પટિયાલા, દક્ષિણ પંજાબ, દિલ્હી અને હરિયાણા ચાર રાજ્યોમાંથી ભારતની પ્રથમ કક્ષાની 157 રણજી ટ્રોફી મૅચો રમનાર અને વિક્રમી 637 વિકેટ ઝડપનાર ડાબોડી લેગ સ્પિનર રાજિન્દર ગોયલનો જન્મ 20/9/1942ના રોજ થયો હતો. કોચ કિશન દયાલના આ શિષ્યે શાળાકીય સ્તરે સુંદર રમત બતાવતા 1958માં પટિયાલા તરફથી રણજી ટ્રોફી રમવાનું શરૂ કર્યું હતું. પછી દક્ષિણ પંજાબ, 1963માં દિલ્હી અને 1973માં હરિયાણાની ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું. 1964-65ની સિઝનમાં તેમણે સિલોન સાથેની બિનસત્તાવાર ટેસ્ટમાં 33 રનમાં 4 વિકેટ લીધી હોવા છતાં, કાયમ બિશનસિંહ બેદીની મજબૂત દાવેદારીના કારણે વિક્રમી વિકેટો લેવા છતાં તેઓ ટેસ્ટ રમી શક્યા નહોતા. પ્રથમ કક્ષાની મૅચોમાં 39,929 દડા નાખીને તેમણે કુલ 750 વિકેટ લીધી હતી, જેમાં 55 રનમાં 8 વિકેટ તેમનું શ્રેષ્ઠ પ્રદર્શન હતું. તેમણે 59 વખત 5 વિકેટ અને 18 વાર 10 વિકેટ ઝડપવાની સિદ્ધિ મેળવી હતી. બોલિંગ કરતી વખતે બેટ્સમેનની આંખમાં આંખ પરોવી ફ્લેટર ટ્રેજેક્ટરીથી દડો ફેંકતા ગાવસ્કર પણ તેમની સામે આગળ વધીને ડ્રાઇવ નહોતા કરી શકતા. હરિયાણા અને ભારતની જુનિયર ટીમના સિલેક્ટર રહેલા ગોયલ એસબીઆઇના કર્મચારી પણ હતા. તેમનું અવસાન 21/6/2020ના રોજ 78 વર્ષની વયે થયું હતું.
સુરત – સુરેન્દ્ર દલાલ
જીવનનું આયોજન
સફળતાની ટોચ ઉપર સ્થિત પ્રત્યેક મહાપુરુષોના જીવનનો એક માત્ર શ્રેષ્ઠ સંદેશ એટલે ‘જીવનનું આયોજન’. કારકિર્દી હોય કે નોકરી, અભ્યાસ હોય કે તાલીમ,સંબંધો હોય કે આર્થિક ઉપાર્જન. જીવનના પ્રત્યેક પાસાઓ માટે આયોજનની તૈયારી સાથે સજ્જ અને તેના અમલ માટે કાર્યરત રહેતા માનવીને ક્યારેય પછડાટનો સામનો કરવો પડતો નથી. જ્યારે કોઈ પણ પ્રકારના આયોજન વિના અર્થાત્ દિશાવિહીન જીવન જીવતા માનવીને જીવનમાં સમય અને સુખ બન્નેનો અભાવ સતાવે એ સહજ છે.
સુરત – દિપ્તી ટેલર