Business

૨૦ હજાર નિર્દોષ નાગરિકોની હત્યા પછી પણ નેતન્યાહુની રક્તપિપાસા શાંત નથી થઈ

ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને ૭૫ દિવસથી વધુ સમય થઈ ગયો છે. આ યુદ્ધ તા. ૭ ઓક્ટોબરે શરૂ થયું ત્યારે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને કહ્યું હતું કે ભારતની સહાનુભૂતિ ઇઝરાયેલ સાથે છે. હવે ભારત તેવું કહી શકે તેમ નથી. યુદ્ધ હમાસે શરૂ કર્યું હતું, જેને ઇઝરાયેલ પરનો આતંકવાદી હુમલો ગણાવવામાં આવ્યો હતો. તેનો બદલો જે રીતે ઇઝરાયેલે લીધો તે આતંકવાદ કરતાં પણ વધુ ક્રૂર છે. આ ૭૫ દિવસ દરમિયાન ઈઝરાયેલના હુમલામાં ગાઝા પટ્ટીની વસ્તીના એક ટકા કે ૨૦ હજારથી વધુ લોકોનાં મોત થયાં છે. મૃતકોમાં ૮,૦૦૦ થી વધુ બાળકો અને ૬,૨૦૦ મહિલાઓનો સમાવેશ થાય છે, જ્યારે ૫૨,૦૦૦ થી વધુ લોકો ઘાયલ થયાં છે અને ૬,૭૦૦ અન્ય લોકો ગુમ છે. ઈઝરાયેલના હુમલામાં કુલ ૩૧૦ તબીબી કર્મચારીઓ, ૩૫ નાગરિક સંરક્ષણ કર્મચારીઓ અને ૯૭ પત્રકારો પણ માર્યા ગયા છે.

ઈઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું કે જ્યાં સુધી તેઓ હમાસને સંપૂર્ણ રીતે ખતમ નહીં કરે ત્યાં સુધી આ યુદ્ધ સમાપ્ત થશે નહીં. આ યુદ્ધમાં ભૂંડી ભૂમિકા ભજવનારા નેતન્યાહુને ફાંસી આપવાની માગણી જોર પકડી રહી છે. ગાઝા યુદ્ધમાં ઘાયલ થયેલાં લોકોને ઇજિપ્તની અલ એરિશ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા છે, જેમાંથી ઘણાની હાલત અત્યંત ગંભીર છે. ગાઝામાં આરોગ્ય વ્યવસ્થા ભાંગી પડી હોવાથી ઇજિપ્તે માનવતાવાદી પહેલ કરીને ઘાયલોને રફાહ સરહદ દ્વારા તેની હોસ્પિટલમાં આવવાની સુવિધા આપી છે. ગાઝામાં યુદ્ધવિરામ અને કેદીઓની અદલાબદલીને લઈને ઈજિપ્ત હાલમાં હમાસ અને ઈઝરાયેલ વચ્ચે મધ્યસ્થીની ભૂમિકા ભજવી રહ્યું છે. આ સંબંધમાં હમાસના વડા ઇસ્માઇલ હાનિયાએ તાજેતરમાં ઇજિપ્તની મુલાકાત લીધી હતી અને તેઓ ઇઝરાયેલ સાથે યુદ્ધવિરામ કરારની વાટાઘાટો કરી રહેલા પ્રતિનિધિઓને મળ્યા હતા. ગાઝા માટેની માનવીય સહાય ઇજિપ્તના અલ એરિશ એરપોર્ટ પર સતત પહોંચી રહી છે.

ગાઝા યુદ્ધ પહેલાં ઈઝરાયેલની જાસૂસી સંસ્થા મોસાદની દુનિયાભરમાં બોલબાલા હતી. વિશ્વભરની ગુપ્તચર એજન્સીઓમાં મોસાદને સૌથી શક્તિશાળી માનવામાં આવતું હતું. આ મોસાદ ૭ ઓક્ટોબરે હમાસ દ્વારા કરવામાં આવેલા આટલા મોટા હુમલાને શોધી કાઢવામાં નિષ્ફળ ગયું હતું. ઇઝરાયેલી આર્મી એટલે કે ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ (IDF) ને પણ તેના દુશ્મનો સામે ચોક્કસ કાર્યવાહી કરવામાં કુશળ માનવામાં આવે છે; પરંતુ તે જ IDF ગાઝા પટ્ટીમાં ૭૫ દિવસના યુદ્ધ છતાં હમાસના એક પણ ટોચના કમાન્ડરને પકડવામાં કે મારવામાં નિષ્ફળ રહ્યું છે. આવી સ્થિતિમાં ગાઝા પટ્ટી પર હુમલો કરીને ઈઝરાયેલ ફસાઈ ગયું છે કે કેમ? તેવા સવાલો ઊઠી રહ્યા છે. વિશ્વભરના હાઈટેક હથિયારોથી સજ્જ ઈઝરાયેલ આર્મી અને મોસાદ હજુ પણ ૪૨ ચોરસ કિલોમીટરમાં છૂપાયેલા હમાસના આતંકવાદીઓને અને તેમના ૨૦૦થી વધુ બંધકોને શોધી શક્યા નથી.

