Business

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે આઠ રાજયોના મુખ્યમંત્રીઓ આજ માણી રહ્યાં છે ગુજરાતનો

ગુજરાતના ખાસ કરીને સૌરાષ્ટ્રના લોકમેળા માણવાની મજા કંઇક ઓર જ હોય છે. તેમાં પણ તરણેતરનો મેળો, જુનાગઢનો ભવનાથનો મેળો અને માધવપુર (ઘેડ)નો લોકમેળો તો ખૂબ જ વિખ્યાત અને લોકપ્રિય રહ્યો છે. સુરેન્દ્રનગરના થાનગઢ પાસેના તરણેતર મેળામાં ભકિત સાથે પારંપારિક લોકસંસ્કૃતિનો અનુભવ થાય છે તો જુનાગઢના ભવનાથના મેળામા સંત-સમાગમની દિવ્ય અનુભૂતિ છે. માધવપુર (ઘેડ)નો મેળો ભગવાન કૃષ્ણ અને રાણી રુક્ષ્મણીજીના શુભ વિવાહને યાદ કરી પાંચ દિવસ યોજાતો મેળો છે. અહિં પણ સૌરાષ્ટ્રના માલધારી, મેર, ભરવાડ, રબારી, આહીર, ચારણ દરબાર એમ અઢારેય વરણના લોકો પારંપારિક લોક પરિધાન ધારણ કરીને રુક્ષ્મણીજીના વિવાહને લોકમેળા સ્વરૂપે માણવા પહોંચી જાય છે. કોરોનાને કારણે છેલ્લા બે વર્ષથી આ મેળો વિશાળ સ્વરૂપે નહોતો યોજાતો, માત્ર પારંપારિક વિધિ અનુસાર ધાર્મિક ક્રિયાઓ સાથે સંપન્ન કરી દેવાતો. હળવા થઇ ગયેલા વાતાવરણમાં પાંચ દિવસનો આ લોકમેળો ગઇકાલ રામનવમીથી પ્રારંભ થઇ ગયો છે. દેશના ઉત્તર-પૂર્વીય રાજયોના પ્રતિનિધિઓ સાથે ગુજરાતની સંસ્કૃતિનો આ લોકમેળો રાષ્ટ્રિય ઉત્સવની જેમ ઉજવાય રહ્યો છે. આવો, થોડી વિગતસરની વાતો જાણીએ.

પોરંબદર જિલ્લાના માધવપુર ગામે પરંપરાગત લોકમેળો યોજાય છે. ભગવાન કૃષ્ણ મથુરા છોડી દ્વારિકામાં વસ્યા એ સમયે અરુણાચલ પ્રદેશના રાજા ભિષ્મક હતા. રુક્ષ્મણી અને રુકમી તેના પુત્રી અને પુત્ર હતા. આ રાજા ભિષ્મકના કંસ, જરાસંઘ અને શિશુપાલ સાથે સંબંધો બહુ સારા હતા. રાજા ભિષ્મકે સંબંધોને સગપણમાં ફેરવવા તેની પુત્રી રુક્ષ્મણીદેવીને ચેદી નરેશ શિશુપાલ સાથે વિવાહ કરવાનું નકકી કર્યુ પણ તે રુક્ષ્મણીને પસંદ ના હતું તે માનતા હતાં કે શિશુપાલ પુર્વજન્મે રાવણ હતો. તે કૃષ્ણને ચાહતી હતી તેથી તેણે તેની બ્રાહ્મણ સખી સાથે ભગવાન કૃષ્ણને સંદેશ લખી મોકલ્યો કે તમે જ મારા પ્રિયવર છો મને અહિંથી લઇ જાઓ. બીજી તરફ શિશુપાલ જાન લઇને પરણવા આવ્યો તે દરમ્યાન ભગવાન કૃષ્ણ પણ પહોંચી ગયા હતા અને રુક્ષ્મણીને મંડપમાંથી હરણ કરી ગયા. શિશુપાલ અને રુક્ષ્મણીનો ભાઇ રુકમીએ તેની સેના સાથે કૃષ્ણ સાથે યુદ્ધ છેડી દીધુ પણ વિશાળ યાદવસેના સાથે પહોંચેલા કૃષ્ણ ભગવાન અંતે એ લોકોને હરાવીને રુક્ષ્મણીને લઇ જવામાં સફળ રહ્યાં. દ્વારિકા પહોંચતા પહેલા રસ્તામા આવતા માધવપુર ખાતે ભગવાન કૃષ્ણના અને રુક્ષ્મણીના વિવાહ થયા હતા એવી કથાનુસાર આજ પર્યંત ચૈત્ર સુદ નોમથી તેરસ સુધી અહીં લોકમેળા સ્વરૂપે એ વિવાહ પ્રસંગને યાદ કરી કૃષ્ણ – રુક્ષ્મણીજીના વિવાહ યોજાય છે. આજુબાજુના પંથકના લાખો લોકો આ લગ્નોત્સવ રૂપે યોજાતા લોકમેળામાં સહભાગી બને છે.

