Columns

તમે અસાધારણ આવડત ધરાવો છો?

મદનલાલ જયકિસનદાસ મહેતાનો સુપુત્ર રોનક ઉર્ફે રૉની નાનપણથી જ ભણવામાં ખૂબ જ હોંશિયાર હતો. પહેલા ધોરણથી તે છેક શાળા છોડી ત્યાં સુધી એણે દર વર્ષે વાર્ષિક પરીક્ષામાં પહેલો નંબર મેળવ્યો હતો. કોલેજમાં પણ એ હરહંમેશ ફર્સ્ટ ક્લાસમાં જ અને એ પણ 80%ની આસપાસ માર્કસ મેળવીને ગ્રેજ્યુએટ થયો હતો. એ ફક્ત ભણેશરી જ નહોતો. ભણવાની સાથે રમતગમતમાં પણ ખૂબ આગળ પડતો હતો. એ બધી જ રમતો રમતો. સારી રીતે રમતો પણ ફૂટબૉલ એની પ્રિય રમત હતી. એ હંમેશાં સેન્ટર ફોરવર્ડ ઉપર રહેતો અને એકેય વાર એણે ગોલ કર્યો ન હોય એવી રમત રમ્યો નહોતો. એને વાંચવાનો પણ શોખ હતો. વાંચવાની સાથે સાથે લખવાનો પણ એને આનંદ આવતો હતો. કોલેજના મેગેઝિનમાં એના લેખો છપાતા અને વખણાતા.

રોનકને હવે વધુ અભ્યાસ માટે વિશ્વની શ્રેષ્ઠ ‘હાવર્ડ યુનિવર્સિટી’માં જવું હતું. મદનલાલની આર્થિક પરિસ્થિતિમાં એમના દીકરાને હાવર્ડની મોંઘી ફી પોષાય એમ નહોતી. ટ્યુશન ફી ઉપરાંત અમેરિકાના બોસ્ટન શહેરમાં રહેવાનો તેમ જ ખાવા-પીવાનો અને પરચૂરણ ખર્ચો પણ એમને પોષાય એમ નહોતો. રોનકે આમ છતાં માસ્ટર્સનો કોર્સ કરવા હાવર્ડ યુનિવર્સિટીમાં અરજી કરી. પહેલા ધોરણથી ગ્રેજ્યુએટ થયો ત્યાં સુધીની પરીક્ષાના બધા જ પ્રમાણપત્રો, રિઝલ્ટો અને મળેલા મેરિટ સર્ટિફિકેટો એણે મોકલી આપ્યાં. હાવર્ડ યુનિવર્સિટી એમને ત્યાં પ્રવેશ ઈચ્છતા વિદ્યાર્થીઓ પાસે એક સ્ટેટમેન્ટ ઑફ પર્પઝ માગે છે. રોનકે એમાં એની બધી જ આવડતો તેમ જ હવે પછી એ શું કરવા ઈચ્છે છે એ જણાવ્યું.

મદનલાલના માન્યામાં જ નહોતું આવતું કે હાવર્ડ જેવી વિશ્વની નંબર 1 યુનિવર્સિટીએ એમના પુત્રને પોતાને ત્યાં ભણવા આમંત્ર્યો હતો. એની ટ્યુશન ફી માફ કરી દીધી હતી અને એ ઉપરાંત એ અમેરિકામાં રહી શકે એ માટેના ખર્ચના એને વધારાના 20000ર ડોલરની સ્કૉલરશિપ આપી હતી.

રોનક હાવર્ડમાં ભણવા ગયો, ત્યાં પણ એણે નામના કાઢી. ફાઈનલ એક્ઝામમાં પ્રથમ આવ્યો. યુનિવર્સિટી કેમ્પસમાં પણ એ ખૂબ જ લોકપ્રિય બન્યો. એની યુનિવર્સિટીની ટીમમાંથી ફૂટબૉલ રમ્યો અને મૅચીસ જીત્યો. એના પ્રોફેસરોએ એને ખૂબ જ બિરદાવ્યો અને પછી અમેરિકાના ‘O-1’ વિઝા વિશે જાણકારી આપી. રોનકે ત્યાર બાદ ‘O-1’વિઝાની અરજી કરી. એને એ આપવામાં આવ્યા. હવે રોનક અમેરિકામાં જ રહે છે. એને થોડા સમયમાં જ અમેરિકાનું ગ્રીનકાર્ડ પણ પ્રાપ્ત થશે.

‘O-1’ વિઝા મેળવવા માટે તમારે એ દર્શાવવાની જરૂરિયાત રહે છે કે તમે જે કંઈ પણ વ્યવસાયમાં હો એમાં અસાધારણ આવડત ધરાવો છો. જો તમે નીચે દર્શાવેલ 9માંથી કોઈ પણ 3 ચીજો પ્રાપ્ત કરી હોય તો તમે પણ ‘O-1’ વિઝાના હકદાર થઈ શકો છો.

