Columns

કેવી રીતે શરૂ થઈ હતી ટાઇટેનિકને નજીકથી જોવાની ટૂર?

છેલ્લા અઠવાડિયામાં દરિયાના પેટાળમાં પડેલા ‘ટાઇટેનિક જહાજના કાટમાળ જોવા ગયેલા 5 લોકોના સબમરીન સાથે ડૂબી જવાથી થયેલાં મોતનો મામલો ખૂબ ચર્ચામાં રહ્યો હતો કારણ એ હતું કે, સબમરીનમાં સવાર થઈને ગયેલાં લોકો કોઈ નાની હસ્તી ન હતા. બધા એકએકથી ચડિયાતા અને ધનાઢ્ય હતા. ટાઇટન અકસ્માત બાદ હવે ઘણા સવાલો થઈ રહ્યા છે. ઉદાહરણ તરીકે, અકસ્માતનું સાચું કારણ શું હતું?

ટાઇટનમાં સવાર લોકોનું શું થયું હશે? શું ટાઇટનની ડિઝાઇનમાં કોઈ ખામી હતી? અને, સૌથી મોટો પ્રશ્ન – જો US નેવી ટાઇટનમાં વિસ્ફોટ વિશે જાણતી હતી તો તેને કેમ છુપાવ્યું? 18 જૂન, 2023ના રોજ ટાઇટન સબમરીન એટલાન્ટિક મહાસાગરમાં ડૂબકી લગાવ્યાના અઢી કલાક પછી અદૃશ્ય થઈ ગઈ હતી. તેમાં 5 લોકો સવાર હતા. બ્રિટિશ ઉદ્યોગપતિ હામિશ હાર્ડિંગ, પાકિસ્તાની મૂળના ઉદ્યોગપતિ પ્રિન્સ દાઉદ અને તેમના પુત્ર સુલેમાન, ટાઇટનનું સંચાલન કરતી કંપની ઓશનગેટના સ્થાપક અને CEO સ્ટોકટન રશ અને ફ્રેન્ચ સંશોધક પોલ  આનરી નાર્જેલેટ.

22 જૂનના રોજ US કોસ્ટ ગાર્ડ અને ઓશનગેટે પાંચના મૃત્યુની પુષ્ટિ કરતું નિવેદન બહાર પાડ્યું હતું. રીઅર એડમિરલ જ્હોન મેગરે કહ્યું હતું – યુનાઈટેડ સ્ટેટ્સ કોસ્ટ ગાર્ડ અને યુનિફાઈડ કમાન્ડ વતી હું શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. હું ફક્ત કલ્પના કરી શકું છું કે તેઓ આ સમાચાર પછી કેવી લાગણી અનુભવતા હશે. મને આશા છે કે આ શોધ તેમને આ મુશ્કેલ સમયમાં મદદ કરશે. હું જાણું છું કે આ કેવી રીતે, શા માટે અને ક્યારે થયું તે અંગે ઘણા પ્રશ્નો હશે. અમે આ પ્રશ્નો વિશે શક્ય તેટલી વધુ માહિતી એકત્રિત કરીશું. તપાસ કરીશું. અલબત્ત, આ ઘટના કેવી રીતે બની, ક્યા સંજોગોમાં આ સબમરીન નીકળી હતી વગેરે સમજવાની કોશિશ કરીએ.

આજથી બરાબર 112 વર્ષ પહેલાં એક અંધારી રાત દરમિયાન ટાઇટેનિક નામનું પ્રવાસી જહાજ એક આઇસબર્ગ સાથે અથડાયું હતું. તે સમયે મોટાભાગના મુસાફરો નિદ્રામાં હતા. દુર્ઘટના સમયે ટાઇટેનિક 41 km પ્રતિ કલાકની ઝડપે ઇંગ્લેન્ડના સાઉધમ્પ્ટનથી અમેરિકાના ન્યૂયોર્ક તરફ આગળ વધી રહ્યું હતું અને 14 અને 15 એપ્રિલ, 1912 ની વચ્ચેની રાત્રે માત્ર 3 કલાકમાં ટાઇટેનિક એટલાન્ટિક મહાસાગરમાં ડૂબી ગયું હતું! આ ઘટનામાં લગભગ 1500 લોકોના મોત થયા હતા. આજે 112 વર્ષ પછી પણ આ સૌથી મોટો દરિયાઈ અકસ્માત માનવામાં આવે છે. સપ્ટેમ્બર 1985 માં અકસ્માત સ્થળ પરથી અવશેષો દૂર કરવામાં આવ્યા હતા. અકસ્માત બાદ જહાજ કેનેડાથી 650 kmના અંતરે 3,843 મીટરની ઊંડાઈએ બે ભાગમાં તૂટી પડ્યું હતું અને બંને ભાગો એકબીજાથી 800 મીટર દૂર હતા.

