Editorial

ભારતમાં મંદીની શક્યતા ખરેખર શૂન્ય છે?

વિશ્વના સૌથી મોટા અર્થતંત્ર અમેરિકામાં મંદીના ધીમા સૂસવાટા શરૂ થઇ ગયા છે એમ કહેવાય છે. અમેરિકામાં સતત બીજા ક્વાર્ટરમાં તેનો જીડીપી ઘટ્યો છે અને આ બાબતને કેટલાક લોકો તો એમ જ માને છે કે અમેરિકામાં મંદી શરૂ થઇ ગઇ છે જ્યારે એક મત પ્રમાણે અમેરિકામાં મંદી શરૂ થઇ નથી પણ શરૂ થઇ શકે છે. જો કે અમેરિકી ફેડરલ રિઝર્વના વડા સહિતના અનેક અર્થશાસ્ત્રીઓએ અમેરિકામાં મંદીની શક્યતાઓ નકારી છે છતાં ત્યાં જે પ્રકારનું આર્થિક ચક્ર ચાલી રહ્યું છે તે જોતા મંદીનો ભય સેવાઇ તો રહ્યો જ છે.

રશિયા-યુક્રેન યુદ્ધની આડઅસરોનો સૌથી મોટો ભોગ કદાચ યુરોઝોનના યુરોપિયન દેશો બન્યા છે અને ત્યાં મોંઘવારીએ માઝા મૂકી છે. રશિયા અને યુક્રેન તરફથી આવતો પુરવઠો ખોરવાવાને કારણે તેમની સ્થિતિ બગડેલી તો હતી જ અને અધુરામાં પુરુ રશિયાએ કેટલાક યુરોપિયન દેશોનો ગેસ પુરવઠો કાપી નાખ્યો છે તેણે સ્થિતિ ઓર બગડવાનો ભય ઉભો કર્યો છે. જો યુરોપમાં મોંઘવારીને નાથવા માટેના કડક પગલાઓ અમલમા઼ મૂકવા પડે, ઔદ્યોગિક ઉત્પાદન ખોરવાઇ જાય અને બેરોજગારી વધે તો ત્યાં મંદીના સૂસવાટા શરૂ થઇ શકે છે.

કેટલાક દેશોમાં મુદ્રાસ્ફીતીજન્ય સ્થગનનો પણ ભય છે. ભારતમાં પણ હાલ મોંધવારી તો સખત છે જે અને રિઝર્વ બેન્ક નાણાકીય નીતિ કડક બનાવી રહી છે ત્યારે અહીં પણ આગળ જતા મંદીના વાયરા શરૂ થઇ જાય તેવો ભય વ્યક્ત કરવામાં આવે છે, જો કે નાણા મંત્રીએ સોમવારે સંસદમાં ભયને નકારતા કહ્યું હતું કે ભારતમાં મંદીનો ભય શૂન્ય છે. ભારત મંદીના અથવા તો સ્ટેગફ્લેશનના કોઇ પણ જોખમનો સામનો કરતું નથી જયારે તેના મેક્રોઇકોનોમિક ફંડામેન્ટલ્સ સંપૂર્ણ છે, એમ નાણા મંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં ભારપૂર્વક જણાવ્યું હતું. લોકસભામાં ખરેખર તો મોંઘવારી અંગેની ચર્ચા હાથ ધરવામાં આવી તેનો તેઓ જવાબ આપી રહ્યા હતા.

ભાવવધારા અંગેની ચર્ચાનો બે કલાક જેટલો લાંબો જવાબ આપતા તેમણે જણાવ્યું હતું કે ભારત વિશ્વમાં એક ઝડપથી વધતા અર્થતંત્ર તરીકે ચાલુ રહેશે, જે દાવાના ટેકામાં તેમણે વૈશ્વિક એજન્સીઓના અહેવાલો ટાંક્યા હતા. જો કે નાણા મંત્રીના જવાબથી અસંતુષ્ટ કોંગ્રેસની આગેવાનીમાં વિપક્ષો વૉકઆઉટ કરી ગયા હતા. નાણા મંત્રીએ જણાવ્યું હતું કે ભારત તેના કરતા મોટા અર્થતંત્રો કરતા સારો દેખાવ કરી રહ્યું છે અને ભારત મંદીમાં અથવા મુદ્રાસ્ફીતીજન્ય સ્થગનમાં સપડાવાનો પ્રશ્ન જ નથી. આપણે સ્ટેગફ્લેશનમાં સપડાઇએ અથવા અમેરિકાની જેમ ટેકનીકલ મંદીમાં સપડાઇએ તેવો કોઇ પ્રશ્ન જ નથી એમ નિર્મલાએ કહ્યું હતું. અમેરિકાનો જીડીપી સતત બીજા ક્વાર્ટરમાં સંકોચાયો છે. તેના નાણાકીય વર્ષના પ્રથમ કવાર્ટરમાં તે ૧.૬ ટકા અને બીજા ક્વાર્ટરમાં તે ૦.૯ ટકા ઘટ્યો છે અને આને તેઓ જેને બિનસત્તાવાર મંદી કહે છે તેની શરૂઆત માનવામાં આવે છે.

