Gujarat

દ્વારકામાં ફૂલડોલ ઉત્સવની રંગેચંગે ઉજવણી, ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું

જામનગર: વિશ્વ વિખ્યાત યાત્રાધામ દ્વારકા દ્વારકાધીશ મંદિર ખાતે દર વર્ષે હોળી- ધૂળેટી પર્વ નિમિત્તે ખૂબ મોટી સંખ્યામાં ભક્તજનો ફૂલડોલ ઉત્સવ મારફતે કાળીયા ઠાકોર સંગ આ પર્વની ઉજવણી કરે છે. જો કે કોરોના કાળને લઈ ગત વર્ષે ઉત્સવમાં ભક્તો જોડાયા ન હતા. જો કે આ વર્ષે કોરોનાના નિયમો હળવા હોવાથી ઉત્સાહ ભેર ફૂલડોલ ઉત્સવ ઉજવાયો હતો. દ્વારકામાં ફૂલડોલ ઉત્સવને લઈ ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું છે.

ગુજરાતની મુખ્ય તીર્થ સમાન ભગવાન શ્રીકૃષ્ણની નગરી યાત્રાધામ દ્વારકામાં ફૂલડોલ ઉત્સવની ઉજવણીમાં રાજ્યમાંથી મોટી સંખ્યામાં પદયાત્રિઓ દ્વારકા ખાતે પહોંચી રહ્યા છે. જેના પગલે બજારોમાં તેમજ દ્વારકાધીશના મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. ફૂલ ડોલ ઉત્સવને લઈ આખી કૃષ્ણ નગરી રંગમાં રંગાઈ ગઈ છે. ભક્તોએ રંગેચંગે રંગ ઉત્સવ મનાવી ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા હતા. દ્વારકાધીશના દર્શન કરવા માટે સમગ્ર દ્વારકાની બજારોમાં માનવ મહેરામણ ઉમટ્યું છે. મોટી સંખ્યામાં ભાવિક ભકતો પગપાળા દ્વારકામાં આવીને શિશ ઝુકાવી ધન્યતા અનુભવી રહ્યા છે. ત્યારે દ્વારકાધીશની આરતી સમયે ભગવાન દ્વારકાધીશ ઉપર ચલણી નોટોનો પણ વરસાદ કરવામાં આવ્યો હતો.

બે દિવસ ફૂલડોલ ઉત્સવ ઉજવાશે
દ્વારકામાં તારીખ 17 અને 18ના રોજ ફૂલડોલ ઉત્સવની ઉજવણી કરવામાં આવશે જેને લઈ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, કચ્છ, સાબરકાંઠા, બનાસકાંઠા, બરોડા, અમદાવાદ, આણંદ સહિતના જિલ્લામાંથી લાખો પદયાત્રિકો ચાલીને દ્વારકા પહોંચી રહ્યા છે.

દ્વારકામાં આજે ફૂલડોલ ઉત્સવની ઉજવણી

કુલડોલ ઉત્સવ સુધી દ્વારકાધીશજીને સફેદ કલરના જ વસ્ત્ર ધરાવવામાં આવી છે
દ્વારકાધીશ મંદિરના નિજ મંદિરમાં હોળાષ્ટકના સ્થાપન સાથે જ છેલ્લાં 3 દિવસથી ભગવાન દ્વારકાધીશજીની સન્મુખ આરતીમાં શૃંગાર આરતી તથા સાંજે સંધ્યા આરતી તથા બપોરના રાજભોગ આરતી સહિતની મહાઆરતીમાં ભગવાન દ્વારકાધીશજીને (કાળીયા ઠાકોરને) અબીલ ગુલાલની છોળ સાથે ફૂલડોલ ઉત્સવને વધાવામાં આવી રહ્યો છે અને ખાસ કરીને દ્વારકાધીશજીને કુલડોલ ઉત્સવ સુધી સફેદ કલરના જ વસ્ત્ર ધરાવવામાં આવી રહ્યા છે. પૂજારી પરિવાર દ્વારા કુલડોલ ઉત્સવમાં વિશેષ પ્રકારના મનોરથો પણ ઠાકોરજીની સન્મુખ ધરાવવામાં આવે છે.

