SURAT

બોર્ડના સ્ટુડન્ટ્સ માટે સારા સમાચાર, બેઠક વ્યવસ્થા જોવા રવિવારે સુરતની સ્કૂલો ખુલ્લી રહેશે

સુરત(Surat): સુરત શહેર અને જિલ્લામાં આગામી 11મી માર્ચે સોમવારથી શરૂ થનારી ગુજરાત શિક્ષણ બોર્ડની પરીક્ષામાં (Gujarat Education Board Exam) બેઠક વ્યવસ્થા અગાઉથી જોઇ શકાશે. આ ઉપરાંત પારદર્શક પાટિયા પાણીની બોટલ તેમજ પાઉચ પણ લઇ જવા દેવા કેન્દ્ર સંચાલકોને સૂચનાઓ આપી દેવામાં આવી છે.

સુરત શહેર અને જિલ્લામાં આગામી સપ્તાહથી શરૂ થનારી ધોરણ-10 અને ધોરણ-12ની અલગ અલગ પરીક્ષાઓ માટે આજે દરેક સ્કૂલ્સમાંથી હોલટિકિટ વિતરણ કરી દેવાઇ છે. આ ઉપરાંત જિલ્લા શિક્ષણાધિકારી ભગીરથસિંહે પણ દરેક સ્કૂલ્સને હોલટિકિટ આપવા અંગે સૂચનાઓ આપી દીધી હતી.

આ ઉપરાંત સાંજે તેમને એક પરિપત્ર બહાર પાડી દરવર્ષે પરીક્ષા કેન્દ્ર બહાર પાટિયુ લઇ જવા અંગે થતા વિવાદોને ટાળવા મહત્વની જાહેરાત કરી છે. જિલ્લાશિક્ષણાધિકારીએ જણાવ્યુ હતું કે, દરેક પરીક્ષાર્થી ખંડમાં પારદર્શક પાણીની બોટલ, પારદર્શક ટેકણપાટિયું (પેડ) તેમજ જરૂરી તમામ પેન, પેન્સિલ, રબર, સંચો, ગાણિતિક સાધનો વગેરે પારદર્શક પાઉચમાં લઈ જઇ શકસે. જેથી પરીક્ષા સમયે અગવડતા નહીં સર્જાય.

આ ઉપરાંત પરીક્ષાર્થીને કોઈ શારીરિક તકલીફ હોય કે કોઈ દવા ચાલુ હોય તો પરીક્ષા દરમિયાન દવા સાથે રાખવાની સૂચના આપી દેવામાં આવી છે. વાલીઓને પણ સૂચના આપી પોતાના સંતાનોને પરીક્ષા સ્થળે 30 મિનિટ અગાઉ મૂકી જવા જાણ કરી દેવાઇ છે.

પરીક્ષાના સમયે દોડધામ નહીં થાય અને કોઇ ઉચાટ નહીં ફેલાય તે માટે પરીક્ષાર્થી તા.૧૧/૦૩/૨૦૨૪ને સોમવારથી શરુ થતી પરીક્ષાના પરીક્ષાનું સ્થળ જોવા માટે તા.૧૦/૦૩/૨૦૨૪ને રવિવાર હોવાના કારણે તા.૦૯/૦૩/૨૦૨૪ને શનિવારે બપોરે ૧૨:૦૦ કલાકથી પરીક્ષા સ્થળ પર જઈ શકશે.

પરીક્ષાર્થીઓએ હોલ ટિકિટ અવશ્ય પોતાની સાથે રાખવી, હોલ ટીકીટના પાછળના ભાગે વાલીનો મોબાઇલ નંબર અવશ્ય લખવો તેમજ હોલ ટિકિટની એક ઝેરોક્ષ ઘરે વાલી પાસે રાખી મૂકવી જેથી આકસ્મિક સંજોગોમાં કામ આવી શકે.

વિદ્યાર્થીઓ આ બાબતનું ધ્યાન રાખે તે જરૂરી!

  • કોઈપણ પ્રકારના પ્રતિબંધિત ઇલેક્ટ્રોનિક ઉપકરણ જેવા કે મોબાઈલ, બ્લુટુથ, ડિજિટલ ઘડિયાળ, સાયન્ટિફિક કેલ્ક્યુલેટર વગેરે ઉપકરણો તેમજ કોઈપણ પ્રકારનું લેખિત સાહિત્ય પરીક્ષા સ્થળે લઈ જવું નહિ. (ધોરણ-૧૦ના વિદ્યાર્થીઓ સાદા કેલ્ક્યુલેટરનો પણ ઉપયોગ કરી શકશે નહીં)
  • પરીક્ષાર્થીઓ અને તેમના વાલીઓએ શિક્ષા કોષ્ટકનો સંપૂર્ણ અભ્યાસ કરવો.
  • વાલીઓએ પરીક્ષાર્થીઓને પરીક્ષા સ્થળે મૂકી તુરંત જ પરીક્ષા સ્થળ છોડી દેવું જેથી ટ્રાફિકની સમસ્યા નિવારી શકાય તેમજ તમારા વાહનોને યોગ્ય જગ્યાએ પાર્ક કરવા જેથી પરીક્ષા સ્થળે ટ્રાફિકની સમસ્યા ઊભી નહીં થાય.
  • મેટ્રો રેલ પ્રોજેક્ટના કારણે થતી ટ્રાફિક સમસ્યાને નિવારવા પરીક્ષા સ્થળે પહોંચવા આગોતરું આયોજન કરી લેવું.
  • ટ્રાફિકની સમસ્યાના કારણે પરીક્ષા સ્થળ સુધી પહોંચવામાં સમસ્યા અનુભવે તો PCR વાન કે પોલીસ કન્ટ્રોલરૂમનો સંપર્ક કરી પોલીસની મદદ લઇ શકશે.
  • પરીક્ષાર્થી પારદર્શક પાણીની બોટલ, પારદર્શક ટેકણપાટિયું (પેડ) તેમજ જરૂરી તમામ પેન, પેન્સિલ, રબર, સંચો, ગાણિતિક સાધનો વગેરે પારદર્શક પાઉચમાં લઈ જવા જેથી પરીક્ષા સમયે અગવડતા ન સર્જાય.
  • પરીક્ષાર્થીને કોઈ શારીરિક તકલીફ હોય કે કોઈ દવા ચાલુ હોય તો પરીક્ષા દરમિયાન દવા સાથે રાખવી.
  • પરીક્ષાના દિવસ દરમિયાન શક્ય હોય ત્યાં સુધી બાળકોએ ઘરનો સાદો પૌષ્ટિક આહાર જ લેવો જેથી બાળકોની તંદુરસ્તી સારી રહે અને બાળક એકાગ્રતાની સાથે સારી રીતે બોર્ડની પરીક્ષા આપી શકે.
  • પરીક્ષાર્થીઓએ ઉત્તરવહી બાંધવા માટે વાપરવાને બદલે પરીક્ષા સ્થળથી અપાતા સફેદ દોરા નો જ ઉપયોગ કરવાનો રહેશે.
  • પ્રશ્નપત્ર ઉપર પરીક્ષાર્થીએ પોતાનો બેઠક નંબર અવશ્ય લખવો.

Most Popular

To Top