SURAT

1.15 કરોડ આપવા ન પડે તે માટે જ્વેલર્સે ફાયનાન્સરને બોલાવી કરી નાંખી આ હરકત

સુરત : સરથાણામાં (Sarthana) જ્વેલર્સે પોતાના દાગીના છોડાવવા માટે ફાયનાન્સરને બોલાવીને તેની ઉપર એરગન (Airgun) તાંકીને દાગીનાની લૂંટ ચલાવી હતી. જ્વેલર્સે દાગીના ઉપર દોઢ કરોડની લોન લઇને 35 લાખ ચૂકવી આપ્યા હતા અને બીજા 1.15 કરોડ આપવા ન પડે તે માટે લૂંટ ચલાવાઇ હોવાનું પોલીસે (Police) કહ્યું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ મુળ નવસારી જિલ્લાના વતની અને સુરતના પાંડેસરામાં રિદ્ધિ સિદ્ધિ એપાર્ટમેન્ટમાં રહેતા વિક્રાંતભાઇ જગદીશભાઇ જોશી ફાયનાન્સરનું કામ કરે છે. આ દરમિયાન તેની મુલાકાત વરાછા સ્વાતી સોસાયટીમાં રહેતા ચેતનભાઇ ધીરૂભાઇ સુખડીયાની સાથે થઇ હતી. ચેતનભાઇ પોતે જ્વેલર્સ ચલાવે છે અને ધંધાકીય રૂપિયાની જરૂર પડતા તેઓએ 3150 ગ્રામ સોનુ વિક્રાંતને આપીને તેની પાસેથી રૂા. 1.50 કરોડ લીધા હતા. આ રૂપિયા પૈકી ચેતનભાઇએ ટુકડે ટુકડે રૂા. 35 લાખ ચૂકવી આપ્યા હતા અને બાકીના 1.15 કરોડ માટે થઇને બંને વચ્ચે ઝઘડાઓ થયા હતા. છેલ્લા ઘણા સમયથી બંને વચ્ચે ઝઘડાઓ ચાલતા હતા. દરમિયાન ચેતનભાઇએ વિક્રાંતને દાગીના લઇને સરથાણા યોગીચોક સાંઇપેલેસમાં આવેલી જોલી સન્સ જ્વેલર્સમાં બોલાવ્યો હતો. અહીં વિક્રાંત દાગીના લઇને આવ્યો ત્યારે ચેતનની સાથે બીજા ત્રણ માણસો હતા. આ ત્રણેયએ વિક્રાંતની સાથે ઝઘડો કરીને તેની ઉપર એરગન મુકી દીધી હતી અને ગાળાગાળી કરી ચપ્પુ વડે હુમલો કરી દીધો હતો. ત્યારબાદ ચેતનભાઇ અને બીજા માણસો 3150 ગ્રામ દાગીના લઇને ભાગી ગયા હતા. આ મામલે વિક્રાંતભાઇએ સરથાણા પોલીસમાં ફરિયાદ આપી હતી. બીજી તરફ ચેતનભાઇએ પણ વિક્રાંત અને તેના માણસોની સામે મારામારીની ફરિયાદ આપતા પોલીસે બંનેની સામસામી ફરિયાદ લઇને તપાસ શરૂ કરી છે. આ માથાકૂટમાં પોલીસે ત્રણ યુવકોની અટકાયત કરી હોવાની પણ વિગતો છે.

Most Popular

To Top