Comments

સંદર્ભગ્રંથો તરફ વિદ્યાર્થીઓ કઈ રીત વળે?

આપણા શિક્ષણજગતમાં અનેક ઊણપો હશે. પણ આજે વાત કરવી છે શિક્ષણના બે આધાર ભણાવનાર અને ભણનાર વિશે. શિક્ષણના પાયમાં છે જાણવાની ભૂખ… જિજ્ઞાસા.. અને આ ભૂખ જ ન હોય તો શિક્ષણ માત્ર ઔપચારિક ગોખણપટ્ટી કે માહિતી બનીને રહી જાય છે. હવે આ જાણવાની ઈચ્છા… એ શિક્ષક (અધ્યાપક) કે વિદ્યાર્થી બન્ને બાજુએ હોવી જરૂરી છે. વળી આ જિજ્ઞાસા ઉછીની મળતી નથી. તેના ઈજેક્શન નથી આપી શકતા કે ન સંચાલકો, વાલીઓ કે સરકાર તે પરાણે શિક્ષક-વિદ્યાર્થીમાં રોપી શકે છે. ‘જિજ્ઞાસા’તો અંદરથી જન્મે છે. શિક્ષકની જવાબદારી છે. તે વિદ્યાર્થીમાં ‘જિજ્ઞાસા’ જન્માવે અને વિદ્યાર્થીની જવાબદારી છે કે તે ‘જિજ્ઞાસા’ને પાળે, પોષે અને મોટી કરે!

આપણાં ઔપચારિક શિક્ષણમાં શાળા કક્ષાએ પાઠ્યક્રમ અને પાઠ્યપુસ્તક નક્કી જ હોય છે જ્યારે કોલેજ, યુનિવર્સિટી કક્ષાએ હોય છે માત્ર ‘‘સિલેબસ’’અભ્યાસક્રમ અને તે અનેક સંદર્ભ ગ્રંથોમાં વહેંચાયેલો હોય છે. પણ ભારે દુ:ખ સાથે કહેવું પડે છે કે હવે ઉચ્ચ શિક્ષણ પણ બે પૂંઠા વચ્ચેની ‘‘ટેક્સબુક્સ’’અને પ્રશ્નોતરી સ્વરૂપે લખાતી ‘‘ગાઈડ’’જ ચલણ છે. વિદ્યાર્થી તો અભ્યાસ મટીરીયલ તરીકે કદાચ આ પ્રકારની ‘‘પુસ્તિકાઓ’’વાપરે, પણ અધ્યાપકોમાં પણ આ નો વપરાશ વધતો જાય છે તે દુ:ખદ છે. ખેર, આપણે ન ટીકા કરવા માંગીએ છીએ ન ઉપદેશ આપવા માંગીએ છીએ, આપણે તો એવા ઉપાયો વિચારવા માંગીએ છીએ કે જેનાથી ‘જિજ્ઞાસા’વધે,ટકે! વિદ્યાર્થીમાં પણ, શિક્ષક, અધ્યાપકમાં પણ. સતત અભ્યાસુ અધ્યાપકો ફરિયાદ કરે છે કે હવે વિદ્યાર્થીઓ જ ક્લાસમાં પરીક્ષાલક્ષી માહિતી માગે છે. ‘‘પાત્રતા વિના જ્ઞાન નહીં’’એ જૂના નિયમ મુજબ નવું કશું આપવાનું મન થતું નથી!

તો આવી ફરિયાદ કરનારા મિત્રો માટે કહેવાનું કે તમારો અભ્યાસ ચાલુ જ રાખો, નિરાશ ન થાવ. માત્ર વર્ગખંડમાં થોડા પ્રયત્ન વધારી શકો તો વધારો. જે મુદ્દો કે નિયમ ભણાવીએ છીએ તે મૂળ વિચાર ક્યાંથી આવ્યો. કયા પુસ્તકમાં તે રજૂ થયો. તે સમયનો ઈતિહાસ થોડું સર્જનનું વર્ણન જો કરી શકશો તો વિદ્યાર્થીમાં આ નિયમ જ્યાં છે તે મૂળ પુસ્તક વિશે માહિતી મેળવવાનું મન થશે. વિજ્ઞાન-ભૂગોળ-કે અર્થશાસ્ત્ર જેવા વિષયોમાં પણ રસપ્રદ વાર્તાકથન દ્વારા જિજ્ઞાસા જગાડી શકાય છે. જેમકે ગુરુત્વાકર્ષણનો ન્યૂટનનો નિયમ જ્યાં ભણાવાય ત્યાં ન્યૂટન વિષે, ગુરુત્વાકર્ષણ વિશે આ પહેલાં થયેલા સંશોધન વિશે. એક ઐતિહાસિક ઘટનાક્રમ વાર્તાની જેમ વર્ણવો.

