SURAT

સુરતમાં ટિફીન આપીને પિતા પરત ફર્યા, દરવાજો ખખડાવતા ન ખુલ્યો, બારીમાંથી જોતાં….

સુરત : ભટારના (Bhatar) આઝાદનગર ખાતે રહેતી 14 વર્ષિય કિશોરીએ અગમ્ય કારણોસર પોતાના ઘરે ફાંસો ખાઇ લીધો હતો. નવી સિવિલ હોસ્પિટલ (Hospital) સુત્રો પાસેથી મળતી વિગતો અનુસાર મુળ ઝારખંડના જામતારાના વતની અને હાલ ભટાર આઝાદનગરમાં રહેતા અજ્જુમલ અંશારી પોતાના ઘરે ટિફીન તૈયાર કરીને ભટાર ટેનામેન્ટ સહિતના વિસ્તારોમાં લોકોને ઘરે ઘરે ટિફીન (Tiffin) પહોંચાડવાનું કામ કરે છે.

આજે બપોરના સમયે અજ્જુમલ તેમની રીક્ષા લઇ રાબેતા મુજબ ઘરો તેમજ ઓફીસોમાં ટિફીન પહોંચાડવા માટે નિકળ્યા હતા. ત્યારે તેમની પુત્રી નગમા ખાતુન (ઉ.વ.14) ઘરે એકલી હતી. તેણીએ ઘરનો દરવાજો બંધ કરી ફાંસો ખાઇ લીધો હતો. ટિફીન આપીને પરત આવેલા પિતાએ દરવાજો ખખડાવતા દરવાજો ખુલ્યો ન હતો. બારી ખોલીને જોતા પુત્રી નગમા ફાંસો ખાધેલી હાલતમાં નજરે પડી હતી. તેણીના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. મૃતકના પિતાએ જણાવ્યું હતું કે, નગમા ધોરણ-8 સુધી અભ્યાસ કરીને ઘરે જ રહેતી હતી. ચાર બહેનોમાં તેણી સૌથી નાની હતી. તેણીએ ક્યા કારણોસર આપઘાત કર્યો તે કારણ જાણી શકાયું નથી. બનાવ અંગે વધુ તપાસ ખટોદરા પોલીસ કરી રહી છે.

બે મહિના પહેલા જ સગાઇ કરનાર યુવાનનો આપઘાત
સુરત : ઉન પાટીયા વિસ્તારમાં રહેતા રીક્ષા ચાલક યુવાને ફાંસો ખાઇ મોતને વ્હાલું કરી લીધું હતું. મૃતક યુવકના બે મહિના પહેલા જ સગાઇ નક્કી થઇ હતી. જોકે તેણે ક્યા કારણોસર પગલું ભર્યું તે બહાર આવ્યું નથી. નવી સિવિલ હોસ્પિટલ સુત્રો પાસેથી મળતી વિગતો અનુસાર ઉન પાટીયા બાલ કૃષ્ણ સોસાયટીમાં રહેતા મુઝાયુદ્દીન શેખ ગુલામ રસુલ શેખ (ઉ.વ.22) રીક્ષા ચલાવી પરિવારને મદદરૂપ થતો હતો. મુઝાયુદ્દીને બુધવારે સાંજના સમયે પોતાના ઘરે ફાંસો ખાઇ લીધો હતો. મૃતકના પરિવારે જણાવ્યું હતું કે, મુઝાયુદ્દીનની બે મહિના પહેલા જ સગાઇ થઇ હતી. મૃતકને ત્રણ બહેનો અને બે ભાઇ છે. વધુમાં મૃતકની બે મહિના પહેલા જ સગાઇ નક્કી થઇ હતી. તેણે ક્યા કારણોસર આ પગલું ભર્યું તેનું કારણ બહાર આવ્યું નથી. વધુ તપાસ પાંડેસરા પોલીસ કરી રહી છે.

Most Popular

To Top