Gujarat

દ્વારકામાં ઓખા જેટી પર પણ દરિયાના પાણી ફરી વળ્યા, કચ્છના ગામો સજ્જડ બંધ

અમદાવાદ: બિપોરજોય વાવાઝોડાનો (Biporjoy storm) ખતરો હજું ગુજરાતના (Gujarat) માથેથી ટળ્યો નથી ત્યારે સમગ્ર ગુજરાતમાં તેની અસર વર્તાઈ રહી છે. બિપોરજોય વાવાઝોડુ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. ક્યાંક ભારે પવન (Wind) ફૂંકાઈ રહ્યો છે તો ક્યાંક મૂશળધાર વરસાદ (Heavy Rain) વરસી રહ્યો છે. હવામાન વિભાગે 15 અને 16 જૂનના રોજ કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા માટે વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર કર્યું છે ત્યારે કચ્છમાં દરિયો જાણે ગાંડોતૂર બન્યો છે. કચ્છના દરિયાકાંઠા વિસ્તારના ગામો સજજડ બંધ જોવા મળ્યા હતા. ગામના રસ્તા-દુકાનો બંધ જોવા મળી છે. 

દ્વારકાના ઓખા જેટી પર પણ દરિયાના પાણી ફરી વળ્યા છે. ડાલડા બંદરમાં પણ દરિયાઈ પાણી ઘૂસી જતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. આજ સવારથી જ વરસાદની સાથે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. દરિયા કિનારે ખૂબ ઊંચા મોજા ઉછળી રહ્યા છે. દ્વારકાના સંગમ મંદિર પાસેના દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. ભાવનગરના અલંગના દરિયાકિનારે હાલ કરંટ જોવા મળી રહ્યો છે. દરિયાકિનારે 4થી 5 ફુટ ઊંચા મોજાં ઉછળી રહ્યા છે. 

જામનગરના દરિયાકિનારે ભારે પવનની સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જ્યારે ભૂજમાં સવારથી જ મૂશળધાર વરસાદ વરસ્યો હતો. છેલ્લાં 24 કલાકમાં અંજારમાં 30 મિમી, ભુજમાં 33 મિમી, માંડવીમાં 15 મિમી, મુંદ્રામાં 15 મિમી, નખત્રાણામાં 13 મિમી, રાપરમાં 16 મિમી, અબડાસામાં 11 મિમી, દાંતામાં 10 મિમી, ભચાઉમાં 9 મિમી સુધીનો વરસાદ નોંધાયો છે.

ગુરુવારે અમદાવાદમાં વરસાદ ઝાપટા આવ્યા હતા. શહેરના બોપલ, એસજી હાઇવે, નવાવાડજ સહિતના વિસ્તારોમાં સવારથી વરસાદી ઝાપટાં વરસી રહ્યાં છે.  જ્યારે કચ્છના માંડવીમાં પણ ધોધમાર વરસાદ શરૂ થયો હતો. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 61 તાલુકામાં દોઢ ઈંચ સુધી વરસાદ નોંધાયો છે.

રાજ્યની જનતાને સુરક્ષિત રાખવા માટે રાજ્ય સરકારે દરિયાકિનારાના વિસ્તારોમાં 76 અદ્યતન સુવિધાઓ ધરાવતા મલ્ટિપર્પઝ સાયક્લોન શેલ્ટર્સ (MPCS)નું નિર્માણ કર્યું છે. તંત્ર બિપરજોય વાવાઝોડા સામે લડવા માટે સજ્જ થયુ છે ત્યારે આ શેલ્ટર્સ જનતા માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યા છે. 

16 જૂને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
16 જૂને બનાસકાંઠા, પાટણ અને કચ્છ આ ઉપરાંત મહેસાણા અને સાબરકાંઠા સહિત મોરબીમાં ભારેથી અતિભારે વરસાદના એંધાણ છે. જ્યારે ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ તથા સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા અને ગીર-સોમનાથ તેમજ દીવમાં ભારે વરસાદની સંભાવના છે.

Most Popular

To Top