‘જીવનની કિમંત’ વિષય પર પ્રવચન ચાલી રહ્યું હતું. હાજર રહેલા બધા શ્રોતાજનો ધ્યાનથી તેમના વિચાર સાંભળી રહ્યા હતાં. શ્રોતાજનોને વક્તાએ પ્રવચનની વચ્ચે હાથમાં એક પાંચસો રૂપિયાની નોટ બતાવી એક પ્રશ્ન પૂછ્યો, “આ પાંચસો રૂપિયાની નોટ કિંમતી ક્યારે કહેવાય, સાચી ક્યારે કહેવાય?” શ્રોતાજનોમાંથી જવાબ આપ્યો “સાહેબ! જ્યારે નોટ પર ભારત સરકારની મહોર હોય અને રીઝર્વ બેંકનાં ગવર્નરની તેની પર સહી હોય ત્યારે તે નોટ કે પછી કોઈપણ નોટ સાચી અને કિંમતી કહેવાય વક્તા બોલ્યા, “હવે જુઓ આ પાંચસોની નોટને હું વાળી કે ચોળી નાખું કે પછી એની ઉપર કંઇક લખું કે લીટા કરું તેની કિંમતમાં કઈક ફરક પડે ખરો? શ્રોતાજનોએ ના પાડી, વક્તાએ આગળ ચલાવ્યું કે, “ધારોકે આ નોટ હું તમને આપું અને તમે તે ખિસ્સામાં જ ભૂલી જાવ અને સવારે તે પેન્ટ ધોવાય જાય કે પછી તમારાથી તે નોટ નીચે પડી જય અને તે ધૂળવાળી થઇ જાય કે પછી થોડી ફાટી જાય તો તેની કિમંત કોડીની થઇ જાય ખરી?”
શ્રોતાજનોએ વળી પાછી ના પાડી વક્તા બોલ્યા “જુઓ આ પાંચસોની નોટને કઈ પણ થાય પણ જ્યાં સુધી તેનો નંબર વંચાય છે, ભારત સરકારની મહોર છે , રીઝર્વ બેંકનાં ગવર્નરની સહી છે ત્યાં સુધી તેની કિમંત ઓછી થતી નથી! તો પછી આપણું માનવ જીવન ખાસ ઇશ્વરની દેન છે. આપણને દરેકને ઈશ્વરે ઘડ્યા છે. આપણા બધા પર ભગવાનનાં હસ્તાક્ષર છે. દરેકમાં કંઇક ખૂબી અને ખાસિયત છે. તો પછી જ્યારે જીવનમાં થોડી તકલીફ આવે, કોઈ નાની મોટી ભૂલ થાય કે હાર મળે કે પછી ક્યારેક નિષ્ફળતા મળે ત્યારે આપણે શું કામ આપણી કે પછી અન્ય કોઈ હારનારની કિંમત કોડીની આંકીએ છીએ?”
વક્તાએ ધારદાર પ્રશ્ન સાથે પ્રવચનનો અંત રજૂ કરતા કહ્યું કે જો રીઝર્વ બેંકનાં ગવર્નરની સહી હોઈ તો નોટની કિંમત કોઈ પણ પરીસ્થિતિમાં ઓછી થતી નથી તો પછી એક કે બે હાર કે નિષ્ફળતાથી માનવ જીવનની કિંમત શું કામ કોડીની ગણવી આપણી પર તો ભગવાનનાં હસ્તાક્ષર છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.