આ દુર્ઘટનાના 112 વર્ષ પછી પણ આ ઘટના અંગે ઘણાં રહસ્ય હજુ પણ અકબંધ છે ત્યાં જ ટાઇટેનિકને જોવા માટે 2 બિલિયોનેર સહિત 5 લોકોને લઈને નીકળેલી સબમરીન ‘ટાઈટન’ ગાયબ થઈ ગઈ હતી! સબમરીન અને તેમાં સવાર 5 લોકોને શોધવા માટે સતત સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું. ઘણા દેશો આ સર્ચ ઓપરેશનમાં જોડાયા હતા. આમાં ખાનગી કંપનીઓ પણ સામેલ થઈ હતી. US કોસ્ટ ગાર્ડના જણાવ્યા અનુસાર કેનેડાના ન્યુફાઉન્ડલેન્ડ વિસ્તારમાં સર્ચ ઓપરેશન દરમિયાન લગભગ 26,000 sq.km વિસ્તારને ખૂંદી નાખવામાં આવ્યો હતો. જો કે 5 લોકોમાંથી કોઈનો સંપર્ક થઈ શક્યો ન હતો.

આખી ઘટનાને વિસ્તારથી જાણીએ તો, 8 જૂન, 2023ના રોજ વિશ્વના સૌથી પ્રખ્યાત જહાજ ટાઈટેનિકનો કાટમાળ બતાવવા માટે એટલાન્ટિક મહાસાગરમાં ગયેલી સબમરીન ગુમ થઈ ગઈ હતી. આ સબમરીનમાં પાકિસ્તાની અબજોપતિ પ્રિન્સ દાઉદ, તેમના પુત્ર સુલેમાન, બ્રિટિશ બિઝનેસમેન હેમિશ હાર્ડિંગ સહિત પાંચ લોકો સવાર હતા. આ સબમરીનનું સંચાલન કરતી કંપની ઓશનગેટના CEO સ્ટોકટન રશ પણ તેમાં સામેલ હતા. આ સિવાય આ સબમરીનમાં ફ્રેન્ચ સંશોધક પોલ હેનરી નાર્ગેલેટ પણ હતા. US હોમલેન્ડ સિક્યોરિટી ડિપાર્ટમેન્ટની માહિતી મુજબ, સબમરીન જ્યાંથી ગાયબ થઈ હતી ત્યાંથી એક મોટો અવાજ સંભળાયો હતો, જે ઘણા કલાકો સુધી આવતો રહ્યો હતો.

ટાઈટેનિકનો કાટમાળ કેનેડાના ન્યૂફાઉન્ડલેન્ડના સેન્ટ જોન્સથી 700 km દક્ષિણે આવેલો છે. જો કે બચાવ અને સર્ચ ઓપરેશન અમેરિકન શહેર બોસ્ટનથી શરૂ કરાયું હતું. બીજી તરફ કેનેડિયન પી-3 ઓરોરા એરક્રાફ્ટે સોનાર સાથે આખા વિસ્તારને ખૂંદી નાખ્યો હતો પણ સબમરીનનો કોઈ અતોપતો મળ્યો ન હતો. ફ્રાન્સના મેરીટાઈમ અફેર્સ મંત્રાલયે પણ તેના એટલાન્ટ જહાજને સર્ચ ઓપરેશનમાં જોડ્યું હતું. આ જહાજનો પોતાનો રોબોટ છે જે દરિયામાં મદદ કરી શકે છે. ઊંડા પાણીમાં GPS કે રેડિયો સિસ્ટમ સાથે વાતચીત શક્ય નથી. જો કે સબમરીનમાં બેઠેલા લોકો પોતે બહાર નીકળી શકતા નથી કારણ કે સબમરીન બહારથી સીલ હતું.

