Vadodara

સાધલી કરજણ રોડ પર લૂંટારુઓએ હથિયારની અણીએ સોની પાસેથી દાગીના લૂંટી લીધા

ગુજરાતી હિન્દી ભાષા બોલતા લુટારૂઓએ તારી પાસે જે કાઇ હોય તેમ કહી ધમકી આપી
ટિંગલોદ પાસે તવેરા કારમાં લૂંટારુઓ ધસી આવી સોનીની કારને રોડની સાઇડમાં ધસડી ગયાં

સાધલીથી કરજણ રોડ પર પર ટીંગલોદ ગામ પાસે કારમાં આવેલા બુકાનીધારી લૂંટારુઓ સોનીની કારને રોડની સાઇડમાં ઘસડી ગયા હતા. ગુજરાતી હિન્દીમાં વાત કરતા લુંટારાઓએ હથિયાર બતાવી તારી પાસે જ પણ હોય તે અમને આપી દે નહીતર તને મારી નાખીશુ તેવું કહી સોનીએ ગળામાં પહેરેલી સોનાની ચેઇન લૂંટી લીધી હતી અને કારનાં કાચ તોડી નુક્સાન પહોંચાડી ભાગી ગયા હતા. સોનીએ શિનોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
મૂળ રાજસ્થાન અને હાલમાં વડોદરા જિલ્લાના કરજણ જુના બજારમાં આવેલી ગોલ્ડન આર્ક સોસાયટીમાં રહેતા કમલેશ જયંતિલાલ સોનીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે 4 માર્ચના રોજ રાત્રીના 8 વાગ્યાના અરસામાં સાધલીથી કરજણ જવાના રોડ પર ટિંગલોદ ગામ પાસે પહોંચ્યા હતા. તે દરમિયાન ચાર જેટલા શખ્સો મોઢે બુકાની બાંધીને તવેરા કારમાં આવ્યા હતા અને સોનીની વેગનઆર કારને રોડની સાઇડની ધસડી લઇ ગયા હતા. ત્યારબાદ પથ્થરો વડેથી હુમલો કરીને કાચ તોડી નાખ્યા હતા. ચારે બુકાનીધારીઓ એકબીજા સાથે ગુજરાતી તથા હિન્દીમાં વાત કરતા હતા. દરમિયાન ચાર પૈકીનો એક શખ્સ દાતરડા જેવુ હથિયાર લઇને તેમની પાસે આવ્યો હતો અને કહેવા લાગ્યો હતો કે તારી પાસે જે પણ હોય તે અમને આપી દે નહીતર તને મારી નાખીશુ. અન્ય ત્રણ બુકાનીધારી કારમાં શોધખોળ કરવા લાગ્યા હતા અને 40 હજારની સોનાની ચેઇનની લૂંટ કરી ફરાર થઇ ગયા હતા. ઉપરાંત કારને પણ અંદાજીત પાંચ હજારનું નુકસાન પહોંચાડ્યું હતું. શિનોર પોલીસે સોનીની ફરિયાદના આધારે બુકાનીધારી લૂંટારુઓની શોધખોળ હાથ ધરી છે.

Most Popular

To Top