અર્થશાસ્ત્રમાં મૃત્યુદર એ આંકડો છે. પણ ‘‘આંકડામાં વાર્તા ઉમેરવાથી તે રસપ્રદ બને છે. જેમકે ભારતમાં મૃત્યુદર સતત ઘટતો ગયો છે માટે જ ચોખ્ખો વસ્તી વિસ્ફોટ સર્જાયો છે. આ વાત સમજાવતાં મૃત્યુદર ઘટવાનાં કારણોની ચર્ચામાં હોનારતો, દુકાળ, રોગચાળાનો ઐતિહાસિક ઘટનાક્રમ વર્ણવો તો વિદ્યાર્થીને આપોઆપ આ મુદ્દાને વધારે સારી રીતે જાણવાનું મન થશે! મોરબી હોનારત, પ્લેગ, છપ્પનિયો દુકાળ… આ સમયનું ભારત તેની ભૌતિક સુવિધાઓ અને આજના સમયમાં આવી જ દુર્ઘટના થાય તો? આ તફાવત કોઈને પણ રસપ્રદ રીતે વર્ણવી શકાય!

શિક્ષણના ક્ષેત્રમાં માતા-પિતાની ઉપેક્ષા સતત વધતી જાય છે. ખબર નહીં, પણ કેમ આપણાં બાળકો સાથે બેસીને શાળા કોલેજમાં શું ભણાવાય છે. તેની ચર્ચા આપણે કરતા નથી. માતા-પિતા પણ બાળકમાં જિજ્ઞાસા સર્જી શકે છે. પ્રશ્નો પૂછી શકે છે. માહિતી આપી શકે છે! બાળક શાળા કોલેજમાં જે ભણે છે તેની સાથે વાત કરીએ તો કાં તો આપણને નવું જાણવા મળે અથવા આપણે તેની જાણકારીમાં ઉમેરો કરી શકીએ!

‘‘વાચન’’જિજ્ઞાસા વધારવા અને સંતોષવામાં ખૂબ મદદરૂપ થાય. પણ ‘‘વાંચે ગુજરાતના’’આટલા મોટા અભિયાન પછી પણ તે માત્ર ‘‘સરકારી કાર્યક્રમ’’બનીને રહી ગયો. ઝાડ ઉપર ચડીને પુસ્તક વાંચવાનો ફોટો પડાવનારાઓ ખુરશીમાં બેસીને પણ વાંચતાં નથી. ખરેખર તો સંદર્ભ ગ્રંથો જ જ્ઞાનનો વ્યાપ વધારી શકે છે. શાળા કોલેજના શિક્ષણમાં પાઠ્યપુસ્તક કે અભ્યાસક્રમ તો ‘‘ઓછામાં ઓછું આટલું તો જાણવું જ’’એ નક્કી કરે છે. તમે તેમાં વધારો કરી શકો છો.

ગુજરાતીમાં જ્યારે ગાંધીજીની ‘‘આત્મકથા’’નો અંશ ભણાવવામાં આવે ત્યારે શિક્ષકે બાળકને પ્રેરણા આપવી જોઈએ કે તે મૂળ આત્મકથા વાંચે અને વિદ્યાર્થીએ આ ‘‘આત્મકથા’’વાંચવા તાલાવેલી બતાવવી જોઈએ. માતપિતાને આવાં અનેક પુસ્તકો વાંચવા બાળકને પ્રોત્સાહિત કરવાની જરૂર છે. ગુજરાતમાં જો શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં વિશેષ વાચન, સંદર્ભ સાહિત્યના વાચનનો સર્વે કરવામાં આવે તો પરિણામો દુ:ખદ આવે તેવા છે. સૌ એ જાતે છેલ્લાં પાંચ વર્ષમાં વાંચેલાં સામાયિકો, સંદર્ભ ગ્રંથોનું લીસ્ટ બનાવવું અને જાતને જ પ્રશ્ન પૂછવો કે ‘‘શું શિક્ષણજગતમાં નોકરી કરવા આટલું વાચન પૂરતું છે?
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top