દિલ્હી પોલીસની કડક કાર્યવાહીથી આંદોલન નબળું પડ્યું
કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામા અને મતદાર યાદીની સુધારણા પ્રક્રિયા (SIR)માં કથિત અનિયમિતતાઓના વિરોધમાં દિલ્હીના જંતર-મંતર પર મોટા પ્રદર્શનનું આહ્વાન કરવામાં આવ્યું હતું. જોકે, આ વખતે પાર્ટીને અગાઉના પેપર લીક વિરોધી આંદોલન જેવો જનસમર્થન મળ્યો નથી. દિલ્હી પોલીસની કડક સુરક્ષા વ્યવસ્થા, પાર્ટીના મોટા નેતાઓની અટકાયત અને પ્રદર્શનકારીઓને એકત્ર થવા ન દેવાની કાર્યવાહી વચ્ચે આંદોલનનો પ્રભાવ મર્યાદિત રહ્યો હોવાનું અહેવાલમાં જણાવાયું છે.
જુલાઈના આંદોલન જેવી ભીડ કેમ ન ઉમટી?
CJPએ અગાઉ પેપર લીકના મુદ્દે મોટું આંદોલન કર્યું હતું. તે સમયે વિદ્યાર્થીઓ અને યુવાનો મોટી સંખ્યામાં રસ્તા પર ઊતર્યા હતા. પરીક્ષા વ્યવસ્થામાં કથિત ગેરરીતિઓ અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જોડાયેલા મુદ્દાને વ્યાપક સમર્થન મળ્યું હતું. આ આંદોલન દરમિયાન તત્કાલીન કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ પણ જોરશોરથી ઉઠી હતી. સામાજિક કાર્યકર સોનમ વાંગચુકના સમર્થન અને યુવાનોની ભાગીદારીએ આંદોલનને વધુ ચર્ચામાં લાવ્યું હતું.પરંતુ આ વખતે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામેના વિરોધમાં અગાઉ જેવો જનઉભરો જોવા મળ્યો નથી. CJPએ 10 ઑક્ટોબરે દિલ્હીના જંતર-મંતર પર પ્રદર્શનનું આહ્વાન કર્યું હતું. જોકે, દિલ્હી પહોંચતાં જ પાર્ટીના સ્થાપક અભિજીત દિપકે, સહ-સંયોજક આશુતોષ રાંકા અને સૌરવ દાસને એરપોર્ટ પર અટકાયતમાં લેવામાં આવ્યા હોવાના અહેવાલ છે. ત્યારબાદ પાર્ટીના અન્ય કાર્યકરોને પ્રદર્શનનું નેતૃત્વ સોંપવામાં આવ્યું, પરંતુ સમર્થકોને મોટી સંખ્યામાં એકત્ર થવામાં મુશ્કેલી પડી.
દિલ્હી પોલીસની કડક સુરક્ષા વ્યવસ્થા
આ વખતે દિલ્હી પોલીસ અગાઉની સરખામણીએ વધુ સતર્ક જોવા મળી હતી. જંતર-મંતર અને આસપાસના વિસ્તારોમાં સુરક્ષા વધારવામાં આવી હતી. બેરિકેડિંગ અને પ્રતિબંધાત્મક પગલાંને કારણે પ્રદર્શનકારીઓ માટે નિર્ધારિત સ્થળે પહોંચવું મુશ્કેલ બન્યું હતું. શનિવારે દિવસ દરમિયાન પોલીસ અને CJPના સમર્થકો વચ્ચે અનેક સ્થળે ધમાચકડી જેવી સ્થિતિ સર્જાઈ હતી. રવિવારે પ્રદર્શનના બીજા દિવસે પણ રાજધાનીના કેટલાક વિસ્તારોમાં પોલીસની હાજરી વધુ જોવા મળી હતી, જ્યારે પ્રદર્શનકારીઓની સંખ્યા મર્યાદિત રહી હતી.
મતદાર યાદીનો મુદ્દો જનઆંદોલન બની શક્યો નહીં?
આંદોલન નબળું પડવા પાછળ મુદ્દાની પ્રકૃતિ પણ એક કારણ હોઈ શકે છે. પેપર લીકનો મુદ્દો સીધો વિદ્યાર્થીઓ, વાલીઓ અને તેમના ભવિષ્ય સાથે જોડાયેલો હતો. બીજી તરફ, SIR પ્રક્રિયા અને મતદાર યાદીમાંથી નામ દૂર થવાના આરોપો ગંભીર હોવા છતાં, CJP આ મુદ્દાને અગાઉના આંદોલન જેટલી વ્યાપક જનભાગીદારીમાં ફેરવી શકી નથી. જોકે, પોલીસના પ્રતિબંધો અને અટકાયતને કારણે સમર્થકોને એકત્ર થવાની તક મર્યાદિત રહી હોવાની બાબતને પણ અવગણી શકાય નહીં.
CJP હવે આગળ શું કરશે?
CJPના નેતાઓએ જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ સાથે વિરોધ ચાલુ રાખવાની વાત કરી છે. પાર્ટીનું કહેવું છે કે મતદાર યાદીની સુધારણા પ્રક્રિયામાં કથિત ગેરરીતિઓ અંગે જવાબદારી નક્કી થવી જોઈએ. હવે પાર્ટી ફરીથી પ્રદર્શન માટે મંજૂરી મેળવવાનો પ્રયાસ કરશે કે નહીં અને આગામી દિવસોમાં સમર્થકોને કેટલી હદે એકત્ર કરી શકશે, તેના પર સૌની નજર રહેશે.હાલની સ્થિતિ CJP માટે રાજકીય પડકાર બની છે. અગાઉના આંદોલનથી મળેલી ઓળખને જાળવી રાખવા માટે પાર્ટીએ માત્ર સોશિયલ મીડિયા પરની ચર્ચા નહીં, પરંતુ જમીન પર સતત જનસમર્થન ઊભું કરવાની જરૂર પડશે.