SURAT

ગુરુવારે સવારે સુરત શહેર-જિલ્લાની 16 બેઠક માટે મતગણતરી શરૂ થઈ જશે

સુરત: ગુજરાત (Gujarat) વિધાનસભાની ચૂંટણીની (Election) મતગણતરીની પ્રક્રિયા આગામી તા.8મી ડિસેમ્બરે હાથ ધરાશે. સુરત (Surat) શહેર જિલ્લાની કુલ 16 વિધાનસભા બેઠકોની મતગણતરી બે સ્થળો પર હાથ ધરવામાં આવશે. મતગણતરીની પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે અને સમયસર પૂરી થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્રએ આજે તમામ પૂર્વ તૈયારીઓને આખરી ઓપ આપી દીધો હતો. સુરત શહેર જિલ્લાની તમામ બેઠકોનું રાઉન્ડવાર પરિણામ સ્થળ પર જ મોટા સ્ક્રીન ઉપર ડિસ્પ્લે કરવામાં આવશે. એટલું જ નહીં દરેક રાઉન્ડના અંતે પરિણામ ઇલેક્શન કમિશનની વેબસાઇટ પર પણ જોવા મળી શકશે.

તા.8મીએ સવારે 8 કલાકે શરૂ થનારી મતગણતરીની પ્રક્રિયામાં પહેલા પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવશે એ પછી કન્ટ્રોલ યુનિટમાં દર્જ થયેલા મતોની ગણતરી કરવામાં આવશે.મતગણતરીના સ્થળો પર ફક્ત અધિકૃત વ્યક્તિઓને જ પ્રવેશ આપવામાં આવશે તેમજ કોઇપણ સંજોગોમાં મોબાઇલ ફોન કે અન્ય સંદેશા વ્યવહારના સાધનો સાથે પ્રવેશ આપવામાં નહીં આવે. સુરત શહેરની લિંબાયત વિધાનસભા મત વિસ્તારમાં આ વખતે સૌથી વધુ ઉમેદવારો હતા, આથી દરેક મતદાન બૂથો પર ત્રણ ત્રણ બેલેટ યુનિટ મૂકવામાં આવ્યા હતા. આ વખતે પ્રથમ વખત લિંબાયત વિધાનસભાની મતગણતરી માટે એક નહીં બબ્બે હોલમાં વ્યવસ્થા કરવામાં આવી છે.

મતગણતરીમાં સૌથી પહેલું પરિણામ સુરત જિલ્લાની મહુવા બેઠકનું જાહેર થશે. સૌથી ઓછા ઉમેદવારો આ બેઠક પર હોઇ, પહેલું પરિણામ આવશે. એ પછી સુરતની કરંજ, સુરત પૂર્વ અને સુરત ઉત્તરનું જાહેર થઇ જાય તેવી શક્યતાઓ જોવાય રહી છે. સુરત ઉત્તરમાં ફક્ત 163 બૂથ છે. કરંજમાં 176 અને સુરત પૂર્વમાં 212 મતદાન બૂથો છે. બપોરે દોઢ વાગ્યા સુધીમાં આ ત્રણેય વિધાનસભા મત વિસ્તારનું પરિણામ સ્પષ્ટ થઇ જાય તેમ માનવામાં આવી રહ્યું છે. સુરત ચોર્યાસી વિધાનસભા મતક્ષેત્ર સમગ્ર ગુજરાતનું મતદારોની સંખ્યાની દ્રષ્ટિએ અને વિસ્તારની દ્રષ્ટિએ મોટામાં મોટું મત ક્ષેત્ર છે. આથી આ વિધાનસભા મત વિસ્તારની મતગણતરી સૌથી અંતમાં પૂર્ણ થશે. સુરત ચોર્યાસી વિધાનસભા મતક્ષેત્રમાં કુલ 530 મતદાન બૂથો છે, જેના ઇવીએમમાંથી નીકળનારા મતોની ગણતરી માટે ખાસ્સો સમય નીકળી જશે. આમ છતાં સૌથી છેલ્લું પરિણામ લિંબાયત વિધાનસભાનું મળી શકશે.

એસવીએનઆઇટી સંકુલમાં 6 વિધાનસભાની ગણતરી
ઇચ્છાનાથ સ્થિત એસવીએનઆઇટી સંકુલમાં આ વખતે 6 વિધાનસભા બેઠકોની મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જેમાં લિંબાયત, વરાછા રોડ, મજૂરા, કરંજ, સુરત પૂર્વ અને સુરત ઉત્તર વિધાનસભાના તમામ બૂથોના ઇવીએમ એસવીએનઆઇટી ખસેડવામાં આવશે અને ત્યાં રાઉન્ડ વાઇઝ મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

ગાંધી કોલેજમાં 10 વિધાનસભાની ગણતરી
મજૂરાગેટ સ્થિત ગાંધી ડિગ્રી ઇજનેરી કોલેજ સંકુલમાં સુરત શહેર જિલ્લાની કુલ 10 વિધાનસભા બેઠકોની મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જેમાં ચોર્યાસી, માંગરોળ, માંડવી, કતારગામ, સુરત પશ્ચિમ, ઉધના, બારડોલી, મહુવા, કામરેજ અને ઓલપાડ વિધાનસભા મત વિસ્તારના તમામ બૂથોના ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન્સ ગાંધી કોલેજ ખાતે ખસેડીને ત્યાં રાઉન્ડ વાઇઝ મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

Most Popular

To Top