Comments

ક્રોધનો વિનાશ

ગૌતમ બુદ્ધ એક ગામમાં ઝાડ નીચે બેસીને ઉપદેશ આપી રહ્યા હતા.ભગવાન બુદ્ધ ક્રોધ ન કરવા વિષે સમજાવી રહ્યા હતા કે ‘ક્રોધ વિનાશ નોતરે છે,.ક્રોધ વિચારવાની શક્તિ અને બુદ્ધિનો નાશ કરે છે.ક્રોધમાં વિવેક અને સારા નરસાનું ભાન રહેતું નથી. વ્યક્તિને ક્રોધમાં પાગલ થયા બાદ પોતે શું કરે છે તેનું ભાન રહેતું નથી અને તે એવું વર્તન કરે છે જેનાથી તેનું પોતાનું,તેના સંબંધોનું પતન થાય છે.ક્રોધમાં વ્યક્તિ અન્યને અને પોતાને નુકસાન પહોંચાડે છે.’ ભગવાન બુદ્ધે આગળ કહ્યું, ‘ક્રોધિત વ્યક્તિ ગમે ત્યારે પોતાના પરનો અંકુશ ગુમાવે છે, તેના મન પર ક્રોધ હાવી થઈ જાય ત્યાર પછી તેને પણ ખબર પડતી નથી કે તે શું કરી રહ્યો છે.

તે કોઈ પણ ખરાબ વ્યવહાર ક્રોધને વશ થઇ કરી શકે છે.’ ગામલોકોની વચ્ચે બેઠેલો એક માણસ ભગવાન બુદ્ધની ક્રોધ વિશેની આ વાતો સાંભળીને સતત વિચલિત થઇ રહ્યો હતો. તે સ્વભાવે એકદમ ક્રોધિત હતો અને એટલે તેને એમ લાગી રહ્યું હતું કે આ બધી વાત મને સંભળાવવામાં આવી રહી છે અને અચાનક ક્રોધને કારણે તેણે પિત્તો ગુમાવ્યો અને ભગવાન બુદ્ધની પાસે પહોંચી તેમને ધક્કો મારી તેમની પર થૂંક્યો અને બોલ્યો , ‘તું ઢોંગી સાધુ છે, બકવાસ કરે છે…’ ગામલોકો ગુસ્સે થઇ ગયાં અને તેને મારવા દોડ્યાં. પણ ગૌતમ બુદ્ધ આ બધાની વચ્ચે પણ એકદમ શાંત જ હતા.

તેમણે બધા ગામલોકોને રોક્યા અને કહ્યું, ‘તમે બધા શાંત થાવ. આ વ્યક્તિને કંઈ ન કહો.તેના મનમાં ક્રોધ છે અને એટલે તે આવું વર્તન કરે છે.એમાં તેની કોઈ ભૂલ નથી.’ બધાને નવાઈ લાગી કે આ માણસે ભગવાન બુદ્ધનું આટલું અપમાન કર્યું પણ તેઓ એકદમ શાંત જ છે.પેલો વ્યક્તિ ગુસ્સામાં ત્યાંથી જતો રહ્યો. રાત્રે પેલા માણસનો ક્રોધ થોડો શાંત થયો પછી તેને પસ્તાવો થવા લાગ્યો.તેને સમજાયું કે પોતે ગુસ્સામાં બહુ ખરાબ વર્તન કર્યું છે.

વહેલી સવારે તે દોડીને ભગવાન બુદ્ધનાં ચરણોમાં પડી ગયો અને માફી માંગવા લાગ્યો અને કહ્યું, ‘ભગવાન મને સજા કરો.’ ભગવાન બુદ્ધે તેને પ્રેમથી જ ઊભો કર્યો અને કહ્યું, ‘હું કાલની વાત યાદ નથી કરતો અને તું પણ નહીં કર,તને તારી ભૂલ સમજાઈ ગઈ તે સારું જ છે.’ ક્રોધ માટે યાદ રાખો કે ક્રોધ બધાને આવે છે પણ થોડા સમય માટે જ રહે છે.ક્રોધ આવે ત્યારે જો તમે ક્રોધને વશ થયા તો તે ઘણું બધું લઈને જશે.માટે જયારે ક્રોધ આવે ત્યારે શાન્ત રહેવાની કોશિશ કરવી. થોડો સમય ચૂપ થઈ જવું ,એકલા બેસવું, જેની પર ક્રોધ આવ્યો હોય તેના સારા ગુણ વિચારવા, પાણી પીવું,તો થોડી વારમાં મન શાંત થઇ જશે.

Most Popular

To Top