Editorial

‘જેમિની’ની કામગીરીએ એઆઇ ટેકનોલોજીના જોખમો વધુ ઉઘાડા પાડ્યા છે

હાલમાં Google તેના AI પ્લેટફોર્મ – જેમિનીએ કથિત રીતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા વિશ્વના ટોચના અબજપતિ એલન મસ્ક વિશે અયોગ્ય ટિપ્પણીઓ કર્યા પછી વિવાદમાં ફસાઈ ગયું છે. ટેક જાયન્ટે પ્લેટફોર્મની અવિશ્વસનીયતાને સ્વીકારીને ભારત સરકારની પણ માફી માગી છે. ગુગલની આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એ.આઈ) ચેટબોટ ‘જેમીની’એ છેલ્લા કેટલાક દિવસોમાં વિશ્વના મહાનુભાવો અંગેનો પ્રતિભાવ પુછાતા જે અપમાનજક કોમેન્ટ કરી તેના પગલે ‘જેમીની’ સામે ભારે રોષ તો પ્રગટયો જ પણ એ.આઈ.ની રેસમાં ગુગલની વિશ્વસનિયતા પર ફટકો પડયો છે. ‘જેમીની’ માત્ર ભારતના વડાપ્રધાન મોદી કે ટેસ્લાના વડા મસ્ક માટે જ બેફામ તારણો નથી આપતું પણ અન્ય કેટલીક બાબતોમાં પણ તે ધાર્યું કામ પાર નથી પાડતું તેમજ પૂર્વગ્રહ સાથેના અભિપ્રાય આપે છે એમ જણાયું છે. અન્ય ચેટબોટોએ અને એઆઇ આધારિત સાધનોએ પણ અનેક છબરડા કર્યા હોવાના બનાવો બન્યા જ છે.

હવે પછીના સમયમાં એ.આઈ. ક્ષેત્રમાં જે મેદાન મારશે તેનું વિશ્વ પર પ્રભુત્વ હશે એમ કહેવાય છે. આ માટે ઓપન આઈ, ગુગલ, મેટા, માઇક્રોસોફ્ટ, એપલ વગેરે વચ્ચે સખત સ્પર્ધા છે. જે માટે ટેકનોલોજીની રીતે અત્યાધુનિક હોવું તે માત્ર જ નહીં પણ વિશ્વસનિયતા પૂરવાર કરવી પણ અત્યંત જરૂરી બની રહેશે. ગુગલના એ.આઈ.ના ‘જેમીની’ પ્રોજેક્ટ માટે કંપનીએ સી.ઈ.ઓ. સુંદર પિચાઈને અમર્યાદ સત્તા, બજેટ અને ટીમ આપી હતી તો પણ ‘જેમીની’ અવિશ્વસનીય પૂરવાર થયું છે. આનાથી સુંદર પિચાઇની પ્રતિષ્ઠાને તો હાનિ પહોંચી જ છે પરંતુ એઆઇની વિશ્વસનીયતા અંગે પણ ફરીથી પ્રશ્નો ઉઠવા લાગ્યા છે. જેમિનીએ ફક્ત જવાબો આપવા બાબતે જ નહીં પણ તેને આપવામાં આવેલ ફીડના આધારે છબીઓ તૈયાર કરવામાં પણ પૂર્વગ્રહયુક્ત વલણ અપનાવ્યું છે કે પછી છબરડા કર્યા છે.

જેમ જેમ AI વધુ વ્યાપક બને છે તેમ, કૃત્રિમ બુદ્ધિમત્તાના સંભવિત જોખમો સામે ચેતવણી આપતા અવાજો પણ વધુ તીવ્ર બની રહ્યા છે અને તે યોગ્ય પણ છે. “આ વસ્તુઓ આપણા કરતા વધુ બુદ્ધિશાળી બની શકે છે અને તે જાતે જ બધું સંભાળવાનું નક્કી કરી શકે છે, અને આપણે હવે તે કેવી રીતે થતું અટકાવીશું તે અંગે ચિંતા કરવાની જરૂર છે,” એમ જ્યોફ્રી હિન્ટને કહ્યું, જેઓ મશીન લર્નિંગ પરના તેમના પાયાના કાર્ય માટે “એઆઈના ગોડફાધર” તરીકે જાણીતા છે. તેઓ અગાઉ ગૂગલ સાથે જ હતા.

2023 માં, હિન્ટને Google છોડી દીધી હતી જેથી કરીને તેઓ “AI ના જોખમો વિશે વાત કરી શકે”, તેમને તેમના કાર્ય પર પસ્તાવો પણ થાય છે. અને આ પ્રખ્યાત કમ્પ્યુટર વૈજ્ઞાનિક તેમની ચિંતાઓમાં એકલા નથી. ટેસ્લા અને સ્પેસએક્સના સ્થાપક એલોન મસ્કે 1,000 થી વધુ અન્ય ટેક લીડર્સ સાથે, 2023 ના ખુલ્લા પત્રમાં મોટા AI પ્રયોગો પર વિરામ મુકવા વિનંતી કરી, એમ કહીને કે આ ટેક્નોલોજી “સમાજ અને માનવતા માટે ગંભીર જોખમો પેદા કરી શકે છે.”

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનાં જોખમો અનેક છે, જેમ કે ઓટોમેશન-પ્રેરિત નોકરીઓ જવી, ડીપફેક્સ, ગોપનીયતા ઉલ્લંઘન, ખરાબ ડેટાને કારણે અલ્ગોરિધમિક પૂર્વગ્રહ, સામાજિક આર્થિક અસમાનતા, બજારની અસ્થિરતા, શસ્ત્રોનું સ્વચાલિતકરણ અને કદાચ સૌથી ભયંકર છે અનિયંત્રિત સ્વ-જાગૃત AI, જે ભારે તરખાટ મચાવી શકે છે. અમુક નોકરીઓનું વધતું ઓટોમેશન હોય, લિંગ અને વંશીય રીતે પૂર્વગ્રહયુક્ત અલ્ગોરિધમ્સ અથવા સ્વાયત્ત શસ્ત્રો કે જે માનવ દેખરેખ વિના કાર્ય કરે છે આવા સંખ્યાબંધ મોરચે ચિંતાઓ પ્રવર્તે છે. અને AI ખરેખર કેટલી સક્ષમ છે તે તો હજી પુરું સ્પષ્ટ થયું જ નથી.

પરંતુ આ સ્પષ્ટ થાય તે પહેલાં તેના જોખમો દેખાવા માંડ્યા છે. ટેક સમુદાયે લાંબા સમયથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા થતા જોખમો અંગે ચર્ચા કરી છે. નોકરીઓનું સ્વચાલિતકરણ, નકલી સમાચારોનો ફેલાવો અને AI સંચાલિત શસ્ત્રોની ખતરનાક શસ્ત્ર સ્પર્ધાને AI દ્વારા ઊભા કરાયેલા કેટલાક સૌથી મોટા જોખમો તરીકે દર્શાવવામાં આવ્યા છે અને બીજા અનેક મોટા જોખમો ઉભા થવાની શક્યતા નકારી શકાય
તેમ નથી.

Most Popular

To Top