Gujarat

રાજકોટના પરિવારને દિલ્હીથી કામવાળી બોલાવવી મોંધી પડી ગઈ

રાજકોટ: રાજકોટનાં (Rajkot) એક પરિવારને ઘરે કામ કરવા માટે નોકરાણીની જરૂ હતી જેનાં કારણે તેઓએ જસ્ટ ડાઈલનો (Just Dial) સંપર્ક સાધ્યો હતો. જો કે તેઓના ઘરમાં એવો કિસ્સો થયો છે જેણે સનસનાટી ફેલાવી છે. મહિલા અલગ અલગ શહેરમાં ઘરકામ માટે રહી નોકરાણી તરીકે કામ કરી મકાનમાલિકનો વિશ્વાસ કેળવી તે જ મકાનમાં ચોરીનો અંજામ આપીને ફરાર થઈ જતી હતી.આ મહિલાને પોલીસે ઝડપતા રાજ્યવ્યાપી ગેંગનો પર્દાફાશ થયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ રાજકોટ શહેરના નિર્મલા રોડ પર સિલ્વર આર્ક એપાર્ટમેન્ટમાં રહેતા ફરિયાદી પ્રાંચીબેન ગૌરાગભાઇ કોટેચાએ જસ્ટ ડાયલ થકી દિલ્હીની મેઈડ પ્લેસમેન્ટ એજન્સીનો ઓનલાઈન સંપર્ક કર્યો હતો. અને તેમાંથી મહિલા અનુદેવી ઉર્ફે કલવતી ઉર્ફે સોની શકિતકુમોર મિશ્રાને ગત મહિને કામ પર રાખવામાં આવી હતી. જેમાં મેઈડ પ્લેસમેન્ટ એજન્સીને મહિલાને કામ પર રાખવા અંગે કમિશન પણ ચૂકવવામાં આવ્યું હતું. બે દિવસ ઘરકામ કર્યા બાદ મકાનમાલિક મહિલા બહાર ગયા હતા અને તેનો પતિ બહારગામ હતો જેથી મોકાનો ફાયદો ઉઠાવી ઘરમાંથી સોનાના દાગીના-વીંટી સહિતનો મુદામાલ ઉઠાવીને તારીખ 15-04-2023ના અનુદેવી ફરાર થઇ ગઇ હતી. જો કે રાજકોટ પોલીસે વેશ બદલીને આરોપી મહિલાની ઘરપકડ કરી છે.હાલ પોલીસે મહિલા આરોપીની ધરપકડ કરી તેની પાસેથી 19,000 રોકડ તેમજ 30,000 કિંમતના બે મોબાઈલ અને સોના ચાંદીના દાગીના મળી કુલ 7.24 લાખનો મુદામાલ કબ્જે કરી તેના બે સાગરીતની શોધખોળ હાથ ધરી છે.

દિલ્હીમાં આ મહિલા સતત પોતાનું રહેણાંક બદલતી રહેતી હતી અને કોઈ પુરાવાઓ છોડતી નહતી. જેનાં કારણે તેને પકડવું સહેલું ન હતું. જસ્ટ ડાયલ થકી મેઈડ પ્લેસમેન્ટ એજન્સીના નામે કર્ણાટકના બેંગ્લુરૂ, ઉતરાખંડના હરિદ્રાર, યુ.પી.ના મોરાબાદા સહિતના સ્થળે પણ ઘરોમાં ચોરી કર્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

કેવી રીતે કામ મળતું?
મહિલા દિલ્હીમાં તેના સાગરીત શ્યામ અને વિશાલ સાથે મળી અલગ અલગ રાજ્યોમાં નોકરાણી બનીને હાથફેરો કરવાની મોડેસ ઓપરેન્ડી ધરાવતી હતી. વિશાલ અને શ્યામ બન્ને પ્લેસમેન્ટ એજન્સી ચલાવતા હોવાનો અને જસ્ટ ડાયલમાં રજિસ્ટ્રેશન કરાવ્યું હોવાનો ખુલાસો થયો છે. જેથી કોઇને કામવાળાની જરૂર હોય અને મદદ માટે જસ્ટ ડાયલમાં કોલ કરે તો ત્યાંથી નંબર મળતો હતો.

Most Popular

To Top