ઇઝરાયેલી સૈન્યે ઉત્તર ગાઝામાં હમાસના લશ્કરી મુખ્યાલયની નીચે અને તેની આસપાસનું ટનલનું નેટવર્ક ખોદ્યું છે. તેમાંથી ઇઝરાયેલની સેનાને હમાસના વિડિયો ફૂટેજ, બે વ્હીલચેર અને હમાસના સૈન્ય વડા મોહમ્મદ ડેઇફ સાથે સંબંધિત ગુપ્ત માહિતી અને દસ્તાવેજો મળ્યા હતા. આને એક મોટી સિદ્ધિ માનવામાં આવે છે, પરંતુ મોહમ્મદ ડેઇફ હજુ પણ વ્હીલચેરનો ઉપયોગ કરે છે કે તે પોતાની જાતે ચાલી શકે છે કે કેમ? તે અંગે ચર્ચા ચાલી રહી છે. સૌથી મહત્ત્વનો પ્રશ્ન એ છે કે ડેઇફ હવે ક્યાં છે? ઈઝરાયેલનાં સૈન્ય સૂત્રોએ કહ્યું છે કે તેઓ હજુ પણ જાણતા નથી કે મોહમ્મદ ડેઇફ ક્યાં છે. ઇઝરાયેલની ગુપ્તચર એજન્સીઓ માને છે કે ઓક્ટોબરના અંતમાં આઇડીએફના આક્રમણ બાદ મોહમ્મદ ડેઇફ દક્ષિણ ગાઝામાં તેના લશ્કરી મુખ્યાલયમાંથી ભાગી ગયો હતો. એવું પણ માનવામાં આવે છે કે ડેઇફ ખાન યુનિસમાં છે, જ્યાં તેના ઘણા સંપર્કો છે અને જ્યાં હમાસનાં આતંકવાદી દળો તેમનો સૌથી મહત્ત્વપૂર્ણ મોરચો સ્થાપિત કરી શકે છે.

મોહમ્મદ ડેઇફ ખાન યુનિસની નજીકના એક નાના ગામમાં હોઈ શકે છે, જેને IDF દળો અવગણી શકે છે અથવા તે ઇજિપ્તની સરહદ પરના સંવેદનશીલ ફિલાડેલ્ફિયા કોરિડોર વિસ્તારની નજીકના રફાહમાં ભાગી ગયો હશે, જેને IDF હજી પણ મોટે ભાગે ટાળે છે. તે પણ શક્ય છે કે તે ઇજિપ્ત ભાગી ગયો હોય, જ્યાંથી તે હમાસના આતંકવાદીઓને સુરક્ષિત આશ્રયસ્થાન પૂરા પાડતા વિશ્વભરનાં અનેક સ્થળોની યાત્રા કરી શકે. યુદ્ધનાં ૧૦ અઠવાડિયાં પછી IDF એ મોહમ્મદ ડેઇફ કે હમાસના બીજા ક્રમના સર્વોચ્ચ નેતા યાહ્યા સિનવારને ન તો માર્યો છે કે ન તો તેની ધરપકડ કરી છે.

