બિહારના જમુઈ જિલ્લામાં દસમા ધોરણમાં અભ્યાસ કરતા એક સગીર વિદ્યાર્થી અને વિદ્યાર્થીની કોચિંગ ક્લાસથી પરત ફરી રહ્યા હતા ત્યારે મડવા પહાડ નજીક અસામાજિક તત્વોના ટોળાએ તેમને આંતરીને ગંભીર રીતે હેરાન કર્યા હતા.વાયરલ થયેલા વીડિયોમાં જોવા મળે છે કે મડવા પહાડથી પરત ફરી રહેલા વિદ્યાર્થીઓના સ્કુટરને બદમાશોએ તેમની સાથે ગાળાગાથી કરી, મારામારી કરી અને સગીરાની છેડતી કરી હતી. હાથ જોડીને કરગરી રહેલી સગીરા સાથે બદમાશોએ શારીરિક ખેંચતાણ કરી અને બંને પાસે બળજબરીપૂર્વક માફી મગાવી હતી. આ શરમજનક ઘાતકી ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર દેશમાં ભારે જનઆક્રોશ ફાટી નીકળ્યો હતો.
આ ઘટના અંગે તાત્કાલિક સંજ્ઞાન લેતા જમુઈ પોલીસે સબ-ડિવિઝનલ પોલીસ ઓફિસર દીપ્તિ મોનાલીના નેતૃત્વમાં એક સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરી હતી. વાયરલ વીડિયો અને વાહનના રજિસ્ટ્રેશન નંબરના આધારે પોલીસે પીડિતોનો સંપર્ક કરીને જમુઈ પોલીસ સ્ટેશનમાં POCSO એક્ટ અને BNSની સંબંધિત કલમો હેઠળ એફઆઈઆર (FIR) નોંધી હતી. પોલીસે વીડિયોમાં દેખાતા સાત આરોપીઓની ઓળખ કરીને ત્રણ અસામાજિક તત્વોની અટકાયત કરી લીધી છે, જ્યારે બાકીના આરોપીઓને ઝડપી પાડવા માટે દરોડા પાડવામાં આવી રહ્યા છે.બિહાર રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષ અપ્સરા મિશ્રાએ આ ઘટના અંગે જમુઈ જિલ્લા પ્રશાસન પાસે વિગતવાર અહેવાલ માગ્યો છે. તેમણે જમુઈના ડીએમ સાથે વાત કરી હતી.
કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષોના રાજ્ય સરકાર પર આકરા પ્રહારો
લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ આ ઘટનાને અત્યંત વિચલીત કરનારી ગણાવી ભાજપ સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો અને આરોપીઓ સામે પૉક્સો હેઠળ કડક કાર્યવાહીની માંગ કરી હતી. ‘અંધભક્તો’ના કારણે આવી માનસિકતા સામાન્ય બની રહી છે અને ભાજપ સરકાર સામે સવાલ ઉઠાવ્યો હતો કે જાહેર રસ્તાઓ પર દીકરીઓ કેમ સુરક્ષિત નથી.આ સિવાય આરજેડી નેતા તેજસ્વી યાદવે રાજ્યમાં ફેલાયેલી અરાજકતા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જવાબદાર ઠેરવ્યા હતા.
આમ આદમી પાર્ટી અને તૃણમૂલ કોંગ્રેસે પણ કાયદો અને વ્યવસ્થાના મુદ્દે રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. બીજી તરફ, ભાજપના પ્રવક્તાએ પીડિતોની ફરિયાદ વગર જ તપાસ શરૂ કરવા બદલ પોલીસની સક્રિયતાની પ્રશંસા કરી હતી. કેન્દ્રીય મંત્રી અને જેડીયુના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજીવ રંજન સિંહે કહ્યું કોઈ એક છૂટાછવાયા બનાવના આધારે સમગ્ર બિહારની કાયદો-વ્યવસ્થાને જજ કરી શકાય નહીં, અને આવા કિસ્સામાં પોલીસ તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરી રહી છે.