Columns

સહિયારા સપનાનાં વાવેતર!

દસ રૂપિયે દસ દસ રૂપિયે…એ હાલો…તરબૂચ પાણીના ભાવે…..!’ પુલના છેડે તરબૂચ ભરેલાં ટેમ્પા સાથે એક માણસ બૂમ પાડી રહ્યો હતો. બજારમાં તરબૂચ વીસ રૂપિયે કિલો મળે, એની સામે આ માણસ અડધા ભાવે આપી રહ્યો હતો એટલે એના ટેમ્પા પાસે તરબૂચ લેવા માટે પડાપડી હતી. આ વર્ષે કેરી મોડી અને મોંઘી છે એથી સામાન્ય માણસને તો ભાવ સાંભળવો પણ પોસાય તેમ નથી એટલે ઘરે બાળકો–વડીલોને કોઠે ઠંડક કરવા તરબૂચ જેવું અમૃત બીજું ક્યાં શોધવું?

સવારે દસ વાગ્યાથી જગદીશભાઈ અને એનો દીકરો ટેમ્પો લઈને ઊભા હતા. બપોરનો એક થયો ત્યાં બધો માલ વેચાય ગયો. જગદીશભાઈ ટેમ્પાની સીટ નીચે કપડાંમાં વિંટાળેલી ઠંડા પાણીની બોટલ કાઢી. પહેલાં દીકરાને આપી, ‘લે બેટા…બૂમ પાડીને તારું ગળું સુકાય ગયું હશે…’ દીકરા દર્શને પાણીની બોટલ મોંઢે માંડી. અડધી બોટલ ગટગટાવી ગયો ત્યારે સામે ઊભેલા બાપ પર નજર પડી. એણે બોટલ એના તરફ લંબાવી, ‘લો પપ્પા, પાણી પી લો….!’ જગદીશભાઈના ચહેરા પર સ્મિત આવી ગયું. દીકરો પોતાને ભૂલ્યો નથી. ‘ચાલ…શેરડીનો રસ પીવડાવું.’

ઘરે પહોંચતા હજુ કલાક થશે. તેથી દીકરાની તરસ છીપાવવા માટે જગદીશભાઈ નજીક આવેલા શેરડીના કાલા પર દીકરાને લઇ ગયા. બાપ–દીકરા બન્નેએ રસના બબ્બે ગ્લાસ પીધા એટલે પેટમાં ટાઢકનો શેરડો પડયો. તૃપ્તિનો ઓડકાર ખાઈને ટેમ્પો ઘર તરફ મારી મૂક્યો. ઘર ખોલીને સવારે જુવારના રોટલા અને મગની દાળ બનાવી રાખી હતી તે બાપ–દીકરાએ ખાધાં. સાથે બોઘરું ભરીને છાશ પી ગયા. તડકો જરા નમ્યો ત્યારે ખેતર જવા જગદીશભાઈ નીકળ્યા કે તરત દર્શન ઊભો થઈ ગયો. ‘પપ્પા…હું ય આવું છું.’ હવે જગદીશભાઈને નવાઈ લાગી. એમને હતું કે આજે પહેલી વાર એ દીકરાને તરબૂચ વેચવા લઈ ગયા છે એટલે હવે પછી ખેતી કરવા કરતાં ભણીને નોકરી કરવી સારી એમ દીકરાને લાગશે કારણ કે ખેતી કરીને પૈસા રળવા એ સહેલું કામ નથી પણ એના બદલે દીકરો ખેતર આવવા તૈયાર થઈ ગયો.