ગુમ થયેલી સબમરીનની ઘટના પછી વિશ્વમાં એક જ વાત ચાલતી હતી કે ટાઇટેનિકના કાટમાળને નજીકથી જઈને જોવાના આ જોખમી એડવેંચરની શરૂઆત ક્યારે થઈ હતી? અને કેવા સંજોગોમાં થઈ હતી? ટાઇટેનિકનો કાટમાળ લગભગ 70 વર્ષથી અસ્પૃશ્ય હતો. આ દરમિયાન તેની ધાતુની સપાટીઓ પર બેક્ટેરિયા જોવા  મળ્યા હતા. ઇકોલોજિસ્ટ એવું માનવા લાગ્યા હતા કે ટાઇટેનિક ડૂબી ગયું હતું તે વખત કરતાં વધુ જીવો આજે તેના કાટમાળમાં બેઠા છે. વાસ્તવમાં બરફ અને રસ્ટના આ નાના પરપોટા બેક્ટેરિયાની પેદાશ હતા.

આ બેક્ટેરિયા આયર્ન ખાય છે. તેમાંથી એસિડ નીકળે છે, જે કાટમાં ફેરવાય છે. આ પ્રકારના જીવો માત્ર સમુદ્રની ઊંડાઈમાં જ જોઈ શકાય છે. 1985માં સંશોધક રોબર્ટ બેલાર્ડ અને તેની ટીમને ટાઇટેનિકનો ભંગાર સૌ પ્રથમ વાર મળી આવ્યો હતો. તે સમયે જ કાટના આ પરપોટાએ ટાઇટેનિકના કાટમાળને સંપૂર્ણપણે કબજે કરી લીધો હતો. એવો અંદાજ હતો કે, આ કાટ પેદા કરતા બેક્ટેરિયા દરરોજ લગભગ 180 kg કચરો ખાઈ રહ્યા હતા. વૈજ્ઞાનિકો એવું કહી રહ્યા હતા કે આ રીતે તો ટાઇટેનિકનો કાટમાળ પણ હવે બાકી નહીં બચે!

અલબત્ત, તે વખતે એવો અંદાજ લગાડવામાં આવ્યો હતો કે, આગામી 20 થી 50 વર્ષમાં બેક્ટેરિયા ટાઇટેનિકનો કાટમાળ ખાઈ જશે એટલે કે ઘડિયાળનો કાંટો જેમ જેમ ટીક ટીક કરી રહ્યો હતો તેમ તેમ ટાઇટેનિકનો કાટમાળ પણ હવે નષ્ટ થઈ રહ્યો હતો. એવું કહેવાનું શરૂ થયું કે, વૈજ્ઞાનિક અનુભવ માટે ટાઈટેનિક જોવું હોય કે પછી ભવ્ય નજારો જોવાનો શોખ પૂરો કરવો હોય તો હવે બહુ ઓછો સમય બચ્યો છે. આ તકનો લાભ લેવા માટે ઓશનગેટ નામની કંપનીએ એક એડવેન્ચર ટુરિઝમ લોન્ચ કર્યું હતું! કંપનીએ 2009-10માં એવી જાહેરાત કરી હતી કે તે લોકોને નાની સબમરીનમાં બેસાડીને સમુદ્રના તળિયે લઈ જશે. આ મિશનનો હેતુ વૈજ્ઞાનિક તેમ જ મનોરંજક પણ હશે. ઓશનગેટની નાની સબમરીનમાં બેસીને લોકો ટાઇટેનિકના કાટમાળને જોઈ શકશે.

ઓશનગેટ કંપનીની સ્થાપના 2009માં થઈ હતી. અત્યાર સુધીમાં કંપનીએ દરિયાની અંદર કેટલા મિશન પાર પાડ્યા છે, તેના અલગ અલગ આંકડા સામે આવી રહ્યા છે. સૌથી પહેલા 2019માં કંપનીએ કેટલાક લોકોને ટાઈટેનિકના કાટમાળની નજીક લઈ જવાની પહેલ કરી હતી. આ માટે વિશ્વભરમાંથી અરજીઓ મંગાવવામાં આવી હતી. પસંદ કરાયેલા લોકોને 11 દિવસના આ ખતરનાક પરંતુ અત્યંત રોમાંચક મિશન પર લઈ જવાનું નક્કી થયું હતું. એ વખતે એવું નક્કી થયું હતું કે, એક સમયે 9 લોકો ઓશનગેટની સબમરીનમાં બેસીને દરિયાની પસ્તાળમાં  જઈ શકશે.

