Sports

ભારતીય મહિલા ટીમે બીજી ટી-20માં ઓસ્ટ્રેલિયાને સુપર ઓવરમાં હરાવ્યું: શ્રેણી 1-1 થી બરાબર

નવી મુંબઈ: ભારતીય મહિલા ક્રિકેટ ટીમે (Indian Women’s Cricket Team) રવિવારે અહીં બીજી ટી-20માં ઓસ્ટ્રેલિયાને (Australia) સુપર ઓવરમાં (Super Over) હરાવીને પાંચ મેચોની સીરિઝ 1-1થી બરાબર કરી લીધી હતી. આ સાથે ભારતે છેલ્લી 16 ટી-20 મેચોથી ચાલતા ઓસ્ટ્રેલિયાના વિજય અભિયાન પર પણ બ્રેક મારી હતી. 2022માં કોઈપણ ફોર્મેટમાં ઓસ્ટ્રેલિયાની આ પ્રથમ હાર રહી હતી.ઓસ્ટ્રેલિયાના 188 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ભારતે સ્મૃતિ મંધાનાએ 79 રનની ઇનિંગ રમવા ઉપરાંત 34 રન કરનારી શેફાલી વર્મા સાથે પ્રથમ વિકેટ માટે 76 રનની અને હરમનપ્રીત કૌર સાથે 61 રનની ભાગીદારી કરી હતી. વિકેટકીપર ઋચા ઘોષ અને દેવિકા વૈદ્યે મેચને ટાઈ કરાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

ઋચા 13 બોલમાં 3 છગ્ગા સાથે નોટઆઉટ રહી
ઋચાએ 13 બોલમાં 3 છગ્ગા સાથે નોટઆઉટ 26, અને દેવિકાએ પાંચ બોલમાં નોટઆઉટ 11 રન કર્યા હતા. ભારતે ઈતિહાસમાં પોતાની પ્રથમ સુપર ઓવરમાં ઋચા અને સ્મૃતિ સાથે શરૂઆત કરી હતી. ઋચાએ હિથરના પહેલા બોલ પર છગ્ગો ફટકાર્યો હતો પરંતુ પછીના બોલે આઉટ થઇ હતી. સ્મૃતિએ ચોથા બોલ પર ચોગ્ગો અને પછીના બોલ પર છગ્ગો અને અંતિમ બોલ પર ત્રણ રન લેતા ભારતે કુલ 20 રન બનાવ્યા હતા. તેની સામે ઓસ્ટ્રેલિયા માત્ર 16 રન જ બનાવી શકતાં ભારત મેચ જીત્યું હતું.

તેજ બોલર રેણુકા ઠાકુરે શાનદાર બોલિંગ કરી
ઓસ્ટ્રેલિયા તરફે એલિસા હીલી અને એશ્લે ગાર્ડનર બેટિંગ કરવા ઉતર્યા હતા. હીલીએ રેણુકાના પહેલા બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. હીલીએ બીજા બોલ પર બે રન બનાવ્યા. ત્રીજા બોલ પર રેણુકાએ ગાર્ડનરને રાધાના હાથે કેચ કરાવ્યો હતો આ પછી તાહિલા મેકગ્રા બેટિંગ કરવા આવી હતી. ચોથા બોલ પર મેકગ્રાએ સિંગલ લીધો હતો. હીલીએ પાંચમા બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો તે જ સમયે હીલીએ છેલ્લા બોલ પર સિક્સર ફટકારી હતી પરંતુ ઓસ્ટ્રેલિયા આ સાથે કુલ 16 રન જ બનાવી શકી હતી.

જીત સાથે ભારતીય ટીમે શ્રેણીમાં 1-1થી બરાબરી કરી
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ 20 ઓવરમાં એક વિકેટ ગુમાવીને 187 રન બનાવ્યા હતા. મૂનીએ અણનમ 82 અને તાહિલા મેકગ્રાએ અણનમ 70 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમ પણ 20 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 187 રન બનાવી શકી હતી. સ્મૃતિ મંધાનાએ 79 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ રીતે મેચ સુપર ઓવરમાં પહોંચી હતી. આ જીત સાથે ભારતીય ટીમે શ્રેણીમાં 1-1થી બરાબરી કરી લીધી છે. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ મેચ નવ વિકેટે જીતી હતી.

Most Popular

To Top