Comments

કાશ્મીરમાં ભેદ ભરમ ક્યાં સુધી?

નવરચિત જમ્મુ-કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશની વિધાનસભાની સૌ પ્રથમ ચૂંટણી હવે જલ્દીથી યોજાશે. સવાલ સહેલો છે, પણ અઢી વર્ષે પણ જવાબ સહેલો નથી. જમ્મુ-કાશ્મીરને રાજ્યત્વમાંથી નીચી પાયરી પર ઉતારી કેન્દ્રશાસિત પ્રદેશ બનાવ્યાને અને આ રાજ્યને વિશિષ્ટ દરજ્જો આપતી બંધારણની કલમ-370ને નાબૂદ કર્યાને અઢી વર્ષ થઈ ગયાં. જમ્મુ-કાશ્મીરના મામલામાં શાસન હવે શું કરવા માંગે છે? અને ક્યારે કરવા માંગે છે તે જાણવાનું સરળ નથી. ઈતિહાસ કહે છે શાસકો અને રાજકીય નેતાઓનું વલણ ભેદી હોવાથી પરિસ્થિતિ વધુ જટિલ અને ભેદી બને છે. એક વખતના મહારાજા હરિસિંહથી માંડીને તે સમયનાં વડા પ્રધાન શેખ અબ્દુલ્લા અને હાલનાં નેતા ગુલામ નબી આઝાદ સુધી સૌની વિચારસરણી અલગ રહી છે પણ સમાન પરિબળ રહ્યું છે.

કેમ? સામાન્ય અને ધારદાર વહીવટી અને રાજદ્વારી અને રાજકીય અભિગમથી આ સમસ્યા ઉકેલવાની ચોખ્ખી જરૂરિયાત વર્તાય છે ત્યારે કુલડીમાં ગોળ ભાંગવાની રીતે ભેદી અભિગમ કેમ રખાય છે. આઝાદનાં નવા સ્થપાતા પક્ષના નેતા તરીકે ઉપસી રહ્યુ છે તોય હજી ભેદભરમ ચાલુ છે. પહેલાં તો આ પક્ષને યોગ્ય વાઘા પહેરવાં છે. ડેમોક્રેટીક આઝાદ પક્ષ તરીકે નામ પડાયેલાં આ પક્ષનુ નવું નામ પ્રોગ્રેસિવ આઝાદ પક્ષ રખાયું છે. કારણ કે ચૂંટણી પંચે વાંધો ઉઠાવ્યો કે આ ડેમોક્રેટીક આઝદ પક્ષ શું છે? હજી નામ બદલાય તો નવાઈ નહીં.

બીજી વાત એ છે કે આ કેન્દ્રશાસિત પ્રદેશ સાથે સંલગ્ન મુદ્દા અને બંધારણની કલમ-370ના વિસર્જન અંગે આઝાદ થોડી થોડી વારે વલણ બદલ્યા કરે છે. આઝાદ શાસક ભારતીય જનતા પક્ષના ખોળામાં બેસી ગયા હોવાના વિરોધીઓના આક્ષેપો વચ્ચે હવે કંઈ આઝાદની સાન ઠેકાણે આવતી લાગે છે. તેમણે જમ્મુ-કાશ્મીરને રાજ્યત્વનો દરજ્જો પાછો આપવાની અને વિશિષ્ટ દરજ્જો પણ પાછો આપવાની માંગ કરી છે અને કહ્યું કે આ પ્રદેશનાં લોકોને રોજગારી અને જમીનનાં હક્કો પાછા અપાય તે માટે હું મક્કમ છું. એક ટેલિવિઝન મુલાકાતમાં આઝાદે જમ્મુ-કાશ્મીરના વિશિષ્ટ દરજ્જાને દૂર કરવાનાં ભારતીય જનતા પક્ષના નિર્ણયને વખોડતાં કહ્યું કે આ નિર્ણયથી લોકોનાં જીવનમાં કોઈ હકારાત્મક ફેરફાર આવ્યો નથી. ઉલટાની ખાસ કરીને બંધારણની કલમ-370ની નાબૂદી પછી પરિસ્થિતિ વણસી છે, કોઈ વિકાસકાર્યો થયાં નથી અને લોકો હતાશ થયાં છે.

તેમની આ મુલાકાતથી રાજકીય નિરીક્ષકોને આશ્ચર્ય થયું છે. બંધારણીય કલમ-370ની નાબૂદીને પડકારતી અરજીની સુનાવણીને વહેલી હાથ ધરવાનાં સુપ્રીમ કોર્ટનાં નિર્ણયથી આઝાદને જોર આવ્યું છે. આઝાદ કહે છે કે સુપ્રીમ કોર્ટ જ જમ્મુ-કાશ્મીરનાં લોકોને ન્યાય આપી શકે છે અને લોકોનાં હિતોની રક્ષા કરી શકે છે.આ સંબંધમાં આઝાદના પક્ષમાં પ્રવક્તાની પ્રતિક્રયા આપી પણ આઝાદે તો ફેસબુક પર પોતાના નિવેદનને ચગાવ્યા છે. પક્ષનું વલણ શું છે તેનું રહસ્ય હજુ ઉકેલાયું નથી. આ જ મુલાકાતમાં આઝાદે વધુ એક વિવાદાસ્પદ નિવેદન કર્યું અને કહ્યું કે તે સમયની કોંગ્રેસની આગેવાની હેઠળની યુપીએ સરકારે જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી તરીકે મેં મોકલેલા અહેવાલ પર કોઈ પગલાં લીધાં નહીં.

મેં જેમાં કેટલાક કાશ્મીરી રાજકીય નેતાઓ અને ત્રાસવાદી જૂથ્થો વચ્ચેના સંબંધોની માહિતી આપી હતી. આ લોકો બેવડી રમત રમતા હતાં. તે વખતનાં વડા પ્રધાન ડો. મનમોહનસિંહ અને ગૃહ પ્રધાન શિવરાજ પાટીલે કોઈ પગલાં લીધાં નહીં. મારી માહિતી નક્કર અને પુરાવા આધારિત હતી. પણ પાણીમાં ગઈ. જો કે ડો. મનમોહનસિંહની સરકાર ત્રાસવાદી જૂથ્થો પ્રત્યે કૂણી લાગણી ધરાવતી હતી. એમ નથી કહેતો પણ કેટલાંક મુખ્ય કાશ્મીરી નેતાઓ બેવડી રમત રમતાં હતાં અને કેન્દ્ર સરકારને પોતે દેશભક્ત હોવાનું કહી મૂર્ખ બનાવતાં હતા.

આ લોકો કોણ હતા? તેઓ હજી પણ હયાત અને સક્રિય છે. આઝાદે મોં સીવી લીધું છે. આઝાદે ભારત પાકિસ્તાનના મામલામાં દખલ નહીં કરીને મુખ્ય પ્રધાન પદ દરમિયાન પણ સમતોલ વલણ દાખવ્યું હતું અને કહ્યું હતું કે પાકિસ્તાનમાં સૈન્ય રાજ કરે છે ત્યાં સુધી બંને દેશો વચ્ચેના સંબંધ નહીં સુધરે. ગૃહ પ્રધાન અમિત શાહ સાથે સંમત થઈ તેમણે કહ્યું કે ભારત કાશ્મીરના મામલે પાકિસ્તાન સાથે નહીં પોતાનાં લોકો સાથે વાત કરશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top