SURAT

‘જો 10 હજાર નહીં આપે તો માતાજી…’, વરાછાના હીરા દલાલને અજાણ્યા યુવકે આપી વિચિત્ર ધમકી

સુરતના કતારગામમાં ગજેરા સર્કલ વિસ્તારમાં રહેતા હીરા દલાલને વિચિત્ર ધમકી મળી છે. હીરા દલાલ કતારગામ જીઆઈડીસીના બ્રિજ પરથી પસાર થઈ રહ્યાં હતાં ત્યારે કોઈ અજાણ્યા એક્ટિવા ચાલકે રોકી ઝઘડો કર્યો હતો અને જો તું 10 હજાર નહીં આપે તો માતાજીની વિધિ કરાવીશ જેથી તું અથવા તારા ઘરમાં કોઈ છ મહિનામાં મરી જશે. હીરા દલાલે રૂપિયા તો નહોતા આપ્યા પરંતુ તે ગભરાઈ ગયો હોઈ અજાણ્યા યુવક વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી, જેથી પોલીસે તપાસ હાથ ધરી છે.

  • કતારગામમાં રહેતા હીરા દલાલ સુરેશ ભોજાણી સાથે કતારગામ જીઆઈડીસી બ્રિજ પર અજાણ્યાએ ઝઘડો કર્યો
  • મારી એક્ટિવા સાથે તારી બાઈક કેમ ભટકાવી? એમ કહીને ઝઘડો કરનાર અજાણ્યાએ માતાજીની વિધિ કરાવી મરાવી નાંખવાની ધમકી આપી 10 હજાર રૂપિયા માંગ્યા
  • રૂપિયા માતાજીના ચરણોમાં અર્પણ કરીશ એમ કહી હીરા દલાલે ધૂતારાથી પીછો છોડાવ્યો
  • હીરા દલાલની ફરિયાદને પગલે પોલીસે અજાણ્યા યુવક વિરુદ્ધ તપાસ હાથ ધરી

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ કતારગામ ગજેરા સર્કલ નંદીગ્રામ સોસાયટીમં રહેતા અને હીરા દલાલીનું કામ કરતા સુરેશ તળશીભાઈ ભોજાણી (ઉ.વ.41) ગત તા 7મીના રોજ બપોરે ઘરેથી પોતાની બાઈક લઈને મીનીબજાર ખાતે હિરા દલાલીના કામ માટે જવા માટે નિકળ્યા હતા. કતારગામ જીઆઈડીસી ચાર રસ્તા પાસે બ્રિજ ચડતી વખતે એક અજાણ્યા મોપેડ ચાલકે ઉભો રખાવી પોતાની ઓળખ દેવ હિરેન પટેલ તરીકે આપી ગાળાગાળી કરી ધમકી આપવા લાગ્યો હતો.

તેમજ અલગ અલગ નામાંકીત માણસોની ઓળખાણ આપી મારા પિતા હિરેન બહુ મોટી ઓળખાણ ધરાવે છે. તારા જેટલા હોય તેમને બોલાવી લે હવે હું તને નહી છોડુ, મારા એક્ટીવાને કેમ તારુ બાઈક ભટકાવે છે. તેમ કહી તારી ગેમ કરી નાંખુ અને તારી ચરબી કાઢી નાખું તને જાનથી હાથ ધોવા પડશે કહી ઝપાઝપી કરી લાફો માર્યો હતો. જોકે સુરેશભાઈ કોઈ માથાકુટમાં પડવા માંગતા ન હોવાની વાત કરતા દેવ પટેલે મારી એક્ટીવાને ભટકાવાની કોશીશ કરી મારા જીવનને જોખમ ઉભુ કર્યું છે પરંતુ મને મારા માતાજીએ બચાવ્યો છે તમારે સમાધાન કરવું હોય તો રૂપિયા 10 હજાર આપવા પડશે નહીંતર હું માતાજીની તમારા ઉપર વિધી કરાવીશ અને તમારા ઘરમાં છ મહિનાની અંદર તું અથવા તારા ઘરનું કોઈ મરી જશે કહેતા સુરેશને શંકા ગઈ હતી અને તેઓએ પૈસા માતાજીના મંદિરમાં આપીશ કહેતા ભાગી ગયો હતો. બનાવ અંગે પોલીસે દેવ પટેલ નામના યુવક સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top