Sanidhya

લસણ, ડુંગળી ખાવાથી શુક્રાણુ વધે કે ઘટે અને રોજિંદા ખોરાકમાં શું ખાવાથી શુક્રાણુ વધે?

વેરીકોસીલ નામની તકલીફમાં પણ શુક્રાણુની સંખ્યા ઓછી થઈ શકે છે.
સમસ્યા: મારી ઉંમર 35 વર્ષની છે. મારો સવાલ એ છેકે લસણ, ડુંગળી ખાવાથી શુક્રાણુ વધે કે ઘટે અને રોજિંદા ખોરાકમાં શું ખાવાથી શુક્રાણુ વધે? મારે બાળક નથી તો યોગ્ય જવાબ આપવા વિનંતી છે.
ઉકેલ: બાળક ના હોવા માટે સ્ત્રી અથવા પુરુષ અથવા બન્ને પણ જવાબદાર હોઇ શકે છે. બાળક થવા માટે માત્ર શુક્રાણુની સંખ્યા જ નહીં પરંતુ તેની હલનચલન શક્તિ પણ જોવી જરૂરી છે અને તેમાં રહેલી કમીનું કારણ જાણવું અગત્યનું છે. શુક્રાણુ વધારવાની દવા કરાવતા પહેલાં રોગનું મૂળ દૂર કરવું આવશ્યક છે. નાનપણમાં થયેલ અછબડાના કારણે પણ શુક્રાણુની સંખ્યા અને હલનચલન ઉપર અસર થઈ શકે છે.

વેરીકોસીલ નામની તકલીફમાં પણ શુક્રાણુની સંખ્યા ઓછી થઈ શકે છે. બાકી લસણ અથવા ડુંગળી ખાવાથી શુક્રાણુની સંખ્યા ઉપર કે જાતીય જીવનમાં કોઇ જ ફેર પડતો નથી. પિતા બનવા માગતા પુરુષોએ વિટામિન ‘સી’વાળો ખોરાક, કઠોળ અને ઓછી ફેટવાળું દૂધ આહારમાં લેવું જોઇએ. સાથે સાથે તમાકુ, સિગારેટ, બીડી, શરાબ અને માંસાહાર (ઇંડાં સહિત)નો ત્યાગ કરવો જોઇએ. શુક્રાણુની સંખ્યા ઓછી હોય તો ટાઈટ કપડાં પહેરવાનું અવોઈડ કરવું જોઈએ તેમ જ સ્ટીમ સોના બાથમાં ના જવું જોઈએ. પરંતુ માત્ર એકલો આહાર ક્યારેય પણ મદદરૂપ થતો નથી. આ માટે સચોટ નિદાન અને યોગ્ય સારવાર કરાવવી જરૂરી છે. સારવારથી શુક્રાણુની સંખ્યા ચોક્કસ વધી શકે છે.

મને જલ્દી સ્ખલન થઇ જાય છે.
સમસ્યા:
છેલ્લાં 10 વર્ષથી હસ્તમૈથુનની આદત છે. તેને કારણે મને જલ્દી સ્ખલન થઇ જાય છે અને આ જ કારણસર શિશ્ન આડું થઇ ગયેલ છે. હવે મને બીક છે કે જ્યારે સંભોગ કરવાનો વારો આવશે ત્યારે આડા શિશ્નને લીધે મને તકલીફ પડશે અને પત્નીને આનંદ નહીં આપી શકું. તો તેનો ઉપાય અને દવા સૂચવવા વિનંતી છે. જો દવાથી ફાયદો ના થાય તો ઓપરેશનથી થાય એમ હોય તો તેનો ખર્ચ કેટલો આવશે તે પણ જણાવશો. મારો બીજો પ્રશ્ન પણ છે. કોઇ એઇડ્સગ્રસ્ત સ્ત્રીને આપણે હોઠથી હોઠ મળાવીને ચુંબન કરીએ તથા મુખમૈથુન કરીએ તો એઇડ્સ થઇ શકે?

ઉકેલ: હસ્તમૈથુન એક આદત છે. કોઇ બીમારી નહીં. મોટા ભાગના પુરુષોએ અને ઘણી બધી સ્ત્રીઓએ તેમના જીવનમાં ક્યારેક ને ક્યારેક તો હસ્તમૈથુનનો આનંદ માણેલ જ હોય છે. જો હસ્તમૈથુનથી શારીરિક તકલીફ થતી હોય તો ભારત દેશની વસ્તી 135 કરોડની થઇ જ ના હોત. યાદ રાખો વપરાશથી વૃધ્ધિ થાય છે અને બિનવપરાશથી શિથિલતા આવે છે. શીઘ્ર સ્ખલનની સારવાર ઘણી વાર અત્રે ચર્ચી ચૂકેલ છે. નવી આધુનિક દવાઓથી મોટા ભાગના પુરુષોને શીઘ્ર સ્ખલનની તકલીફમાં 7 થી 10 દિવસમાં સુધારો જોવા મળે છે અને ઈચ્છે એટલો સમય સ્ખલન રોકી શકે છે. તેના માટે જૂના લેખો વાંચવા વિનંતી. દરેક પુરુષની ઇન્દ્રિય થોડી જમણી કે ડાબી બાજુ, થોડી ઉપર કે નીચે તરફ વળાંક ધરાવતી જ હોય છે. કેળાના આકારનો જેટલો વળાંક સામાન્ય બાબત છે.

