ્વારા પોતાના જુના મિત્રો સાથે વિતાવેલા સમયને યાદ કરવા સિવાય એ સંસ્થામાં ભણતા વિદ્યાર્થીઓને પણ રિસર્ચ વગેરે કામગીરીમાં મદદરૂપ થવાની સાથે જ જો કોઈ ઊંચા પદ પર હોય તો યોગ્ય જણાય એને પોતાની કંપનીમાં હાયર કરીને આ રીતે પ્રોત્સાહન મળે તેવી કોશિશ કરે છે. Alumni Association દ્વારા દર વર્ષે 7 ફેકલ્ટીના ટોપ રેન્ક સ્ટુડન્ટ્સને મેડલ્સ આપવામાં આવે છે. આ મંડળ દ્વારા SVNIT ગોલ્ડન જ્યુબિલી સેમિનાર હોલ પણ બાંધવામાં આવ્યો હતો, ઉપરાંત તેમણે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા બનાવડાવી છે જે ભવિષ્યમાં SVNITના ગેટ પર મૂકાશે. ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળની સ્થાપના કરવાથી જે-તે સંસ્થાને તેના વિદ્યાર્થીઓને અને તે શહેરના લોકોને પણ તેનો લાભ મળતો હોય છે. ઘણા સમય બાદ જયારે તેમના ફ્રેંડ્સ ફરીથી સુરત આવે છે ત્યારે બદલાયેલું સુરત જોઈ ‘ખુબસુરત’ બોલી ઉઠે છે.’

સંસ્થાના વિકાસમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું પણ મહત્વ છે : ડૉ.પૃથુલ દેસાઈ
પી.ટી.સાયન્સના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને હાલ તેમની જ માતૃસંસ્થામાં પ્રિન્સિપાલની ફરજ બજાવી રહેલા ડૉ.પૃથુલ દેસાઈએ જણાવ્યુ કે, ‘સંસ્થાના પ્રિન્સિપાલ અને એસોસિયેશનના સભ્ય તરીકે તેઓ બંને પક્ષના મહત્વને જાણે છે, આવા વિદ્યાર્થી મંડળ એ જ સંસ્થાની સાચી મૂડી છે, સંસ્થાના વિકાસમાં તેમનો અમૂલ્ય ફાળો રહેલો છે. ફક્ત વિદ્યાર્થીને જ સંસ્થાની જરૂર નથી, સંસ્થાને પણ આવા વિદ્યાર્થીઓની જરૂર રહેલી છે. તેઓ જણાવે છે કે Alumni Associationથી તેમની સંસ્થા અને હાલના વિદ્યાર્થીઓને ઘણાં લાભ મળ્યા છે. સાયન્સ કોલેજને લાખોની કિંમતના કૅમિકલ ઘણાં સમયથી તેમના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ વિનામૂલ્યે પૂરા પાડે છે. તેઓ હાલમાં જ બનેલો કિસ્સો જણાવ્યો જ્યાં તેમની પાસે 1971 બૅચના વિદ્યાર્થીઓની માહિતી માંગી, કારણ! તે સમયે ભણી ચૂકેલા વિદ્યાર્થીઓ 50 વર્ષ બાદ ફરીથી મળવાના હતા. ‘મોસાળમાં જેમ મા પીરસે’ એમ તેમણે તમામ મદદ કરી રીયુનિયન કરાવ્યું હતું.’

