Charchapatra

આચાર, વિચાર, આહાર, વિહાર

મનુષ્યના જીવનમાં આચાર, વિચાર, આહાર, વિહાર, યમ, નિયમ, સંયમ, વિવેકપૂર્ણ સંકલ્પિત હોય તો માણસ પારિવારિક દૃષ્ટિએ સુખી, સમાધાની, સંતુષ્ટ અને નિરોગી બને છે. આચાર એટલે વર્તણૂક, સહિષ્ણુતા, સમરસતાપૂર્ણ ભેદાભેદ વિરહિત અને પ્રમાણિક હોય તો એનો વર્તમાન સમય ઉજજવળ બને છે. ભવિષ્યકાળ નિર્વિઘ્નતા આપે છે. આહાર એટલે શારીરિક શકિત માટેનો ખોરાક. પૈસો કે દ્રવ્ય ખાવાના પદાર્થો નથી એની જેને સમજ છે, તે જ્ઞાની માણસ કહેવાય છે. ઘરમાં જ પકાવેલું ખાનારો, અભક્ષ આહારને ન ખાનારો, પોતાના શ્રમ – ઘરસંસાર હોય તો હોટલો કે વીશીમાં ન જનારો.

પોતાના ટિફિનમાંનું અન્ન ભૂખ્યા જીવને આપનારો અન્ને પરબ્રહ્મ સમજનારો ભારતીય, સંસ્કારી, સુવિધ, આજ્ઞાંકિત, ધ્યેયનિષ્ઠ ઇષ્ટ પ્રકૃતિવાળો સામર્થ્યવાન બને છે. વિચાર એટલે મનમાં ઉદ્‌ભવતા સ્વભાવના ગુણોના તરંગો, વિચાર અને કર્મની સારી સંગત હોય તો માણસ વિચારવંત કહેવાય છે. વિચારી  બનીને, વિચારપૂર્વક કામને ન્યાય આપનારો, નિષ્પક્ષપાતી બને છે. ધાર્મિક, પારમાર્થિક, સજજનતાને અનુસરીને કામ કરનારાઓ આધ્યાત્મિક શકિતને ઓળખીને ચાલે છે, જે કદાપિ આસુરી અમાનવીય કૃત્યો કરતા નથી. તે આદર્શવાન બને છે. વિહાર એટલે ફરવું, ભટકવું, મન અને પગ પર નિયંત્રણ રાખનારો રાહી, શ્રેષ્ઠ સમાજસેવક બને છે.

જયાં મલિનતા છે, ત્યાં ન જનારો, જયાં કુબુદ્ધિ, દ્વેષ છે ત્યાં ન જાનારો, જયાં વિષયવાસનાનું કેન્દ્ર છે ત્યાં ન જાનારો. દુર્બુધ્ધિ, દુરાચાર, વ્યભિચાર, ભ્રષ્ટાચારની દુર્ગંધ આવતી હોય ત્યાં ન જનારો અને એવાં ક્ષેત્રોને નાબૂદ કરનારો સમાજને સુવ્યવસ્થિત બનાવી શકે છે. આવનાર નવરાત્રી શકિત સામ્રાજય દિવસોમાં માનવી આચાર, વિચાર, આહાર, વિહારની શુદ્ધિ પાળીને વચનબધ્ધ બને તો સમાજ નિર્ભય, સાવધ અને સુરક્ષિત રહેશે. આપણે શકિતપૂજન સાથે સંસ્કૃતિપૂજન કરવું જોઇએ.
સુરત     – બાળકૃષ્ણ વડનેરે- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top