Vadodara

તબીબોનો કાળા કપડાં પહેરી ઉગ્ર સૂત્રોચ્ચાર પોકારી વિરોધ

વડોદરા : વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં વિવિધ માંગણીઓને લઈને મેડિકલ કોલેજોના રેસિડેન્ટ્સ ડોકટરોએ સરકાર સામે બાંયો ચઢાવી છે.તેવામાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે કડવું નિવેદન આપતા ડોકટરોનો પારો વધુ ઉપર ગયો છે.અને તેમણે શુક્રવારે સેવાઓ બંધ કરી હતી.સાથે કાળા કપડાં પહેરી બેનરો પોસ્ટરો સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ગુજરાત રાજ્યમાં કોરોનાના કપરાકાળ દરમિયાન પોતાની અને પોતાના પરિવારજનોની ચિંતા કર્યા વિના લોકોના સુખાઆર્થે સતત ખડેપગે સેવા આપનાર રેસિડેન્ટ તબીબો સાથે સરકાર દ્વારા અણછાજતું વર્તન કરાતું હોવાના આક્ષેપ ઉઠ્યા છે.

ઓલ ગુજરાત જુનિયર ડોક્ટર્સ એસોસિએશન દ્વારા તેમની કેટલીક માંગણીઓને લઈને સરકાર સામે બુધવાર સાંજથી હડતાલનું આંદોલન શરૂ કર્યું છે.ત્યારે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિનભાઈ પટેલે જુનિયર રેસિડેન્ટ્સ ડોક્ટરોની હડતાલને ગેરવ્યાજબી ગણાવી ફરજ પર હાજર થવાનું ફરમાન કર્યું છે.તેમજ એપેડમિક એકટ અન્વયે શિક્ષાત્મક પગલાં લેવા માટેની ચિમકી ઉચ્ચારી છે. બીજી તરફ રોષે ભરાયેલા રેસિડેન્ટ્સ ડોકટરો દ્વારા દ્વારા તેમનું હડતાલનું આંદોલન આગળ ધપાવી આંદોલનના બીજા દિવસે શુક્રવારે સવારે સરકારના નિવેદન સામે કાળો દિવસ મનાવ્યો હતો.

અને કાળા કપડાં પહેરીને સયાજી હોસ્પિટલમાં ઉગ્ર સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો.તદુપરાંત કોવિડ ઈમર્જન્સી વિભાગ ,કોરોના સેન્ટર , તથા પ્રસ્તૃતિ વિભાગમાં સારવાર સેવા બંધ રાખી કામગીરીથી અળગા રહ્યા હતા. સયાજી હોસ્પિટલના ઈમર્જન્સી વિભાગમાં ડોકટરોની ગેરહાજરીને લઈ આ વિભાગમાં ડોકટરો વિના સૂમસામ બન્યા હતા. જોકે હોસ્પિટલના સત્તાધીશોએ દર્દીઓને તકલીફ કે હાલાકી ન પડે તે માટે મેડીકલ કોલેજના પ્રાધ્યાપકોની ત્વરિત રજાઓ રદ કરી ફરજ સોંપવામાં આવી છે.

પરંતુ તેઓની પણ હાજરી પાંખી જોવા મળી હતી.જ્યારે અન્ય સારવાર માટે આવતા દર્દીઓને ડોક્ટરો હડતાળ પર હોવાનું જણાવી તેમને વગર સારવારે રવાના કરી દેવાયા હતા.જ્યારે નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલે કરેલા આદેશ સંદર્ભે વડોદરા જુનિયર ડોકટર્સ એસોસિએશનના પ્રેસિડેન્ટ આકાશ દેસાઈએ જણાવ્યું હતું કે ઓલ ગુજરાત જુનિયર ડોક્ટર્સ એસોસિએશન દ્વારા જે પ્રમાણે નિર્ણય લેવાશે તેના આધારે જ આગળનો નિર્ણય લેવામાં આવશે.રેસિડેન્ટ ડોકટરોની હડતાળમાં ઈન્ટર્ન તબીબો જોડાયા હોવાનું જણાવ્યું હતું.

Most Popular

To Top