It’s Pay Back Time: શૈલેષ દેસાઇ
પી.ટી.સાયન્સ કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળના ખજાનચી તેમના એસોસિયેશનના કામને મોઢે યાદ રાખતા જણાવે છે કે, ‘અમારું એસોસિયેશન એક પદ્ધતિસરના ઓર્ગનાઈઝેશન તરીકે જ કામ કરે છે. પ્રિન્સિપાલ AG મહેતા રીટાયર થયા ત્યારે વર્ષ 2007માં 30 જેટલા સભ્યોથી થયેલી શરૂઆત હાલ 1400 પર પહોંચી છે. સોશ્યલ મીડિયા પેજ થકી નવા વિદ્યાર્થીઓ જોડાતા રહે છે જેમાં છેલ્લા 7વર્ષથી જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવી, સેમિનાર કરવા, કેમ્પસ પ્લેસમેન્ટ, ઇન્ડસ્ટ્રીઅલ ટૂર, સાયન્સની વિવિધ જર્નલ્સના લવાજમ ભરવા જેવા કાર્યો જવાબદારીપૂર્વક અદા કરી રહ્યા છે. આ વર્ષે એસોસિયેશને 130 વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપી હતી.

જો કે આટલા વર્ષો બાદ જુના મિત્રો જયારે પણ મળે છે ત્યારે કોલેજ સમયની એ મસ્તીઓ કરવાનું ભૂલતા નથી, હાલમાં જ એસોસિયેશને એક મ્યુઝિકલ પ્રોગ્રામનું આયોજન કર્યું છે જેમાં ગાયક, વાદક અને દર્શક આ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જ હશે. 25 સભ્યોની આ કમિટી જેમાં હું શરૂઆતમાં કમિટી મેમ્બર હતો. આમાં દર વર્ષે member ship drive ગોઠવાય છે જેમાં વિદ્યાર્થીઓ 1000 સભ્ય પદ ફી આપીને જોડાય છે આ કામગીરી માટે alumni office પણ આપવામાં આવી છે અને પ્રિન્સિપાલ પણ તેમાં સભ્ય હોવાથી દરેક જાણકારી કોલેજને આપતા રહે છે તેમજ વિષય, કાર્યક્રમ પર ઘણી ચર્ચાઓ બાદ જ નિર્ણય લેવામાં આવે છે જેથી વાદ વિવાદને અવકાશ રહેતો નથી. સેક્રેટરી દ્વારા તમામ પેપર વર્ક કરવામાં આવે છે અને જાણકારી પહોંચાડવામાં આવે છે. અમુક રકમની FD પણ એસોસિયેશન પાસે છે. આ ઉપરાંત મળતા ફંડનો 2 રીતે ઉપયોગ કરે છે, જેમાં વિદ્યાર્થીલક્ષી કર્યો માટે ફંડનો ઉપયોગ કરવામાં આવે છે.’

50 વર્ષ બાદ નવા પરિચય સાથે જૂના મિત્રો મળ્યા: ડૉ નૈમેષ દેસાઇ
ડો.નૈમેષ દેસાઇ જણાવે છે કે 1971માં 500 વિદ્યાર્થીઓ પ્રિ-સાયન્સ કોર્સમાં અભ્યાસ કરતા હતા. 50 વર્ષ પૂરા થતાં ફરી 2022માં સુરત અને ગુજરાત બહારના અલગ-અલગ જગ્યા પર સ્થાયી થયેલા 100 જેટલા વિદ્યાર્થીઓ ભેગા થયા હતા જેમાં કોઈક ડોક્ટર છે, કોઈ એન્જિનિયર, શિક્ષક છે તો ઘણાની 3જી પેઢી એ જ કોલેજમાં ભણી રહી છે. 50 વર્ષ પહેલા મળેલા વિદ્યાર્થીઓ ફરીથી ધોળા વાળ, ઢગલોબંધ અનુભવ અને યાદો સાથે ભેગા થયા હતા, આ આખાયે કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ તેમના શિક્ષકોને પણ યાદ રાખ્યા હતા, આ રિયુનિયન માટે એક બીજાને ફોન કરવા, જાણકારી આપવી, આમંત્રણ આપવા, સ્થળ નક્કી કરવું વગેરેની લગભગ 6 મહિના પહેલાથી તૈયારી શરૂ કરી હતી. એ સમયને યાદ કરતા ડૉ નૈમેષ જણાવે છે કે, દરેક વિદ્યાર્થીઓએ ફરીથી નવો પરિચય આપ્યો, સાથે પ્રાર્થના કરી, બધી જવાબદારી ભૂલી ફરી મિત્રોને મળ્યા ત્યારે ખુબ જ લાગણીભર્યું વાતાવરણ હતું, અને જયારે છૂટા પડ્યા ત્યારે વર્ષમાં એક વાર મળવાનું તો બધાએ ફરજિયાત જ કરી દીધું છે.’

