Comments

સ્ત્રી વિશે પુરુષો બદલાશે તો સ્ત્રીની સ્થિતિ બદલાશે

બાળકોને ૧ થી ૧૮ વર્ષની ઉંમર તેના મસ્તિષ્ક અને શરીરના બંધારણીય વિકાસનો સમયગાળો હોય છે, પરંતુ ગરીબીવશાત્ તેઓ અપૂરતા પોષક આહારને પરિણામે શારીરિક અને માનસિક રીતે અવિકસિત રહી જાય છે. આ પરિસ્થિતિમાં શહેરલક્ષી બજારવ્યવસ્થા પૂર્તતા કરે છે અને બને એવું છે કે ગામડાંઓમાં ઉત્પન્ન થતાં દૂધ, શાક, ફળ, તેલીબિયાં જેવા ખાદ્ય પદાર્થો રોજેરોજ શહેરોમાં ખેંચાઈ જાય છે.

તેથી ગ્રામ બાળકો પોતાના પર્યાવરણમાં ઉત્પન્ન થતાં પૌષ્ટિક આહારથી મહદ્ અંશે વંચિત રહી જાય છે. ગામડાનું બાળક શહેરી સમાજનાં બાળકોની સરખામણીમાં નબળું રહી જતુ જોવા મળે છે. વસ્તીના ભારણ સાથે માળખાગત સુવિધાનો અભાવ, સંચાર માધ્યમોના વધતા પ્રભાવ સાથે આમલોકોની ભૌતિક સુવિધા પ્રત્યેની અપેક્ષામાં વધારો, જેવી પરિસ્થિતિ વચ્ચે ગામડાંઓમાં પુરુષવર્ગમાં સ્થિર આવકનાં સાધનો ઘટયા છે અને વ્યસનો વધ્યા છે. પરિણામે સ્ત્રીઓને રોજગાર માટે પોતાના ગામથી દૂરના સ્થળે જવા-આવવાનું બને છે ત્યાં તેઓનું વ્યાપક રીતે જાતીય શોષણ થવાની ફરિયાદો પણ ધ્યાનમાં આવી રહી છે.

ગામડાની બહેનોમાં સ્વ-આરોગ્ય વિષયે ગંભીર ગેરસમજે છે તેની પ્રતીતિ સાથોસાથ બેરોજગારી તેમજ જીવનનિર્વાહની માળખાગત સુવિધાઓના અભાવે બહેનોમાં કુપોષણ, નિરક્ષરતા અને આરોગ્યલક્ષી મુશ્કેલીઓ આવતી હોવાનું ધ્યાનમાં પણ આવ્યું. આથી સ્ત્રીઓની સામાજિક, આર્થિક, આરોગ્યલક્ષી, રોજગારલક્ષી શિક્ષણ અને વ્યવસાયને લગતી માહિતીને આવરી લેતું સર્વેક્ષણ આ લેખકે કર્યુ. જેની સંકલિત વિગતોના આધારે જોઈ શકાય છે કે ગામડાંઓમાં બહેનોની નિર્બળ પરિસ્થિતિ પાછળ માળખાગત સુવિધાનો અભાવ પણ મહત્ત્વનું  પરિબળ બને છે.

આશ્રમ શાળા જેવી શિક્ષણ વ્યવસ્થા ન હોવાથી યુવતીઓની શક્તિ અને સમય રસોઈ માટે બળતણ એકઠું કરવા કે ખેતરમાં પૂરક શ્રમિક તરીકે કામ કરવામાં ખર્ચાય છે. ગામડાંઓમાં ઘરવપરાશ માટે, રસોઈ માટે અને ઘરના પુરુષોને નાહવા-ધોવા માટે પાણી લાવવાની જવાબદારી બહેનોની રહે છે અને ખડકાળ કે કોતર પ્રદેશમાં તો નદીનાળેથી પાણી લાવવું મુશ્કેલ રહે છે. છતાં, પણ પરંપરાગત રીતે આ કામ બહેનો જ કરે છે. આથી ૬૫ ટકાને બહેનોને કમરના દુઃખાવાની ફરિયાદ રહે છે. ૮ ટકા કિસ્સામાં કસુવાવડ થયાનું જણાયું છે. આ સ્થિતિનો ઉપાય શો હોઈ શકે? તેના ઉત્તર તરીકે ગ્રામ્ય બહેનોએ જણાવ્યું કે અમને સ્ટૅન્ડ  પૉસ્ટથી પાણી આપો અથવા ફળિયા આસપાસ ડંકી નાખી આપો.