ભારત વિશે બોલતા નાણા મંત્રીએ કહ્યું હતું કે બ્લૂમબર્ગનો એક સર્વે, કે જે અર્થશાસ્ત્રીઓ દ્દારા કરવામાં આવ્યો હતો તે કહે છે કે એવી શૂન્ય શક્યતા છે કે ભારત મંદીમાં સરકી પડે, આથી ફક્ત હું જ આવુ કહેતી નથી એમ તેમણે કહ્યું હતું. જ્યારે કે એવા ઘણા મોટા અર્થતંત્રો છે કે જેઓ મંદીમાં સપડાવાનું નોંધપાત્ર જોખમ ધરાવે છે એમ તેમણે કહ્યું હતું. ભારતના મેક્રોનોમિક ફંડામેન્ટલ્સ અંગે તેમણે કહ્યું હતું કે દેશનો દેવા સામે જીડીપીનો રેશિયો જાપાન સહિત ઘણા વિકસીત દેશો કરતા વધારે છે અને જીએસટી કલેકશન આ વેરો શરૂ થયો ત્યારથી તેના બીજા સૌથી મોટા સ્તરે જુલાઇમાં પહોંચ્યું છે. ફોરેક્સ રિઝર્વ અંગે તેમણે કહ્યું હતું કે ભારત પાસે પુરતી અનામત થાપણો છે અને આર્થિક પાયાઓ સંપૂર્ણ છે. નાણા મંત્રીનો જવાબ મંદી અંગેની ચિંતાઓમાં આશ્વસન પુરુ પાડનારો છે છતાં બિલકુલ જ નચિંત કરી દઇ શકે તેવો નથી.

કોવિડના રોગચાળા પહેલાથી ભારતમાં મંદી જેવી સ્થિતિ શરૂ થઇ ગઇ હતી, રોગચાળો શરૂ થયા બાદ સખત નિયંત્રણોને કારણે સ્થિતિ ઓર બગડી, નિયંત્રણો હળવા થયા બાદ આર્થિક રિકવરી ઝડપથી આવી તેનો ઇન્કાર કરી શકાય તેમ નથી પરંતુ કેટલીક બાબતોમાં સ્થિતિ ધ્રુજરી જ રહી છે. અર્થતંત્રમાં કંઇક મજબૂતાઇ દેખાતી હતી ત્યાં રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થઇ ગયું અને તેના પછી ઇંધણના ભાવવધારા સહિતની વૈશ્વિક મોંઘવારીની અસર ભારત પર પણ પડવા માંડી. આજે છેલ્લા ઘણા મહિનાઓથી ભારતમાં ઉંચો ફુગાવો પ્રવર્તી રહ્યો છે અને રિઝર્વ બેન્ક ફુગાવાને નાથવા અનેક વખત તેના દરો વધારી ચુકી છે અને હજી વધારે તેવી શક્યતા છે. આરબીઆઇ દ્વારા કડક કરવામાં આવી રહેલી નાણાકીય નીતિ મંદી તરફ નહીં જ દોરી જાય તેવું કહી શકાય તેમ નથી. ભારતમાં બેરોજગારીનો દર નોંધપાત્ર ઉંચો છે તે બાબત પણ મહત્વની છે. આશા રાખીએ કે ભારતમાં આર્થિક મંદીની શક્યતા શૂન્ય છે તેવા નાણા મંત્રીના શબ્દો સાચા પડે પરંતુ બિલકુલ ગાફેલ થઇ જવાનું પોસાય તેમ નથી.

Most Popular

To Top