કોઈ સમયે મોસાદનું પરાક્રમ વિશ્વભરમાં ચર્ચાનો વિષય હતું. તે મોસાદ હવે બદનામીના સમયગાળામાંથી પસાર થઈ રહ્યું છે. ઓક્ટોબરમાં હમાસના હુમલાની જાણકારી મેળવવામાં મોસાદ સંપૂર્ણપણે નિષ્ફળ ગયું હતું. આ સિવાય મોસાદને હમાસના ત્રણ ટોચના કમાન્ડર ઈસ્માઈલ હાનિયા, યાહ્યા સિનવર અને મોહમ્મદ ડેઈફનાં ઠેકાણાંની પણ ખબર નથી. મોસાદની વાસ્તવિક બદનામી ત્યારે થઈ જ્યારે તેણે કહ્યું કે તે હમાસના આતંકવાદી મિશનના માસ્ટરમાઈન્ડ મોહમ્મદ ડેઈફના સ્વાસ્થ્ય વિશે કંઈ પણ જાણતું નથી. ઈઝરાયેલ પર હમાસના હુમલાનો માસ્ટરમાઈન્ડ મોહમ્મદ ડેઇફ જીવંત અને સ્વસ્થ છે. આટલું જ નહીં, મોહમ્મદ ડેઇફ લકવાની અટકળોને ફગાવીને પોતાના બંને પગના બળ પર ચાલી રહ્યો છે. આ એ જ મોહમ્મદ ડેઇફ છે, જેને ઈઝરાયેલ વર્ષોથી શોધી રહ્યું છે અને ગુપ્તચર સંસ્થા મોસાદ અત્યાર સુધીમાં સાત વખત તેને મારવાના નિષ્ફળ પ્રયાસો કરી ચૂકી છે. મોહમ્મદ ડેઇફ હમાસની અલ કાસમ બ્રિગેડનો કમાન્ડર છે. લેટેસ્ટ વિડિયોમાં ખુલાસો થયો છે કે ઈઝરાયેલની સેના મોહમ્મદ ડેઇફને લકવાગ્રસ્ત હોવાનું માની લેવામાં ભૂલ કરી રહી હતી.

મોહમ્મદ ડેઇફ સારી રીતે ચાલી શકે છે અને તેને કૃત્રિમ પગ અથવા વ્હીલ ચેરનો ઉપયોગ કરવાની જરૂર નથી. અન્ય વિડિયો ફૂટેજમાં મોહમ્મદ ડેઇફ બેઠેલો જોવા મળે છે. મોહમ્મદ ડેઈફના બંને હાથ પણ સહીસલામત છે. મોસાદે વર્ષ ૨૦૧૪માં ઓપરેશન પ્રોટેક્ટીવ એજ શરૂ કર્યું હતું, જેમાં મોહમ્મદ ડેઇફ પર ચાર વખત હુમલો કરવામાં આવ્યો હતો અને તે ખરાબ રીતે ઘાયલ થયો હતો. એવું માનવામાં આવે છે કે મોહમ્મદ ડેઇફ સારવાર બાદ સ્વસ્થ થઈ ગયો છે. મોહમ્મદ ડેઇફે તાજેતરમાં ચેતવણી આપી હતી કે ઇઝરાયેલને ટેમ્પલ માઉન્ટ અને શેખ જરાહની ઘટનાઓની ભારે કિંમત ચૂકવવી પડશે. ઈઝરાયેલે મોહમ્મદ ડેઈફ વિશે માહિતી આપનારને એક લાખ ડોલરના અને યાહ્યા સિનવાર વિશે માહિતી આપનારને ચાર લાખ ડોલરના ઇનામની જાહેરાત કરી છે.

આ દરમિયાન હમાસના ઓસામા બિન લાદેન તરીકે ઓળખાતા ઈસ્માઈલ હાનિયાએ પાકિસ્તાનને ઈઝરાયેલને પરમાણુ યુદ્ધની ધમકી આપવાની વિનંતી કરી છે. ઈસ્માઈલ હાનિયાએ પાકિસ્તાનમાં આયોજિત હમાસ નેતાઓ અને ઈસ્લામિક વિદ્વાનોની કોન્ફરન્સને પણ સંબોધિત કરી હતી. તેણે કહ્યું હતું કે ‘‘પાકિસ્તાન પરમાણુ સમૃદ્ધ દેશ છે. જો તે ઈઝરાયેલને પરમાણુ યુદ્ધની ધમકી આપે તો આ યુદ્ધ રોકી શકાય તેમ છે. પાકિસ્તાને મુસ્લિમ દેશોના સમર્થનમાં આગળ આવવું જોઈએ. પાકિસ્તાન એક મજબૂત દેશ છે. જો પાકિસ્તાન ઈઝરાયેલને ધમકી આપે તો યુદ્ધ અટકી શકે છે.’’
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top