રુક્ષ્મણીજી અરૂણાચલ પ્રદેશના મિશમી સમૂદાયના રાજા ભિષ્મકના પુત્રી હોવાથી ગુજરાત અને ઉત્તર-પૂર્વીય રાજયો સાથે સાંસ્કૃતિક ભાવનાઓ સાથે હવે રાષ્ટ્રિય ભાવનાઓ જોડાયેલ છે. આ વખતે આ લોકમહોત્સવ રાષ્ટ્રિય ઉત્સવની જેમ ઉજવાઇ રહ્યો છે. અતિથિપદે દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજી ગઇકાલે ગુજરાત પધારવાના હતા તો આવી ગયા હશે. ગુજરાત પ્રવાસ દરમ્યાન તેઓ પરિવાર સાથે માધવપુરમાં હાજરી આપવા ઉપરાંત દ્વારકા, પોરબંદર અને સરદાર પટેલનું સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા જશે. મહત્વપૂર્ણ બાબત એ રહેશે કે માધવપુરના મેળામાં ઉત્સવને માણવા મણીપુર, નાગાલેન્ડ, સિકિકમ, અરૂણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય તથા ત્રિપુરાના મુખ્યમંત્રીઓ સહિત ગુજરાતના મુખ્યમંત્રી પણ હાજરી આપશે. આટલા બધા મહાનુભાવોની હાજરીને કારણે સુરક્ષા વ્યવસ્થા માટે ખૂબ ધ્યાન અપાયું છે. સ્થાનિક અને જિલ્લા પ્રશાસકોએ યાત્રીઓની સગવડતાને ધ્યાનમાં રાખી રહેવા, જમવા સાથે મેડિકલ વ્યવસ્થા પર પુરું ધ્યાન આપ્યું છે. ઉત્તર-પૂર્વી રાજયોના લગભગ ૫૦૦ જેટલા લોકકલાકારો પણ આવવાના હતા. ઉપરાંત ત્યાંની પરંપરાગત હેન્ડલુમ-હેન્ડીક્રાફટના ૨૦૦ જેટલા સ્ટોલધારકોને સ્ટોલ ફાળવેલા હોવાથી વ્યાપારાર્થે ત્યાના વેપારીઓ પણ આવશે. ટુંકમાં આ વખતના માધવપુરના મેળાની રંગત કંઇક વિશેષ હશે. તા. ૧૦ થી ૧૪ સુધી ચાલનારા આ મેળામાં રોજ સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે જેમાં ગુજરાતના પણ ડાયરા, સંતવાણી, જેવા વિવિધ કાર્યક્રમમાં ગુજરાતના ગજાના કલાકારો ભાગ લેશે.