પ્રાથમિક સુવિધાનો અભાવ જોતાં ગામડાંઓમાં શૌચાલયો અને બંધ નાવણિયાની સગવડ આપવી જરૂરી બને છે. એટલું જ નહીં, પણ શકય હોય ત્યાં બાયોગૅસ અને છેવટે નિર્ધમ ચૂલા મૂકીને બહેનોની આંખ અને ફેફસાના સ્વાસ્થ્યની જાળવણીનું કામ થઈ શકે. સવિશેષ શારીરિક બીમારી કે પ્રસૂતા સ્થિતિમાં બહેનોને જે શારીરિક ત્રાસ વેઠવો પડે છે તે પુરુષપ્રધાન વિકાસ-વિચારની નજરમાં બેસતો નથી. તેનું ઘણું દુ: ખ ગ્રામબહેનોની આંખોમાંથી ટપકે છે.

વસ્તી નિયંત્રણનો મહિમા મોંઘવારીએ સાંગો-પાંગ સમજાવી દીધો છે. જાતીય જીવન સંબંધે અનેક સાચા-ખોટા ખ્યાલો વચ્ચે પણ યુવતીઓ ૧-૨ પુરુષબાળક અને એકાદ સ્ત્રીબાળકથી કશુ વધું સારું નથી તેમ સમજે-જાણે છે. પરંતુ તેની પાસે અટકાવનો ઉપાય નથી. ગામડાંઓમાં પરિણીતોને અલાયદું સૂવાનું ઠેકાણું નથી. આથી તેઓના જીવનમાં અનર્થ વધી રહ્યાનું જણાવે છે. નબળી જમીન, અનિયમિત વરસાદ, મોંઘુ બિયારણ, ખાતર, ખેતની દવા અને કલાકના રૂ.૧૪ થી ૩રના ભાવે વહેંચાતું ખેતીનું પાણી જેવા પ્રશ્નોના કારણે હવે બિનસિંચાઈ વિસ્તારોમાં ખેતી, શાક-રોટલાના સાધન પૂરતી મર્યાદિત રહી છે. આથી ના છૂટકે બહેનોને પણ ઘરખર્ચ કમાવામાં ભાગીદાર થવું પડે છે.

અભ્યાસના વિસ્તારની જાતતપાસ અનુસાર ૯૦ યુવતીઓ પોતાની ખેતીમાં કામ કરીને મહિને અંદાજિત રૂ.૩૫૦૦થી ૪૫૦૦ની મદદ કરે છે. જ્યારે ૬૯ બહેનો મજૂર તરીકે બીજાનાં ખેતરોમાં શ્રમફાળો આપે છે અને મહિને ૫૦૦૦ સુધી આવક મેળવે છે. ઘરકામ ઉપરાંત આર્થિક બોજ સહન કરતી આ બહેનો પૈકીની ૮૦ ટકા બહેનો પોતાની આવક સંપૂર્ણપણે ઘર અને બાળકો માટે વાપરે છે. ગ્રામબહેનોમાં તમાકુ-બીડી જેવાાં વ્યસનનું પ્રમાણ માત્ર ૧૯ ટકા જોવા મળે છે. આદિવાસી વિસ્તારમાં રહેવા છતાં યુવતીઓમાં દારૂનું વ્યસન નોંધાયું નથી. ગામડાંઓની બહેનોમાં સચવાઈ રહેલ સંસ્કાર ધ્યાાન ખેંચે છે.