બારમા ધોરણની પરીક્ષા આપીને હજુ હાલ જ દીકરો નવરો પડ્યો હતો. એકનો એક દીકરો, મા દસ વર્ષનો મૂકીને કેન્સરમાં મરી ગઈ. જગદીશભાઈએ બીજા લગ્ન કરવાના બદલે દીકરાને મોટો કરવામાં મન વાળી દીધું. મા–બાપ બેઉ રોલ એમણે ભજવ્યા. કદી દર્શનને લાગવા દીધું ન હતું કે એની મા નથી. શહેરના નજીક ગામમાં બાપદાદાની નાની ખેતી હતી. તેમાં મોસમી ફળોના પાક લઈને જગદીશભાઈનું ગાડું ગબડતું હતું. બસ એમની એક જ ઈચ્છા હતી. દીકરો સરખું ભણે તો પછી ખેતી ન કરવી પડે. સરસ મજાની નોકરી લઈને હેયને ટેસથી શહેર રહેવા મળે.

‘તારે બીજી પરીક્ષાઓની તૈયારી નથ કરવાની?’ કોમ્પિટિટિવ એક્ઝામ વિશે જગદીશભાઈને બહુ ખબર ન હતી, દીકરો બધી માહિતી આપતો પણ એમને એ યાદ રહેતું નહીં. ‘કરવાની છે ને પપ્પા…પણ ખેતી શીખવી જોઈએ ને!’ રાતોરાત ખેતીમાં દર્શનને રસ પડ્યો તેની જગદીશભાઈને નવાઈ લાગી. દીકરો નાનપણથી એમની સાથે ખેતર આવવાની જીદ કરતો ત્યારે કદીક જ એ લઇ જતા કારણ કે પોતે ભણ્યા નહોતા તેથી જ ખેતી કરવી પડે છે તેવું એમના મનમાં ઠસી ગયું હતું. છતાં રજાના દિવસોમાં ખેતરમાં આંટો મારતો, રમતો. દોસ્તારો સાથે કેરી–આમલી–જમરૂખ પાડવા જતો. તરબૂચના વેલામાં પાણી પીવડાવવા માટે મોટર ચાલુ કરી કે પાણી ધોરિયામાં વહેવા લાગ્યું. દર્શને એમાં ચંપલ કાઢીને પગ બોળી દીધા.

ખેતરમાં આવેલાં બે–ચાર ઘટાદાર ઝાડમાંથી ગળાઈને ઠંડો પવન આવતો હતો. સાંજ ઢળી રહી હતી. સૂરજે પોતાના કામણ સીમની ક્ષિતિજ પર પાથર્યા હતા. દર્શન આ એકાંત, કુદરતની કરામતને માણી રહ્યો. એને શહેરમાંની પોતાની હોસ્ટેલ યાદ આવી. સમ ખાવા પૂરતું ઝાડવું દેખાય નહીં અને એમાંય તે મોટી મોટી બીલ્ડિંગથી રોકાયેલો પવન. આસફાલ્ટના રસ્તા પર દેખાતા મૃગજળ. બારમા ધોરણની પરીક્ષા પતી તે દિવસથી એ વિચારમાં હતો કે હવે આગળ શું ભણવું તે નક્કી કરવાનો દિવસ આવી રહ્યો છે.

 બારમા ધોરણ સાયન્સની પરીક્ષા આપીને એ નવરાશ માણતાં મનમાં સતત વિચાર ઘોળાયા કરતો હતો. જગદીશભાઈનું શહેરમાં રહેવાનું સપનું એ નાનપણથી જાણતો આવ્યો છે. દર્શન પણ પોતાના પપ્પાની ઈચ્છાને માન આપીને એમના સપનાને પોતાનું સમજતો આવ્યો છે. છેલ્લાં બે વર્ષથી ચાલતી કોરોનાની મહામારીએ એને  જુદું વિચારતો કરી દીધો. હવા–પાણીથી પ્રદૂષિત શહરેમાં રહેવા કરતાં ગામડાંમાં રહી, ખેતી કરીને પ્રમાણમાં ઓછા પ્રદૂષિત વાતાવરણમાં રહેવું સારું એવો વિચાર મનમાં થયા કરતો હતો. એટલે કાલ સુધી કમ્પ્યુટર એન્જિનિયરીંગ ભણવાનું નક્કી કરી બેઠો હતો, એને હવે એગ્રી કલ્ચરમાં ભણવાનું મન થતું હતું. જેથી ભવિષ્યમાં ગામમાં રહીને ખેતી કરી શકાય.  રાતે વાળુ કરીને બાપ–દીકરો ફળિયામાં ખાટલો નાંખીને સૂતા હતા ત્યારે દર્શને પોતાની વાત મૂકી, ‘પપ્પા…તમને શહેરના ઘરમાં હોય એવી બધી સગવડ અહીં મળે તો તમને ગામમાં રહેવાનું ગમે?’