માધવપુર (ઘેડ)નો મેળો માત્ર ફન-ફેર જ નહિ બની રહેતા પંથકના ખાસ લોકજાતિના લોકો માટે કૃષ્ણ-રુક્ષ્મણીનો લગ્નોત્સવ છે. પાંચ દિવસના મેળાની ઉજવણી સાથે રોજેરોજ ભગવાનના લગ્નની વિધિના ભાગરૂપે ફૂલેકુ, મામેરૂં, વરયાત્રા જેવા પ્રસંગો ઉજવાશે. વાહનોની સુવિધા વધતા બસ, ટ્રક, ટ્રેકટર, છકડા રીક્ષા અને બાઇક પર આવવાવાળા લોકોની સાથે હજુય આજુબાજુના વિસ્તારમાંથી ટ્રેકટર, ઉંટગાડી, બળદગાડાને શણગારી ગામઠી લગ્નની જેમ ઠાકોરજીના લગ્નને માણવા ઉમટી પડે છે. રામનવમીથી પ્રારંભ થતા મેળામાં નોમને દિવસે મંડપારોપણ થાય છે તો ભગવાન માધવરાયજીના મંદિરેથી વાજતે-ગાજતે માધવનું ફુલેકું નિકળે છે. એ જ રીતે દસમ અને અગિયારસના રોજ બીજુ અને ત્રીજુ ફૂલેકુ બેન્ડબાજા અને ડીજે સાથે જાનૈયાઓના નાચગાન સાથે નિકળે છે. ચૈત્ર સુદ બારસના દિવસે વિવાહ ઉત્સવ ઉજવાય છે તેમા માધવપુરની નજીકના કડછી ગામના મેર લોકો શણગારેગા ઉંટ-ઘોડાના કાફલા સાથે રુક્ષ્મણીજીનું મામેરું લઇને આવે છે. આ બારસનાં દિવસે મેળો ચરમસીમાએ હોય છે. અહીં આવેલ મધુવન ખાતેના મહાપ્રભુજીની બેઠકના સાનિધ્યમાં કન્યાપક્ષ તરફથી જાનનું સામૈયુ થાય છે. વિધિ અનુસાર મંત્રોચ્ચાર સાથે કૃષ્ણ-રુક્ષ્મણીજીના વિવાહ થાય છે. જાન આખી રાત રોકાય છે અને તેરસના દિવસે જાનને વિદાય અપાય છે. વાજતે – ગાજતે વિદાય થયેલી જાન બપોરે ૩ વાગે નીજ મંદિરે પહોંચે છે અને ત્યારબાદ મેળાની પૂર્ણાહુતિ થતી હોય છે.

અરબી સમુદ્રના કાંઠે આવેલ આ તીર્થધામે આખુ વરસ યાત્રાળુઓ દર્શને આવતા રહે છે. સુંદર અને સ્વચ્છ દરિયાકાંઠો હોવાથી સહેલાણીઓ માટે પણ માણવા જેવુ ડેસ્ટીનેશન છે. સ્કંદ પુરાણમાં માધવપુર તીર્થનો મહિમા વર્ણવાયો છે. હજારો વર્ષથી ઉજવાતા કૃષ્ણ-રુક્ષ્મણીના લગ્નોત્સવની આ ભૂમિ પર રામાનુજાચાર્ય, વલ્લભાચાર્ય, ગોરખનાથ, રામાનંદજી અને સંત કબીર જેવા સંતો પધારી ચુકયા છે. માધવરાયજીના પૈારાણિક મંદિર ઉપરાંત નજીકના મધુવન ખાતે નિલકંઠ મહાદેવનું પ્રાચીન મંદિર દર્શનીય છે. રામદેવપીર મંદિર, સ્વામિનારાયણ મંદિર, કપિલમુનિની દેરી, પાંચ પાંડવ મંદિર, મહાપ્રભુજીની ૬૬મી બેઠક ઉપરાંત જુજ જેાવા મળતા જમણી બાજુની સુંઢવાળા ગણેશનું મંદિર પણ અહીં આવેલું છે. અહીં ઓશો રજનીશનો આશ્રમ હોવાથી વિદેશી યાત્રીઓ પણ આવતા રહે છે. લોકસાહિત્ય અને લોકમેળા પર રિસર્ચ કરતા દેશ-વિદેશના સાહિત્યકારો, સંશોધકો અને ફોટોગ્રાફરોની અહી અવર-જવર વધુ જોવા મળે છે. ગુજરાત ટુરિઝમ વધુ એકિટવ થતા માધવપુરને યાત્રાસ્થળની સાથે વધુ સગવડદાયી પ્રવાસીસ્થળ બનાવવાની નવી યોજનાઓ બનાવી રહ્યું છે.

Most Popular

To Top