આર્થિક ખેંચવશાત્ મજૂર તરીકે પોતાના શ્રમને વેચતી યુવતીઓ જાતીય શોષણનો ભોગ બને છે જેની વિગતો નજીકના આરોગ્યકેન્દ્ર પરથી મળતા ગર્ભપાતના આંકડા ઉપરથી જણાય છે. ઉપરાંત ગામડાંઓ જાતીય રોગોનું પ્રમાણ વધી રહ્યાનું પણ જોવા મળે છે. આવી સ્થિતિના નિવારણ માટે ખેતીમાં સિંચાઈની સુવિધા, ખેતીમાં પેસ્ટિસાઈડના ખાતરના અસરકારક ઉપયોગ અંગે તાલીમ કપાસ, તુવેરની સાંઠીમાંથી બદામી કોલસા પ્રકારના ખેત આધારિત પૂરક વ્યવસાયની તાલીમ ગ્રામીણ બહેનોના શોષણને અટકાવનાર બનશે તેમ જણાય છે. સવિશેષ શ્રમિક સ્ત્રીની આર્થિક લાચારીનું શોષણ થતું અટકશે.

સ્ત્રીઓના અસ્તિત્વ સાથે ઘનિષ્ટ રીતે સંકળાયેલ બાબત તેની રી-પ્રોડક્ટિવીટી છે. પરંતુ પુરુષપ્રધાન સામાજિક રૂઢિગતતા અને ગામડાંઓના અનિશ્ચિત વાતાવરણને કારણે ૧૮ થી ૨૧ વર્ષની ઉંમર દરમિયાન ૩૦ ટકા યુવતીઓનાં લગ્ન કરાવી દેવામાં આવે છે અને ૨૫ વર્ષ પછી તો ભાગ્યે જ કોઈ યુવતી લગ્ન વિના રહી જાય છે. ગામડાંઓમાં લગ્ન બાદ પહેલે જ વર્ષે પ્રસૂતા બનતી યુવતીઓની સંખ્યા ૧૯ ટકાથી વધુ છે.

અપરિપકવ ઉંમરે માતા બનતી યુવતીઓમાં બાળમૃત્યુનું પ્રમાણ ૨૩ ટકા છે અને લગ્નોત્તર પ્રમાણ જાતીય બીમારીનું પ્રમાણ ૫૩ ટકા નોંધાયું છે. અભ્યાસની માત્ર ૧૩ ટકા બહેનો સ્વાસ્થ્ય અંગેનાં ધોરણો મુજબ તંદુરસ્ત જણાઈ છે. કુટુંબ નિયોજનની ઈચ્છા હોવા છતાં ૨૧ ટકા બહેનો ૩૦-૩૨ વર્ષની ઉંમરે પહોંચતા સુધીમાં ૪થી ૬ બાળકોનો ભાર સહન કરતી અબળા બની રહે છે. ઉપાયે કિશોરી અવસ્થામાં જ સ્ત્રી-શરીરની જાણકારી, કુટુંબ નિયોજનનાં સાધનોના ઉપયોગની માહિતી, આરોગ્ય કેન્દ્ર ખાતે સ્ત્રી ડૉકટરની સુવિધા આપવાની આવશ્યકતા રહે છે.

બહેનો માટે માળખાગત સુવિધાઓના નિર્માણથી ગ્રામ્ય પુરુષો અને સ્ત્રીઓની માનસિકતામાં બદલાવ આવશે. પતિ સાથેના ઝઘડાનું પ્રમાણ ઘટશે. ગામડાંમાં સ્ત્રીઓની ગૃહત્યાગ, પુનઃ વિવાહ કે આડસંબંધોની સામાજિક ગૂંચવણો ઘટશે. સ્વસ્થ સ્ત્રી, સ્વસ્થ બાળક અને વ્યસનમુક્ત પતિના સર્જનમાં યોગદાન આપી શકે છે તેવો પ્રતિસાદ યુવતીઓએ પોતાના અનુભવો અને વિશ્વાસ આધારે આપ્યો છે. સ્ત્રીશક્તિકરણના રાષ્ટ્રિય અભિયાનના આહ્વાને બહેનોને નિર્ણયસત્તામાં ભાગીદાર કરવાનું પગલું લોકશાહીને મજબૂત કરશે, પરંતુ તેની શરૂઆત સ્ત્રીના સ્વાસ્થ્યથી થશે તો જ સામાજિક માળખામાં ચેતનાનો સંચાર થશે.
ડો.નાનક ભટ્ટ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top