ફૂલડોલ ઉત્સવના દિવસે દર્શનના સમયમાં ફેરફાર
ફૂલડોલ ઉત્સવની ઉજવણીનાં પગલે દર્શનમાં પણ ફેરફાર કરાયો છે. ફૂલડોલના દિવસે સવારે 6 વાગ્યે મંગળા આરતી થશે. ત્યરાબાદ 6 થી 1 દરમિયાન મંદિરમાં દર્શન ચાલુ રહેશે. મંદિર 1થી 1-30 દરમિયાન બંધ રહેશે. બપોરે 1-30 થી 3-30 દરમિયાન મંદિરમાં ભક્તોસંગ ફૂલડોલ ઉત્સવની ઉજવણી કરાશે. ત્યારબાદ સાંજે 5 વાગ્યે ફરી દર્શન શરૂ થશે અને રાત્રિના 9-30 કલાકે મંદિર બંધ થશે. દ્વારકાના જગતમંદિરમાં 18 તારીખને શુક્રવારે ફૂલડોલ ઉત્સવની ઉજવણી થશે.

1200 પોલીસ કર્મીઓ બંદોબસ્તમાં ગોઠવાશે
ઉત્સવનાં પગલે તંત્ર દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી હતી. ઉત્સવ માટે 1200 જેટલા પોલીસ જવાનો બંદોબસ્તમાં ગોઠવવામાં આવશે. દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા સુનિલ જોષી અને જિલ્લા કલેક્ટર મુકેશ પંડ્યાના માર્ગદર્શન હેઠળ 1200 પોલીસ કર્મીઓ ફૂલડોલ ઉત્સવના કાર્યક્રમમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરશે. બંદોબસ્તમાં 5 DySp, 15 PI, 50 PSI સહિત પોલીસકર્મી, એસ.આર.ડી., એસ.આર.પી., જી.આર.ડી., સહિતનો પોલીસ સ્ટાફ દ્વારકા અને આસપાસના વિસ્તારમાં વ્યવસ્થા માટે ગોઠવામાં આવશે. દ્વારકા મંદિરના ઈન્ચાર્જ ડી.વાય.એસ.પી. સમીર સારડાના માર્ગદર્શન હેઠળ મંદિર પરિસરમાં દર્શનાર્થીઓને દર્શન વ્યવસ્થા માટે ખાસ પ્રકારની બેરીકેટીંગ અને યાત્રીકોના અવર જવરના રસ્તાની અલગથી વ્યવસ્થા કરાય છે.

પદયાત્રિકો માટે ઠેર-ઠેર સેવા કેમ્પો ધમધમ્યા
દ્વારકા મંદિરમાં ઉત્સવનાં પગલે અમદાવાદથી દ્વારકા સુધીનો હાઈવેમાર્ગ પદયાત્રિકોથી ઉભરાયો હતો. પદયાત્રિકો માટે અનેક સંસ્થાઓ દ્વારા ઠેર-ઠેર સેવા કેમ્પ પણ લગાવવામાં આવ્યા છે. જેમાં પદયાત્રિકોને ખાણી-પીણી ઉપરાંત મેડિકલની પણ સુવિધા આપવામાં આવે છે. તેમજ વિશ્રામ માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ઠેર-ઠેર સેવા કેમ્પો ધમધમ્યા હતા. જામનગરથી દ્વારકા સુધી મુખ્યત્વે રિલાયન્સ કંપની અને સૌરાષ્ટ્ર કેલસ્યાન બોક્સાઈડ કંપની જેવી માતબર કંપનીઓએ પણ સેવાના આ યજ્ઞમાં જોડાઈ ગઈ છે. દ્વારકાધીશના દર્શન માટે આવનારા પદયાત્રિઓ કોરોનાના કેસમાં ઘટાડો થતા અનેરા ઉત્સાહમાં છે. રાત્રિના ઠેર-ઠેર હાઈવે માર્ગ પર ઊભા કરવામાં આવેલા ટેન્ટમાં પદયાત્રિઓ લોકડાયરો, રાસગરબા, ઢાઢીલીલા અને સૌરાષ્ટ્ર ગુજરાતનું ભવ્ય ભાતીગળ લોક સંસ્કૃતિના કાર્યક્રમો યોજી રહ્યા છે.

Most Popular

To Top