Dakshin Gujarat

ડેડિયાપાડામાં સસ્તા અનાજનો સંચાલક પૂરતું અનાજ ન આપતો હોવાનો 3 ગામના લોકોનો આક્ષેપ

ડેડિયાપાડા: ડેડિયાપાડાના (Dediapada) વાઘઉંમર ગામે આવેલી સરકાર માન્ય (Govt approved) વ્યાજબી ભાવની દુકાન કઠિતપણે સંચાલક દ્વારા રેશનકાર્ડધારકોને (Ration card holders) પૂરતું અનાજ ન આપી સરકારી અનાજ બારોબાર વેચી નાંખ્યાનો આક્ષેપ ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યો હતો. જે માટે વાઘઉંમર, પાનખલા અને ચોપડી ગામના રેશનકાર્ડધારકોએ દુકાન સંચાલકનું લાઇસન્સ રદ નહીં કરવામાં આવે તો વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાનો મૂડ બનાવી પ્રાંત અધિકારીને લેખિત રજૂઆત કરી હતી.

દુકાનના સંચાલક વર્ષોથી સસ્તા અનાજની દુકાન ચલાવે છે
ડેડિયાપાડા તાલુકાના વાઘઉંમર, પાનખલા અને ચોપડી ગામના પ્રકાશ ખાતરીયા વસાવા, બામણીયાના વેસ્તા વસાવા, ખુમાન બીડા વસાવા સહિતના રેશનકાર્ડધારકોએ સહી કરી પ્રાંત અધિકારીને આપેલી લેખિત રજૂઆતમાં એવું જણાવ્યું હતું કે, વાઘઉંમર ગામના સસ્તા અનાજની દુકાનના સંચાલક કુમરિયા ખાતરિયા વસાવા વર્ષોથી સસ્તા અનાજની દુકાન ચલાવે છે. સરકારના નીતિનિયમ મુજબ ધારકોને પૂરતું અનાજ આપવાનું હોય છે.

છેલ્લા એક વર્ષથી કેરોસીનનું એકેય ટીપું મળ્યું નથી
જો કે, ધારાધોરણને નેવે મૂકી છેલ્લાં પાંચ-છ વર્ષથી મળવાપાત્ર અનાજ પૂરતું મળતું નથી અને પોતાની મનમાની પ્રમાણે અનાજનું વિતરણ થાય છે. તેમજ કઠિત રીતે સંચાલક અગાઉનાં પાંચ-છ વર્ષથી દરેક કાર્ડધારકને માત્ર ૨૦ કિલો ચોખા, ૫ કિલો ઘઉં અને ૧ કિલો ખાંડ વિતરણ કરવામાં આવે છે. કમનસીબે છેલ્લા એક વર્ષથી કેરોસીનનું એકેય ટીપું મળ્યું નથી. સરકારે મફત અનાજ આપ્યું પણ રેશનકાર્ડધારકોને મળ્યું નથી. તેમજ રેશનકાર્ડધારકો પાસેથી રૂ.૩૫૦થી રૂ.૯૦૦ સુધીના પૈસા લેવામાં આવે છે. અને સરકારી ધારાધોરણ મુજબ અનાજ ન આપી તેમાં ઉચાપત કરવામાં આવ્યાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યા હતા. જો કઠિતપણે દુકાનદારોનું લાઇસન્સ રદ ન કરે તો આગામી વિધાનસભાની ચૂંટણી પ્રક્રિયાનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

Most Popular

To Top