National

સિનેમાઘરો ખાદ્ય વસ્તુ લાવતા રોકી શકે : સુપ્રીમ

નવી દિલ્હી: સર્વોચ્ચ અદાલતે મંગળવારે આદેશ આપ્યો હતો કે સિનેમા હોલ (Cinema Hall) ખાદ્ય પદાર્થ અને પીણાઓના વેચાણના નિયમો અને શરતો નિર્ધારીત કરી શકે છે અને થીએટર પરિસરમાં બહારના ખાદ્ય પદાર્થ (Food Item) લાવવાની મંજૂરી આપવામાં આવે કે નહીં તે નક્કી કરી શકે છે. ચીફ જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડ અને જસ્ટિસ પી એસ નરસિમ્હાની બેન્ચે કહ્યું હતું કે સિનેમા હોલ માલિકની એક ખાનગી મિલકત છે, તે નિયમ અને શર્તો રાખવાનો હક ધરાવે છે જ્યાં સુધી કે તે જાહેર હીત, સુરક્ષા અને કલ્યાણની વિરૂદ્ધ ન હોય.

‘દર્શકો સિનેમા હોલમાં મનોરંજનના ઉદ્દેશ્યથી જાય છે. સિનેમા હોલની અંદર દર્શકો દ્વારા બહારના ખાદ્ય પદાર્થો અને પીણા લઈ જવા પર કોઈ પ્રતિબંધ ન હોય તેની ખાતરી કરવા રાજ્યને આદેશ આપીને ઉચ્ચ અદાલતે પોતાની સીમા ઓળંગી હતી, એવો અમારો સ્પષ્ટ મત છે’, એમ બેન્ચે કહ્યું હતું. જમ્મુ કાશ્મીર ઉચ્ચ અદાલત દ્વારા આપવામાં આવેલા આદેશને પડકારતી કેટલીક અરજીઓની સુનાવણી સર્વોચ્ચ અદાલત કરી રહી હતી.

સિનેમા હોલની બહારના ખાદ્ય પદાર્થોને અંદલ લાવવાની મંજૂરી આપવી કે નહીં તે નક્કી કરવા માટે થિએટરનો માલિક સ્વતંત્ર છે, આ થિએટર માલિકનો વ્યવસાયિક નિર્ણય છે, એમ ટોચની અદાલતે કહ્યું હતું. ટોચની અદાલતે કહ્યું હતું કે અગાઉ તેમને કહેવાયું હતું કે માતા પિતા સાથે આવેલા નાના બાળક માટે યોગ્ય માત્રામાં ખાદ્ય પદાર્થ લઈ જવા સામે સિનેમા માલિકોને કોઈ વાંધો નથી. આ સાથે જ અદાલતે કહ્યું હતું કે સિનેમા હોલમાં પ્રવેશ્યા બાદ ત્યાંથી ખાદ્ય પદાર્થ અથવા પીણાં ખરીદવા કે નહીં તે દર્શકની પસંદની વાત છે.

સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે માલિકને તે નક્કી કરવાનો અધિકાર છે કે તેની મિલકતામાં શું લાવી શકાય અને શું નહીં જે નિયમોને આધીન છે. બેન્ચે કહ્યું કે રાજ્યની નિયમ બનાવવાની સત્તાનો ઉપયોગ હોલ માલિકોના કાયદેસર વેપાર અને વ્યવસાય કરવા માટેના મૂળભૂત અધિકાર સાથે સુસંગત રીતે કરવો જોઈએ. ઉલ્લેખનીય છેકે જુલાઈ, 2018માં જમ્મુ કાશ્મીર ઉચ્ચ અદાલતે થિએટરની અંદર ખાદ્ય પદર્થો અને પીણાં લઈ જવાની મંજૂરી આપવાની સાથે અન્ય કેટલાંક નિર્દેશ આપ્યા હતા.

Most Popular

To Top