૧)   શ્રેષ્ઠતા માટે દેશમાં માન્યતા પામેલ ઈનામ યા એવૉર્ડ મેળવ્યો હોય, જેમ કે ભારતરત્ન, પદ્મભૂષણ, ફિલ્મફેર, ફેમિના કે ટ્રાન્સ મીડિયા કે એવા જ નાના-મોટા એવોર્ડ.

૨)   એવી સંસ્થાની મેમ્બરશિપ જે સંસ્થા સભ્યપદ ફક્ત એ જે વ્યવસાય જોડે સંકળાયેલી હોય એમાં ખ્યાતિ પામેલી વ્યક્તિને જ આપતી હોય.

૩)   જે વ્યવસાય યા ક્ષેત્રમાં કાબેલ હોય એને લગતા પુસ્તક કે પત્રિકામાં કે પછી અખબાર કે મૅગેઝિનમાં એ વ્યક્તિને લગતું લખાણ પ્રસિદ્ધ થયું હોય.

૪)   એમના ક્ષેત્રમાં એમણે કોઈ એક જજની પૅનલ ઉપર એકલા યા અન્ય કોઈ જોડે કાર્ય બજાવ્યું હોય.

૫)   એમના ક્ષેત્રમાં એમનો કોઈ પણ પ્રકારનો સારો એવો ફાળો હોય.

૬)   એમના ક્ષેત્ર વિશે લખેલા એમના જ્ઞાન અને વિદ્વત્તાભરેલા લખાણોની પ્રસિદ્ધિ.

૭)   એમના ક્ષેત્રની ખ્યાતિ ધરાવતી સંસ્થામાં નિર્ણાયક અથવા તો જરૂરિયાતના સ્થાન ઉપર નોકરી કરી શકાય.

૮)   ઉચ્ચ પગારની નોકરી.

૯)   એમના ક્ષેત્રને લગતા આવા અન્ય પુરાવાઓ.

ભારતના અનેક વિદ્યાર્થીઓ, જેઓ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવા અમેરિકાની યુનિવર્સિટીઓમાં જાય છે તેઓ ભણી રહ્યા બાદ એમની અસાધારણ આવડતના કારણે ‘O-1’ વિઝા મેળવે છે અને પછી અમેરિકામાં કાયમ રહે છે.

જો તમે વિદ્યાર્થી ન હો પણ વ્યાપારી હો, શિક્ષક યા પ્રોફેસરો હો, ડોક્ટર હો, કલાકાર હો, કોઈ પણ વિષયમાં, જેમાં તમે કાર્ય કરી રહ્યા હો એમાં ખૂબ જ આગળ પડતા હો, જો નોકરી કરતા હો તો તમને એ જ પદ ઉપર નોકરી કરતાં અન્યો કરતાં અનેક ગણી વધારે સેલરી મળતી હોય, તમે કોઈ સંસ્થાના પ્રેસિડન્ટ હો, તમને તમારા કાર્ય માટે ચંદ્રકો મળ્યા હોય, મેરિટ સર્ટિફિકેટો મળ્યા હોય, તમે એવોર્ડ પ્રાપ્ત કર્યા હોય, તમારા વિશે અખબાર યા મેગેઝિનોમાં વખાણ કરતા લેખો છપાયા હોય, ટૂંકમાં તમે જે કોઈ પણ વ્યવસાયમાં હો, એમાં ખૂબ જ આગળ પડતા હો તો તમે ‘O-1’ વિઝા મેળવીને અમેરિકામાં કાયમ રહી શકશો. ત્યાંનું ગ્રીનકાર્ડ મેળવી શકશો. એ મેળવ્યા બાદ અમેરિકન સિટિઝન પણ બની શકશો.

‘O-1’ વિઝા મેળવવા માટે, એ મેળવવાની લાયકાત દર્શાવવા માટે ‘ભારતરત્ન’, ‘પદ્મવિભૂષણ’, ‘પદ્મભૂષણ’, ‘પદ્મશ્રી’હોવું જ જરૂરી નથી. હા, તમને જો આવા આવા પદકો મળ્યા હોય તો ‘O-1’ વિઝા જરૂરથી મળે પણ આવા સર્વ શ્રેષ્ઠ પદકો મેળવ્યા હોવા જરૂરી નથી. ફક્ત તમે જે ક્ષેત્રમાં કાર્ય કરી રહ્યા છો એમાં ખૂબ જ આગળ પડતા છો એવું જો દર્શાવો તો પણ તમે ‘O-1’ વિઝા મેળવવા લાયક ઠરી શકશો.

Most Popular

To Top