Dakshin Gujarat

સુરત જિલ્લામાં સાડા ચાર ઈંચ વરસાદ વરસ્યો, કામરેજના બ્રિજ પર સપ્તાહમાં બીજીવાર ભંગાણ

સુરત: આજે સવારે સુરત જિલ્લાના કામરેજમાં મેઘરાજાએ સટાસટી બોલાવી 12 વાગ્યા સુધીમાં 119 મી.મી. એટલે કે સાડા ચાર ઇંચ વરસાદ વરસાવતા કામરેજ, ખોલવડ બજાર, દિનબંધુ હોસ્પિટલ સહિતના વિસ્તારોમાં ગોઠણ ડુબ પાણી ભરાતા વાહન ચાલકો તેમજ રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. આ ઉપરાંત સૂર્યપુત્રી તાપી આ નદી ઉપર કામરેજ નજક આવેલા બ્રિજ ઉપર એક સપ્તાહમાં બીજી વાર ભંગાણ સર્જાયું છે અને લોખંડની પ્લેટ તૂટી જતા 10 થી 12 કિલોમીટર લાંબો ટ્રાફિકજામની સ્થિતિ જોવા મળી રહી છે.

સુરત જિલ્લા સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ઠેરઠેર વરસાદ
આ ઉપરાંત છેલ્લા ત્રણ દિવસથી દક્ષિણ ગુજરાતના આકાશમાંથી અમૃત વર્ષા વરસી રહી છે ત્યારે આજે સવારથી બપોર સુધીમાં વરસેલા વરસાદ ઉપર નજર નાંખવામાં આવે તો સુરતના ઓલપાડમાં અડધો ઇંચ, માંગરોળમાં એક ઇંચ, ઉમરપાડા સવા ઇંચ. માંડવીમાં ત્રણ ઇંચ એટલે કે 75 મીમી, કામરેજમાં 119 મી.મી. અનધરાધાર વરસાદ વરસ્યો છે જ્યારે સુરત શહેરમાં 1.5 ઇંચ થી વધુ 4 મિલીમીટર, પલસાણામાં સવા ઇંચ, બારડોલીમાં 38 મી મી., મહુવામાં પોણો ઈંચ વરસાદ વરસ્યો છે.

નવસારીમાં પણ ચીખલીમાં પોણા બે ઇંચ જ્યારે ખેરગામમાં બે ઇંચ અન્ય તાલુકાઓ વાંસદા, ગણદેવી, જલાલપોરમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. ડાંગ જિલ્લાના વઘઈમાં પોણો ઈંચ, આહવામાં અડધો ઇંચ, જ્યારે સાપુતારામાં અડધો ઇંચ અને સુબીર તાલુકામાં છૂટો છવાયો વરસાદ નોંધાયો છે.

તાપીમાં હજુ મેઘમહેર થઈ નથી
તાપી જિલ્લામાં હજુ મેઘમહેર જોવા મળી નથી. સોનગઢમાં અડધો ઇંચ, વ્યારામાં પોણો ઇંચ, વાલોડમાં પોણો ઇંચ, જ્યારે ડોલવણમાં સવા ઇંચ વરસાદ સવારથી બપોર સુધીમાં વરસ્યો છે. વલસાડ જિલ્લાની વાત કરવામાં આવે તો વલસાડમાં બે ઇંચ, ધરમપુરમાં બે ઇંચ, પારડીમાં દોઢ ઈંચ, કપરાડામાં બે ઈંચ, ઉમરગામમાં અડધો ઇંચ, જ્યારે વાપી તાલુકામાં બે ઇંચ વરસાદ સવારથી બપોર સુધીમાં વરસ્યો છે.

આકાશમાં ઘેરાયેલા કાળાડીબાંગ વાદળોએ દક્ષિણ ગુજરાતમાં આજે સવારથી એકધારી મેઘ ગર્જના સાથે વરસવાનું યથાવત રાખતા જનજીવન પ્રભાવિત બન્યું હોવાનું જાણવા મળે છે અને ઠેર ઠેર માર્ગો ઉપર પાણી ભરાયા હોવાના અહેવાલ છે.

Most Popular

To Top