સૌ પ્રથમ આ લોકોને હેલિકોપ્ટર દ્વારા ન્યૂફાઉન્ડલેન્ડના સેન્ટ જોન્સ કોસ્ટથી સમુદ્રમાં જહાજમાં લઈ જવામાં આવતા હતા. પછી અહીંથી તેઓને સબમરીનમાં બેસાડીને દરિયાના ઊંડાણમાં ઉતારવામાં આવતા હતા. હવે ટિકિટની એટલે કે આ એડવેન્ચર ટૂરનો ખર્ચ કેટલો થશે તેની વાત કરીએ. એ વખતે 11 દિવસના મિશનની ટિકિટ લગભગ 78 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી હતી. આ રકમ ટાઈટેનિકમાં સવાર લોકોએ ન્યૂયોર્ક પહોંચવા માટે ખરીદેલી ટિકિટ જેટલી જ હતી. દરિયાની ઊંડાઈમાં તાપમાન એક ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે છે. આટલા ઊંડાણમાં સામાન્ય માણસનું જવું અને પાછા આવવું એ આશ્ચર્યથી ઓછું નથી!

જો કે ઓશનગેટના પ્રમુખ જોએલ પેરીનું કહેવું હતું કે, મુસાફરોની સલામતી જરા પણ મુદ્દો નથી. ભય એટલો નથી, જેટલો લોકો દાવો કરે છે. પછી, જે લોકોને પસંદ કરવામાં આવશે તેઓને બધી રીતે તપાસ્યા પછી જ દરિયામાં ડૂબકી મારવાની ટિકિટ મળશે. આ ટૂરમાં જવા ઇચ્છતા લોકો માટે માનસિક રીતે સ્વસ્થ હોવું એટલું જ જરૂરી ગણાય છે. આ લોકોને હેલિકોપ્ટર દુર્ઘટનામાં બચાવની તાલીમ પણ આપવામાં આવે છે.  ઉપરાંત સ્વિમિંગનો અનુભવ ધરાવતા લોકોને જ આ ટૂરમાં પ્રાધાન્ય આપવામાં આવે છે. આ મિશન શરૂ થયું ત્યારે રેનાટા રોહાસ તેની પહેલી પ્રવાસી હતી. તેનું મુખ્ય કારણ તેનો ડાઈવિંગનો લાંબો અનુભવ હતો.

રેનાટા રોહાસની પસંદગીનું બીજું કારણ ટાઈટેનિક પ્રત્યેનો તેમનો જુસ્સો હતો. પ્રથમ વખત તેણે 1953ની બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મ જોઈ, જે ટાઇટેનિક અકસ્માત પર આધારિત હતી. ત્યારથી રેનાટાના હૃદયમાં ટાઇટેનિક માટે જુસ્સો જાગ્યો હતો. તેણે ટાઈટેનિકને લગતા સેંકડો પુસ્તકો વાંચ્યા હતા. રેનાટાએ ટાઈટેનિક પર બનેલી દરેક ફિલ્મ જોઈ હતી. અલબત્ત, 1985માં જ્યારે ટાઇટેનિકનો ભંગાર મળી આવ્યો ત્યારે રેનાટાએ ટાઇટેનિકની ઝલક જોવા માટે પૈસા બચાવવાનું શરૂ કર્યું હતું. રેનાટા રોબર્ટ બેલાર્ડને પણ મળ્યા હતા, જેમણે ટાઇટેનિકનો ભંગાર શોધી કાઢ્યો હતો. રેનાટાથી શરૂ થયેલી આ સફર આજ સુધી ચાલી રહી હતી પણ હવે આખેઆખી સબમરીન ગુમ થતાં ેઆખું વિશ્વ સદમામાં આવી ગયું હતું.

Most Popular

To Top