Sports

IPLમાં છવાશે સેટરડે નાઇટ ફિવર : ઇન્ડિયન્સ સામે સુપર કિંગ્સ

મુંબઈ : આવતીકાલે શનિવારે ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) 2023માં (IPL 2023) રોહિત શર્માની આગેવાની હેઠળની મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને એમએસ ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) વચ્ચે અલ ક્લાસિકો મેચ રમાશે. મુંબઈને રવિવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર દ્વારા આઠ વિકેટથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમ લગભગ એક અઠવાડિયાના આરામ પછી તાજગી અનુભવશે પરંતુ તેઓ પોતાના હોમ ગ્રાઉન્ડ પર સીએસકેનો સામનો કરવાના વધારાના દબાણ હેઠળ હશે.

વાનખેડે મેદાનના બેટિંગ-ફ્રેન્ડલી ટ્રેક પર બંને ટીમના બોલરોએ પડકારનો સામનો કરવો પડી શકે છે. ધોનીએ જો કે, આગલી બંને મેચમાં નો-બોલ અને વાઇડથી પરેશાન થઇને ટીમના બોલરોને ચેતવણી આપી હતી, જેનાથી રાજવર્ધન હંગરગેકર અને તુષાર દેશપાંડે જેવા યુવાનો દબાણમાં આવશે. પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ સામેની મેચમાં ચેન્નાઈનો વિજય મોઈન અલી અને મિશેલ સેન્ટનર જેવા સ્પિનરો કેટલા અસરકારક રહે તેના પર પણ નિર્ભર રહેશે. સીએસકે પ્લેઇંગ ઇલેવનમાં યોર્કર સ્પેશિયાલિસ્ટ સાઉથ આફ્રિકન ઝડપી બોલર સિસાંડા મગાલાને સમાવવાનું વિચારી શકે છે, જો એમ થશે તોસેન્ટનરને બહાર બેસવું પડી શકે છે.

આવતીકાલની મેચમાં મુંબઈના કેપ્ટન રોહિત શર્મા પર બધાનું ધ્યાન વધુ રહેશે. ગત સિઝનમાં તે બેટનો જાદુ બતાવવામાં નિષ્ફળ રહ્યો હતો. તેણે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ઝડપી શરૂઆત કરી પરંતુ તેની ઇનિંગ્સને મોટા સ્કોરમાં ફેરવવામાં નિષ્ફળ રહ્યો હતો. વાનખેડેની બાઉન્ડ્રી નાની છે અને આવી સ્થિતિમાં અનુભવી જોફ્રા આર્ચર, અરશદ ખાન, કેમેરન ગ્રીન જેવા બોલરોને રુતુરાજ ગાયકવાડ અથવા ડેવોન કોનવેની ચેન્નાઈની ઓપનિંગ જોડીને રોકવી પડકારજનક લાગશે.

Most Popular

To Top