ચિંતાનો નહીં. જો મારી પાસે દરવાજાની ચાવી નહીં હોય તો હું બારીમાંથી દાખલ થઇશ. મારો મતલબ રૂમમાં પ્રવેશ કરવાનો છે. પછી બારણાં કે બારીમાંથી પ્રવેશ કરવાથી કોઇ ફરક પડે? તે જ રીતે ઇન્દ્રિયનો વળાંક ડાબી તરફ હોય કે જમણી તરફ પ્રવેશ તો સીધો જ થશે. આનાથી તમને કે તમારા સાથીને જાતીય સંબંધમાં કોઇ જ તકલીફ નહીં પડે. આના માટે દવા કે ઓપરેશનની કોઇ જ જરૂર નથી. હા પરંતુ લગ્નેતર સંબંધ રાખશો તો એઇડ્સ થવાની શક્યતા પૂરેપૂરી છે. શરીરના દરેક પ્રવાહી જેવા કે લોહી, આંસુ, લાળ, દૂધ વગેરેમાં એઇડ્સના વાયરસ મળેલ છે પરંતુ માત્ર ચેપ થવા આ વાયરસ એકલા જવાબદાર નથી પરંતુ કેટલી સંખ્યામાં એટલે કે વાયરલ લોડ પણ અગત્યનો છે માટે ‘ચેતતો નર સદા સુખી’વાળી કહેવત યાદ રાખવી જોઇએ.

મને લાગે છે કે પત્નીને ગર્ભ રહી ગયેલ છે
સમસ્યા:
મારી ઉંમર 23 વર્ષ છે અને પત્નીની ઉંમર 21 વર્ષ છે. મારા લગ્ન થયાને હજી 2 મહિના થયા નથી. અમારે 2 વર્ષ સુધી બાળક જોઇતું નથી. આપની કોલમમાં વાંચેલ છે કે 18 દિવસ પછી સેકસ કરવાથી ગર્ભ રહેતો નથી. અમે માસિકના 12મા દિવસે સેક્સ માણેલ. મને લાગે છે કે પત્નીને ગર્ભ રહી ગયેલ છે. તેને પેટમાં દુખાવો થાય છે. જો ગર્ભ રહી ગયેલ હોય તો તેને મટાડવા શું કરવાનું? ડૉક્ટર પાસે ગયા વગર જ ગર્ભ પડી જાય તેવી દવા જણાવશો.

ઉકેલ: સૌ પ્રથમ તો આપ માસિકની તારીખ સુધી રાહ જુઓ. જો સાતેક દિવસ ઉપર ચઢી ગયા હોય તો પેશાબની તપાસ કરાવી લો. જો તેમાં પ્રેગ્નન્સી ટેસ્ટ પોઝિટિવ આવે તો સ્ત્રીરોગ નિષ્ણાત ડૉક્ટર પાસેથી ચેકઅપ કરાવી લો. હા હવે એવી દવાઓ ઉપલબ્ધ છે કે જેનાથી શરૂઆતના દિવસનો ગર્ભ દૂર કરી શકાય છે પરંતુ આ બધી દવા સ્ત્રીરોગ નિષ્ણાતની દેખરેખ નીચે જ લેવી પડે. જો આપ ગર્ભ ના રહે તેમ જ ઇચ્છતા હો તો નિરોધનો ઉપયોગ કરી શકો છો અને નિરોધ માફક ના આવતો હોય તો ગર્ભનિરોધક ગોળી પણ આપની પત્ની લઇ શકે છે.

આ ગોળીઓ નિયમિત લેવાથી 100 % અસરકારક નિવડે છે અને હવે તેની પહેલાં જેવી આડઅસર પણ જોવા નથી મળતી. આ બન્ને માફક ના આવે તો ત્રીજો રસ્તો પણ છે. તે સંભોગ પૂર્વે સ્ત્રીના યોનિમાર્ગમાં મૂકવાની દવા. મેં ક્યારેય એમ નથી લખેલ કે માસિકના અઢારમા દિવસ પછી સંબંધ રાખવાથી બાળક નથી રહેતું. મેં લખેલ છે કે આ દિવસો રિલેટીવલી ગર્ભ ના રહે તેવા દિવસો છે. માસિકના બારમા દિવસથી સોળમા દિવસમાં જાતીય સંબંધ રાખવાથી બાળક રહેવાની શક્યતાઓ મહિનાના બીજા દિવસો કરતાં વધારે રહેલ હોય છે.

Most Popular

To Top