ગામમાં રહેવાની વાત પર જ જગદીશભાઈનું મોં કટાણું થઈ ગયું. ‘અહીં શું બળ્યું છે તે ર’વ..બોલ!’ ‘હું રહું તો?’ આટલું સાંભળતા જ જગદીશભાઈ ખાટલામાંથી બેઠા થઈ ગયા. ‘તું શું લેવાને રહેવાનો આં’ય..!’ ‘બાપુ…’ દર્શને નાનપણમાં જે સંબોધન કરતો હતો તે કર્યું.  ‘પ્લીઝ…તમે અકળાતા નહીં…મારી વાત શાંતિથી સાંભળજો….મારે ભણીને ખેતી કરવી છે.’ દર્શને ખાસ પહેલાં કહ્યું કે અકળાતા નહીં એટલે જગદીશભાઈનો શ્વાસ જરાક નીચો બેઠો. ‘પણ શું કામ?’ એ મુંઝાય ગયા હતા.

‘પપ્પા, હવે આપણે વૈજ્ઞાનિક પધ્ધતિથી ખેતી કરીએ ને તો એમાં ય પૈસા રળી શકાય છે….આ તમે જ જુઓને…તમારા માસીના ભાઈ પરશુકાકા ખેતરમાં તરબૂચના બદલે ડ્રેગન ફ્રૂટ ઊગાડે છે તેના પૈસામાં તો મકાન નવું બનાવી લીધું….હા…તમને શહેરમાં રહેવાનું ગમતું હોય તો આપણે ત્યાં ય મકાન બનાવીશું. નોકરી જેટલા જ પૈસા હવે ખેતીમાં રળી શકાય. બસ થોડીક વેપારી સૂઝબૂઝ રાખવી પડે.’ જગદીશભાઈ ચૂપચાપ ખાટલામાં પાછા લાંબા થઈ ગયા. એ મૌન હતા એટલે દર્શન જાણી ગયો કે એમના મનમાં ગડ બેઠી નથી. ખેતી છોડીને દર્શન નોકરી કરે એ સપનાં સાથે જ એમણે દર્શનને મોટો કર્યો હતો. હવે એ સપનું જ ન રહે તો?

‘પપ્પા…મેં તમને મારો વિચાર કહ્યો. હજુ કશું નક્કી કર્યું નથી. તમે કહેશો તે જ કરીશ…ભલે ને પછી મારી ઈચ્છા બીજી હોય!’ દર્શને નાનપણમાં જે પોતાનું ધાર્યું કરવા બાપની ઈચ્છાને શરણે થઈ જતો હતો તે જ ઉપાય અજમાવ્યો. પણ આ વખતે એની અસર ન થઈ. ‘જો બેટા..તારે જે કરવું હોય તે કર….પણ મારી ઈચ્છા તો એ જ છે કે તું ઈજનેર બને. નોકરી કરે…બાકી તું જાણે!’ આ વાતને દસ વર્ષ વિત્યાં. દસ વર્ષ પછી અમેરિકાના એક નાના ટાઉનમાં ભારતીય સ્ટાઈલના બંગલામાં દર્શન શાકભાજીની ક્યારીમાં નિંદામણ કરતો હતો. જગદીશભાઈ દૂર આંબાના ઝાડ પર લાગેલી કેરીઓને તોડીને દર્શનના નાના દીકરા કિંયાશના હાથમાં આપતા હતા.

Most Popular

To Top