છેલ્લા 15 વર્ષથી ‘ટેક્સાસ’ વિદ્યાર્થીઓના વિકાસમાં સહભાગી છે: ભાવિન વશી
સુરતની જાણીતી સેન્ટ ઝૅવિયર્સ સ્કૂલના સ્ટુડન્ટ્સને ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળ ‘ટેક્સાસ’ વારસામાં મળે છે. પ્રેસિડન્ટ ભાવિન વશી ‘ટેકસાસ’ પર ગર્વ કરતા જણાવે છે કે, ‘આ સંસ્થા છેલ્લા 15 વર્ષથી વિદ્યાર્થીઓના વિકાસમાં સહભાગી છે, સ્કૂલના તમામ કાર્યક્રમમાં ભુતપૂર્વ વિદ્યાર્થીઓ ટેક્સાસ થકી યોગદાન આપતા રહ્યા છે. તેઓ લગભગ તમામ કાર્યક્રમોમાં ભાગ લે છે. 5 સભ્યોની કમિટી દ્વારા આ એસોસિયેશન ચલાવવામાં આવે છે. જેમાં સિનિયર્સ પોતાના જુનિયર્સ માટે ફેરવેલ પાર્ટી યોજે છે, જે એક રીતે ‘ટેક્સાસ’માં જોડાવાની પૂર્વ તૈયારી છે. તેઓ દર ટીચર્સ-ડેના દિવસે ટીચર્સને મળીને તેમને ગિફ્ટ્સ આપે છે જેમાં રિટાયર્ડ ટીચર્સ પણ હાજર હોય છે, શાળા છોડ્યાના આટલા સમય બાદ પણ ‘ટેક્સાસ’ના સભ્યો તેમના એન્યુઅલ ફંક્શનમાં ભાગ લે છે સાથે જ સ્પોર્ટ્સ ડે પર થતી ‘ટેક્સાસ’ સ્પેશ્યલ પરેડ તો ખરી જ!

ભાવિન ભાઈ જણાવે છે કે, ‘રિયુનિયનના નામે ફક્ત એક વાર મળી એન્જોય કરવા કરતા ‘ટેક્સાસ’ના સભ્યો દર 2 ઓક્ટોબરે બ્લડ ડોનેટ કરી અને દિવ્યાંગો સાથે ઉત્તરાયણ ઉજવીને વર્ષમાં 2 વાર ચોક્કસ મળે છે.’- તેમના સ્કૂલ, જિલ્લા, ઝોન, દેશ સ્તરે અલગ અલગ નામથી એસોસિયેશન ચાલે છે જેમાં સુરતના એસોસીયેશનનું નામ ‘ટેક્સાસ’ રાખવામા આવ્યું છે. 2006-07થી કાર્યરત આ સંસ્થામાં હાલમાં 250-300 જેટલા મેમ્બર છે,જે પૈકી 70-80 સભ્યો રેગ્યુલર ભાગ લે છે તેમની પ્રવૃત્તિ દરમિયાન દર 26 jan ટેક્સાસ પ્રેસિડન્ટ flag હોઈસ્ટ કરે છે, દર વર્ષે AGM કરવી,મૅમ્બર સિલેક્ટ કરવા વગેરેનો સમાવેશ થાય છે. આ તમામ કામગીરી માટે સભ્યો પોતાની રીતે જ ફંડ ઓર્ગેનાઈઝ કરે છે.’

Most Popular

To Top